• ગુરુવાર, 09 એપ્રિલ, 2026

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના 70% પૂર્વ કોર્પોરેટરોની ટિકિટ કપાવાની શક્યતા

ઉમેદવારોની પસંદગીના નવા નિયમોને મુદ્દે આંતરિક વિખવાદ : આ કડક નિયમો સામે સાંસદ મનસુખ વસાવાએ ઉઠાવ્યા સવાલ

60 વર્ષથી વધુ ઉંમરના, 3 ટર્મ પૂરી કરનારા

અને નેતાઓના સગાઓને નહીં મળે ટિકિટ

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ, તા.8 : ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. આ વચ્ચે ભાજપની ટિકિટ ફાળવણી માટે કેટલાક અત્યંત કડક નિયમો બનાવ્યા છે, જેના કારણે હાલના 70% જેટલા પૂર્વ કોર્પોરેટરોના પત્તા કપાઈ જવાની પૂરેપૂરી શક્યતા છે અને માત્ર 30% જ ચહેરાઓ રિપીટ થાય તેવી શક્યતા છે. આ નવા નિયમોને લઈને ભાજપમાં જ આંતરિક વિખવાદ શરૂ થઈ ગયો છે. ખુદ ભાજપના જ સાંસદ મનસુખ વસાવાએ જાહેરમાં આ નિયમો સામે આક્રોશ વ્યક્ત કર્યો છે. જોકે, આ નારાજગી વચ્ચે પણ પાર્ટી આજ-કાલમાં જ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દે તેવી શક્યતા છે.

મહત્વનું છે કે, પાલિકા અને પંચાયતની ચૂંટણીઓ માટે ભાજપે પોતાની રણનીતિમાં મોટો ફેરફાર કરીને કેટલાક આકરા નિયમો બનાવ્યા છે, જેનો ચુસ્તપણે અમલ કરવામાં આવશે. આ નિયમો મુજબ, 60 વર્ષથી વધુ ઉંમરના, 3 ટર્મ પૂરી કરનારા અને નેતાઓના સગાઓને ટિકિટ નહીં મળે. ટિકિટના આ નવા અને કડક નિયમોના કારણે સિનિયર નેતાઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. પ્રદેશ ભાજપના નેતૃત્વ અને ચૂંટણી સમિતિના આ નિર્ણયો સામે પહેલીવાર ભરૂચના ભાજપના સાંસદ મનસુખ વસાવાએ ખુલ્લેઆમ વિરોધ નોંધાવ્યો છે. વસાવાએ સ્પષ્ટ આશંકા વ્યક્ત કરી છે કે 3 ટર્મવાળા નિયમના કારણે ભાજપ જ ભાજપને હરાવશે. તેમણે સવાલ કર્યો છે કે જ્યારે લોકસભા અને વિધાનસભાની ચૂંટણીમાં આવા કોઈ નિયમો નથી હોતા, તો પછી માત્ર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જ આવો નિયમ કેમ ? તેમના મતે, 3 ટર્મથી જીતતા સિનિયર કાર્યકરો જો નિક્રિય થઈ જશે તો પાર્ટીને ભયંકર નુકસાન થશે અને હાલમાં આખા ગુજરાતમાં પાયાના કાર્યકર્તાઓ આ નિયમોથી નિરાશ થયા છે.

એક તરફ પાર્ટીમાં નિયમોને લઈને ગણગણાટ છે, ત્યારે બીજી તરફ ટિકિટ વિતરણની પ્રક્રિયા વેગવંતી બની છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ભાજપ આજ-કાલમાં જ ઉમેદવારોની પોતાની પ્રથમ યાદી જાહેર કરી શકે છે. અત્યાર સુધીમાં દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના ઉમેદવારોના નામો અંગેની ચર્ચા પૂર્ણ થઈ ચૂકી છે. આથી, એવી પ્રબળ શક્યતા છે કે પહેલી યાદીમાં આ બે ઝોનના ઉમેદવારોના નામ જ સામેલ હશે. 

ઇ-પેપરના નવા શુલ્ક