• મંગળવાર, 31 માર્ચ, 2026

સ્વિમિંગ પૂલ બન્યો મોતનો કૂવો, સગા ભાઈ-બહેનના ડૂબી જતા મૃત્યુ પખવાડિયા પહેલાં જ રાજકોટમાં નોકરી કરવા આવેલા નેપાળી પરિવાર પર વજ્રઘાત

સોપાન હાઈટ્સ નામના લક્ઝરીયસ એપાર્ટમેન્ટના સ્વિમિંગ પુલમાં નાહવા ઉતરેલી પાંચ વર્ષની બહેનને બચાવવા જતા સાત વર્ષનો ભાઈ પણ ડૂબ્યો

(ફૂલછાબ ન્યૂઝ)

રાજકોટ, તા. 30 : રાજકોટ શહેરમા રૈયા રોડ વિસ્તારમાં આવેલા સોપાન હાઈછટસ નામના લક્ઝરીયસ એપાર્ટમેન્ટમાં આવેલો સ્વિમિંગ પૂલ માસુમ ભાઈ-બહેન માટે મોતનો કૂવો બન્યો હતો. ઉનાળાની ગરમીમાં વિશાળ સ્વિમિંગ પુલ જોઈને તેમા નાહવા ઉતરેલી પાંચ વર્ષની બાળા તુરંત ડુબવા લાગતા નજીક રહેલો તેનો સાત વર્ષનો ભાઈ તેને બચાવવા પુલમાં કૂદ્યો હતો પરંતુ જોતજોતામા બન્નેના ડૂબી જવાથી મૃત્યુ થયા હતા.

આ કરૂણ દુર્ઘટના રૈયા ધાર વિસ્તારમાં આવેલી ડ્રિમ સિટીની સામે સોપાન હાઈટ્સ બિલ્ડિગમાં બની હતી. જ્યાં બપોરના 2:30 વાગ્યાથી 3:30 વાગ્યા વચ્ચે બિલ્ડિંગમાં સફાઈ કામ કરતા નેપાળી પરિવારના દીપેશ કરણભાઈ ભંડારી (ઉ.વ.7) અને દેપસીકા કરણભાઈ ભંડારી (ઉ.વ.5) નામના બન્ને બાળકો રમતા રમતા સ્વામિંગ પૂલ પાસે પહોંચ્યા હતા. આ દરમિયાન મોટા લોકોના નાહવાના પૂલમાં પાંચ વર્ષની બાળકી નાહવા માટે ઉતરી હતી અને તુરંત ડુબવા લાગી હતી. બહેનને ડૂબતી જોઇ બાજુમાં રહેલો સાત વર્ષનો ભાઈ તેને બચાવવા પુલમાં કૂદી પડયો હતે. જોકે પુલમાં ડૂબી જવાથી નાનકડા ભાઈ-બહેનના ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યા હતા.

 આ અંગે જાણ થતાં જ સોપાન હાઈટ્સના રહેવાસીઓ અને બંને બાળકોના માતા-પિતા તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને તેમને સ્વામિંગ પૂલમાંથી બહાર કાઢી 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટરો દ્વારા બંને બાળકોને તપાસી મૃત જાહેર કરવામાં આવ્યા હતા અને આ અંગે યુનિવર્સિટી પોલીસને પણ જાણ કરવામાં આવી હતી.

યુનિવર્સિટી પોલીસે હોસ્પિટલ પહોંચી બાળકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. મૃતક બાળકોના માતા-પિતા મૂળ નેપાળના હોવાનું અને સોપાન હાઈટ્સ ખાતે પખવાડિયાથી સફાઈ કામદાર તરીકે રહેતા હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક