પામતેલ
સહિતના ખાદ્યતેલના ભાવમાં ગાબડાં
રાજકોટ,
તા. 8(ફૂલછાબ ન્યૂઝ) : યુદ્ધને લીધે ક્રૂડ તેલમાં ખેલાયેલો સટ્ટો તૂટી પડતા મલેશિયામાં
પામતેલ વાયદો ગબડી પડયો હતો. એની અસરથી સટ્ટાકીય રીતે ઉછળેલા ખાદ્યતેલના ભાવ પણ ઠેકાણે
પડવા લાગ્યા છે. પામતેલ, કપાસિયા તેલ અને સૂર્યમુખી જેવા ખાદ્યતેલના ભાવ ઘટવાનું શરૂ
થયું છે.
ક્રૂડ
તેલના ભાવમાં 16 ટકાની મંદી આવવાને લીધે મલેશિયામાં પામતેલ અને ચીનમાં સોયાતેલના વાયદામાં
ગાબડાં પડયા હતા. પામતેલ વાયદા ઉપરથી ખાદ્યતેલના ભાવ નક્કી થતાં હોય છે. પામતેલનો ભાવ
મલેશિયામાં 4 ટકા કરતા વધુ ઘટી ગયો હતો. અમેરિકા અને ઇરાન વચ્ચે ચાલી રહેલા યુધ્ધમાં
પંદર દિવસ સુધી વિરામ અને સીઝફાયરની સમજૂતી થઇ છે. એ ઉપરાંત હોર્મુઝ માર્ગ પણ ખૂલવાની
વાત થવાથી હવે લોજીસ્ટિકની સમસ્યા હળવી થશે એ ગણતરીએ ક્રૂડ અને તેની પાછળ ખાદ્યતેલ
નબળા પડયા છે.
ખાદ્યતેલનો
સટ્ટો પીંખાઇ ગયો છે. જોકે હવે યુદ્ધ ન થાય તો મોટાં કડાકા પણ આવશે. રાજકોટમાં પામતેલના
ભાવમાં રૂ.30નો ઘટાડો થયો હતો જ્યારે કપાસિયા, સૂર્યમુખી અને સીંગતેલમાં ડબે રૂ.
10 ઘટયા હતા. વેપારીઓએ કહ્યું કે, આયાતકારો પાસે અને ટ્રેડરો પાસે ઉંચા ભાવના માલ પડયા
છે એટલે પ્રથમ દિવસે વધુ ઘટાડો કરાયો નથી. જોકે બજાર અગાઉ જે ગતિએ વધી છે એ જોતા હજુ
ઘટાડાની સંભાવના પૂરતી છે. ક્રૂડ તેલનો ભાવ વિશ્વ બજારમાં હાલમાં જ 115 ડોલર સુધી પહોંચ્યો
હતો. જોકે યુદ્ધ વિરામ પછી 93 ડોલર પ્રતિ બેરલ થઇ ગયો છે. એની અસરે વિશ્વ બજારમાં તમામ
ખાદ્યતેલ અને કોમોડિટીઝના ભાવ ઘટયા છે. અલબત્ત,
સીંગતેલના ભાવ અપેક્ષિત ઘટતા નથી. સરકારી મગફળીનું વેચાણ રૂ. 1400-1440ના ભાવથી જ થતું
હોવાથી પીલાણ મિલોને પોસાણ નથી. ઉંચા ભાવમાં તેલની ખપત ધીમી છે. સીંગતેલનો ડબો રૂ.
2950-3000 થઇ ગયો છે.
જોકે
અન્ય તેલમાં કપાસિયા તેલમાં રૂ. 10 ઘટી જતા રૂ. 2555-2585નો ભાવ ચાલી રહ્યો છે. પામતેલમાં
રૂ. 30 ઘટી રૂ. 2315-2320 અને સૂર્યમુખી તેલમાં રૂ. 10 ઘટીને રૂ. 2560-2580 ભાવ રહ્યો
હતો.