નવી
દિલ્હી, તા. 8 : મોંઘવારીની મોકાણ વચ્ચે ઉચાટ વધારનારા વાવડ મળી રહ્યા છે. આ વર્ષે
ચોમાસાંમાં સામાન્યથી ઓછો વરસાદ રહેવાનો વર્તારો મળ્યો છે. ખાનગી મોસમવિજ્ઞાન એજન્સી
‘સ્કાયમેટ’ તરફથી પૂર્વાનુમાન કરાયું છે કે, ચોમાસાંમાં વરસાદ સામાન્ય કરતાં છ ટકા
ઓછો રહી શકે છે.જૂનથી સપ્ટેમ્બર સુધી ચોમાસાંમાં દેશમાં વરસાદની સામાન્ય સરેરાશ
868.6 મિલિમીટર છે. સામાન્યથી ઓછા વરસાદનો અર્થ એ છે કે, વરસાદ 90થી 95 ટકા વચ્ચે રહેશે.એજન્સીએ
94 ટકા વરસાદનું અનુમાન કર્યું છે. જૂનમાં સામાન્ય વરસાદ થશે, પરંતુ જુલાઇથી ઘટાડો
શરૂ થઇને સપ્ટેમ્બરમાં ચોમાસું નબળું પડશે.ખાસ કરીને મોસમના મધ્યગાળામાં ઓગસ્ટ અને
સપ્ટેમ્બરમાં વરસાદની અછત વધુ રહેવાની શક્યતા છે.મધ્ય અને પશ્ચિમ ભારતના વિસ્તારોમાં
વરસાદ ઓછો રહેવાના એંધાણ મળે છે. ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં મધ્યપ્રદેશ, પંજાબ, હરિયાણા, રાજસ્થાનમાં
સામાન્યથી ઓછો વરસાદ થશે.સ્કાયમેટના જતિનસિંહે કહ્યું હતું કે, ચોમાસાંની શરૂઆતના સમયગાળા
દરમ્યાન અલ-નીનો બનવાની સંભાવના છે.