• સોમવાર, 20 ઑક્ટોબર, 2025

પોરબંદરમાં અજાણ્યા વાહને ઠોકર મારતા નેવીના બે જવાનો ગંભીર

અન્ય એક વૃધ્ધને પણ ઈજા : અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોંધી શોધખોળ

પોરબંદર, તા.19: પોરબંદરમાં માધવાણી કોલેજ પાસે અજાણ્યા વાહનચાલકે અકસ્માત સર્જતા નેવીના બે યુવાનોને ગંભીર ઈજા પહોંચી હતી. પૂરપાટ ઝડપે નીકળેલા અજાણ્યા વાહનચાલકે મોપેડને ઠોકરે ચડાવતા બંને યુવાનોને ગંભીર ઈજા થતા સારવારમાં ખસેડાયા છે. જ્યારે આ અકસ્માતમાં અન્ય એક વૃધ્ધને પણ ઈજા પહોંચી હતી.

પોરબંદર નેવલ એર એન્કલેવમાં લેફ્ટનન્ટ તરીકે ફરજ બજાવતા મુળ બિહારના અંકિતકુમારાસિંઘ બીરેન્દ્રાસિંઘે પોલીસમાં ફરીયાદ નોંધાવી છે કે, તેઓ તા.18ના સાંજે પોતાના રૂમ પર હાજર હતા ત્યારે તેમના વિભાગના નેવલ પોલીસના જવાન નિરજકુમારનો ફોન આવ્યો હતો કે આપણા નેવલ એર એન્કલેવના બે જવાનોનું માધવાણી કોલેજ નજીક એકસીડન્ટ થયું છે અને બંનેને ભાવાસિંહજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આથી ફરીયાદીએ સિનિયર અધિકારીઓને વાત કરી હતી અને તાત્કાલિક ત્યાં તપાસ કરતા માધવાણી કોલેજ સામે રોયલ આર્કેડ સોસાયટીની બાજુમાં મોપેડ પડેલુ હતુ. બુટ ચપ્પલ અને હેલ્મેટ પણ પડેલા હતા તથા લોખંડની ગ્રીલ વળી ગયેલી જોવા મળી હતી. આથી ફરીયાદી તાત્કાલિક ભાવાસિંહજી હોસ્પિટલ ખાતે ઈમરજન્સી વોર્ડમાં પહોંચતા તપાસ હાથ ધરી હતી.ત્યાં જઈને જોતા મુળ ઉત્તરપ્રદેશ તથા હાલ નેવલ  એન્કલેવ ખાતે રહેતા તરૂણકુમાર ચંદ્રમોહનાસિંધ (ઉ.વ.26) અને મુળ ઉત્તરપ્રદેશ તથા હાલ નેવલ એર એન્કલેવ ખાતે રહેતા વિવેકકુમાર સુશીલકુમાર (ઉ.વ.26) બંને સારવારમાં દાખલ હતા અને બંનેને માથાના ભાગે અને શરીરના ભાગે ગંભીર ઈજા થઈ હતી. બંનેની હાલત ગંભીર હોવાનું તબીબોએ જણાવ્યું હતુ. 

આ અકસ્માતમાં સવદાસભાઈ પરમાર નામના 73 વર્ષના વૃદ્ધ પણ ઘવાયા હતા. તેઓ રીક્ષાની રાહ જોઈને ઉભા હતા. દરમિયાન કોઈ વાહન ફુલસ્પીડે નીકળતા ઠોકર મારતા નેવીના બંને જવાનો મોપેડમાં પસાર થતા હતા.તેમનું બેલેન્સ નહી રહેતા સવદાસભાઈ સાથે અથડાયા હતા અને ત્યારબાદ રોડની સાઈડની લોખંડની ગ્રીલમાં અથડાયા હતા. આ અંગે પોલીસે અકસ્માત સર્જી નાશી છૂટેલા અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક