સબરીમાલામાં
મહિલાઓનાં પ્રવેશ સંબંધિત કેસમાં કેન્દ્ર સરકારે કહ્યું, ધર્મની વ્યાખ્યા કરવાનું કામ
કોર્ટનું નથી
નવીદિલ્હી,
તા.8: સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશની અનુમતી આપતા સુપ્રીમ કોર્ટના 2018ના આદેશ
સામે પુન:સમીક્ષા અરજીના મામલે આજે અત્યંત મહત્ત્વની ટિપ્પણી કરતાં સુપ્રીમ કોર્ટે
કહ્યું હતું કે, અદાલત પાસે કોઈ ધાર્મિક પ્રથામાં અંધવિશ્વાસ છે કે નહીં તેની સમીક્ષા
કરવાનો અધિકાર છે. અદાલતે એવું પણ સ્પષ્ટ કર્યું હતું કે, આવા કિસ્સાઓમાં સરકારનો જ
ફેંસલો અંતિમ નિર્ણય રહેશે તેવું કહી શકાય નહીં.
દેશનાં
મુખ્ય ન્યાયધીશ સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી પીઠે આ ટિપ્પણી સબરીમાલા મંદિરમાં 10થી પ0
વર્ષની વયની મહિલાઓના પ્રવેશ ઉપર પ્રતિબંધ મુદ્દે બંધારણીય પડકાર ઉપર સુનાવણી ચાલી
રહી હતી. આ મામલે મહિલાઓના અધિકાર અને ધાર્મિક સ્વતંત્રતાનાં સંતુલન સંબંધિત છે.
પીઠે
કહ્યું હતું કે, અદાલત પાસે એ નક્કી કરવાનો અધિકાર છે કે જો કોઈ પ્રથા અંધવિશ્વાસ આધારિત
છે કે નહીં. ન્યાયાલયે આના માટે ઉદાહરણ આપતા કહ્યું હતું કે, જાદુ-ટોના, નરબલિ, નરભક્ષણ
અને સતી જેવી પ્રથાઓ પણ કોઈ સમયે સમાજમાં પ્રચલિત હતી પરંતુ ગેરબંધારણીય અને અમાનવીય
માનીને સમાપ્ત કરવામાં આવી હતી.
સુનાવણી
દરમિયાન સોલિસિટર જનરલ તુષાર મહેતાએ એવો તર્ક આપ્યો હતો કે, એક ધર્મનિરેપક્ષ કોર્ટ
એવું નક્કી ન કરી શકે કે કોઈ પ્રથા અંધવિશ્વાસ છે કે નહીં કારણ કે અદાલત પાસે ધર્મનું
વિદ્વતાપૂર્ણ જ્ઞાન નથી હોતું. ભારત જેવા વિવિધતાપૂર્ણ દેશમાં એક સ્થાને જે ધાર્મિક
હોય તે અન્યત્ર અંધવિશ્વાસ પણ હોઈ શકે છે.
જેની
સામે જસ્ટિસ અહસાનુદ્દીન અમાનુલ્લાહ અને જસ્ટિસ જોયમાલ્યા બાગચીએ સવાલ ઉઠાવતા કહ્યું
હતું કે, જો કોઈ સ્થાને જાદુ-ટોનાને ધાર્મિક પ્રથા ગણાવવામાં આવે અને વિધાનમંડળ તેની
સામે ચૂપ રહે તો શું અદાલત તેમાં હસ્તક્ષેપ ન કરી શકે ? જેની સામે સોલિસિટર જનરલે માન્યું
હતું કે, સાર્વજનિક વ્યવસ્થા, નૈતિકતા અને સ્વાસ્થ્યના આધારે અદાલત દરમિયાનગીરી કરી
શકે છે પણ માત્ર તેને અંધવિશ્વાસ ગણાવવામાં આવે તેન અધારે નહીં.
જેને
પગલે જસ્ટિસ એમ.એમ.સુંદરશ અને જસ્ટિસ બી.વી.નાગરત્નાએ પણ સ્પષ્ટ કર્યું હતું કે, અદાલતની
ભૂમિકાને પૂરી રીતે સીમિત ન કરી શકાય. જસ્ટિસ નાગરત્નાએ કહ્યું હતું કે, કોઈપણ ધાર્મિક
પરંપરાની આવશ્યક ધાર્મિક પ્રથા છે કે નહીં તેની સમીક્ષા એ ધર્મનાં દર્શનના આધારે જ
કરવી જોઈએ. જો કે તે પણ સાર્વજનિક વ્યવસ્થા અને નૈતિકતાને આધીન જ હશે. સીજેઆઈ સૂર્યકાંતે
કહ્યું હતું કે, અદાલત પોતાને ધર્મ નિષ્ણાત નથી માનતી પણ જો કોઈ પ્રથા અદાલતની અંતરાત્માને
હચમચાવી જાય તો તેનાં ઉપર ન્યાયિક સમીક્ષા સંભવ છે.