અમેરિકા-ઈરાન વચ્ચે યુદ્ધવિરામ અને ક્રૂડની
કિંમતમાં કડાકાથી શેરબજાર લીલીછમ : રોકાણકારો 16 લાખ કરોડ રૂપિયા કમાણા
નવી
દિલ્હી, તા. 8 : અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામથી ભારતીય શેર બજારમાં બમ્પર તેજી
જોવા મળી હતી. ક્રૂડ ઓયલની કિંમતમાં ઘટાડો અને વૈશ્વિક બજારોમાંથી મળેલા મજબૂત સંકેતોથી
બજારમાં ચારેતરફ ખરીદી થઈ હતી. કારોબારના અંતમાં સેંસેક્સ 2946 અંક એટલે કે 3.985 ટકાના
ભારે ઉછાળા સાથે 77,562.90ના સ્તરે બંધ થયું હતું. જ્યારે નિફ્ટી 873.70 અંક (3.78
ટકા)ની તેજી સાથે 23,997.35ના સ્તરે બંધ થયું હતું. આ તેજીમાં લગભગ તમામ સેક્ટરે ભાગ
લીધો હતો પણ બેન્કિંગ શેર સૌથી આગળ રરહ્યા
હતા. બોન્ડ યીલ્ડમાં નરમી આવતા ફાયનાન્શિયલ શેરને સપોર્ટ મળ્યો હતો. બેન્ક નિફ્ટીમાં
3,000 અંકનો ઉછાળો આવ્યો હતો.જે પાંચ વર્ષની સૌથી મોટી ઇન્ટ્રાડે તેજી બની હતી. આ તેજીનાં
કારણે રોકાણકારો માલામાલ બન્યા હતા અને 16.33 લાખ કરોડ રૂપિયાની કમાણી થઈ હતી.
યુદ્ધવિરામ
બાદ ક્રૂડની કિંમતમાં ભારે કડાકો બોલ્યો હતો, જેનાથી ઓયલ-સેન્સિટિવ સેક્ટરમાં જોરદાર
ખરીદી રહી હતી. ઓયલ માર્કેટિંગ કંપનીઓ અને એરલાઇન શેરોમાં 10 ટકા સુધીની તેજી નોંધાઈ
હતી. બીએસઇમાં લિસ્ટેડ કંપનીઓની કુલ બજાર મૂડી વધીને 445.59 લાખ કરોડે પહોંચી હતી.
જે ગયા કારોબારી દિવસે 429.26 લાખ કરોડ રૂપિયા હતી. આ રીતે બીએસઇમાં લિસ્ટેડ કંપનીઓની
બજાર મૂડીમાં 16.33 લાખ કરોડ રૂપિયાનો વધારો થયો હતો. બીએસઇ સેન્સેક્સમાં 30માંથી
27 શેર લીલા નિશાનમાં બંધ આવ્યા હતા. જેમાં ઇન્ડિગોના શેરમાં 8.22 ટકાની સૌથી વધુ તેજી
રહી હતી. બાદમાં એલએન્ડટી, બજાજ ફાયનાન્સ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અને એક્સિસ બેન્કના
શેર 6.56 ટકાથી લઈને 7.64 ટકા સુધીની બઢત સાથે બંધ થયા હતા.
બીએસઇ
ઉપર બઢત સાથે બંધ થનારા શેરની સંખ્યા વધારે રહી છે. એક્સચેન્જ ઉપર કુલ 4497 શેરમાં
કારોબાર જોવા મળ્યો હતો. જેમાંથી 3858 શેર તેજી સાથે બંધ થયા હતા જ્યારે 1560 શેરમાં
મંદી રહી હતી. 537 શેર કોઈ ઉતારચડાવ વિના બંધ થયા હતા જ્યારે 99 શેર કારોબાર દરમિયાન
52 અઠવાડિયાનાં ઉચ્ચ સ્તરે પહોંચ્યા હતા.