• મંગળવાર, 15 જુલાઈ, 2025

સંસદનાં ચોમાસું સત્ર માટે રણનીતિ ઘડવા સોનિયાએ બોલાવી કોંગ્રેસની બેઠક

સરકારને ઘેરવા માટે રચાશે વ્યૂહ : પહલગામ આતંકી હુમલો અને ઓપરેશન સિંદૂર સહિતનાં મુદ્દે સરકારને ભીંસવાની તૈયારી

નવી દિલ્હી, તા.13: કોંગ્રેસ સંસદીય દળ(સીપીપી)નાં અધ્યક્ષા સોનિયા ગાંધીએ સંસદનાં આગામી ચોમાસુ સત્ર માટે રણનીતિની ચર્ચા કરવા માટે 1પમી જુલાઈએ બેઠક બોલાવી છે. સંસદનું ચોમાસું સત્ર 21 જુલાઈથી 21 ઓગસ્ટ સુધી ચાલવાનું છે. આ સત્રમાં વિપક્ષ અને સરકાર વચ્ચે અનેક મુદ્દે ટકરાવ લગભગ નિશ્ચિત દેખાય છે.

પક્ષનાં સૂત્રોનાં હવાલે આવતા અહેવાલો અનુસાર કોંગ્રેસની આ બેઠકમાં પક્ષનાં વરિષ્ઠ નેતાઓ સામેલ થશે. મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી પણ આ બેઠકમાં આવે તેવી શક્યતા છે. સોનિયા ગાંધી આ બેઠકની અધ્યક્ષતા કરશે. આ બેઠક તેમનાં નિવાસ 10 જનપથ ખાતે યોજાશે.

વિપક્ષ દ્વારા સંસદમાં કેટલાક મુદ્દાઓ ઉઠાવવાની તૈયારી કરવામાં આવી રહી છે. તે ચૂંટણી પંચનાં એક ફેંસલા સામે સવાલ ઉઠાવી શકે છે. આ નિર્ણય બિહારમાં મતદાર યાદીની બીજીવાર ચકાસણી સંબંધિત છે. કોંગ્રેસ ઈચ્છે છે કે, સંસદમાં અન્ય વિશિષ્ટ ઘટનાઓ ઉપર ચર્ચા થાય. આમાં પહલગામ આતંકવાદી હુમલો અને ઓપરેશન સિંદૂર સહિતનાં મુદ્દાનો સમાવેશ થાય છે. કોંગ્રેસનો સવાલ છે કે, આ ઘટનાઓની જાણ અન્ય દેશમાંથી કેવી રીતે પહેલા થઈ જાય છે તેની સ્પષ્ટતા સરકારે કરવી જોઈએ.

સરકાર સંસદનાં ચોમાસુ સત્રમાં અનેક મહત્ત્વનાં કાયદાઓ પસાર કરાવવા માગે છે. સરકાર એવા કાયદા લાવવા માગે છે જે ખાનગી કંપનીઓને પણ પરમાણુ ક્ષેત્રમાં કામ કરવાની છૂટ આપશે. જેનાં માટે સરકાર સિવિલ લાયબિલિટી ન્યૂક્લિયર ડેમેજ એક્ટ અને એટમિક એનર્જી એક્ટમાં સુધારાની યોજના બનાવી રહી છે. સંસદનું સત્ર સુચારુ ચાલી શકે અને વિપક્ષ સામે ઘર્ષણ શક્ય એટલું ઘટાડી શકાય તે માટે 19મી જુલાઈએ સરકારે સર્વપક્ષીય બેઠક પણ બોલાવેલી છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક