રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ મૌદ્રિક નીતિ સમીક્ષામાં 2026-27 માટે વિકાસ દરમાં
વૃદ્ધિનું અનુમાન ઘટાડયું
નવી
દિલ્હી, તા. 8 : રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ પોતાની નવી મૌદ્રિક નીતિ સમીક્ષામાં નીતિગત
દર રેપો રેટને 5.25 ટકાએ યથાવત્ રાખ્યો છે. જેનાથી સામાન્ય લોકોને મોટી રાહત મળી છે
કારણ કે હોમલોન, કાર લોક અને અન્ય કરજની માસિક ઇએમઆઇ વધશે નહીં. આ દરમિયાન અમેરિકા-ઈરાન
વચ્ચે બે સપ્તાહ માટે યુદ્ધવિરામના એલાનથી બજારને પણ થોડી રાહત મળી છે. કેન્દ્રીય બેન્ક
અનુસાર નાણાકીય વર્ષ 2026-27માં સીપીઆઇ આધારીત મોંઘવારી દર 4.6 ટકાએ રહેવાનું અનુમાન
છે.
આરબીઆઇ
ગવર્નર સંજય મલ્હોત્રાએ કહ્યું હતું કે, વૈશ્વિક અનિશ્ચિતતાની અસર ભારતની અર્થવ્યવસ્થા
ઉપર પડી શકે છે. જેને ધ્યાને રાખીને કેન્દ્રીય બેન્કે નાણાકીય વર્ષ 2026-27 માટે જીડીપી
વૃદ્ધિ દરનું અનુમાન ઘટાડીને 6.9 ટકા કર્યું છે. જે ગયા નાણાકીય વર્ષ 2025-26ના 7.6
ટકાથી ઓછું છે.
આરબીઆઇ
ગવર્નર દ્વારા કહેવામાં આવ્યું હતું કે વૈશ્વિક બજારોમાં વધતી અસ્થિરતા અને સપ્લાઈ
ચેનમાં અડચણ ભારતના આર્થિક વૃદ્ધિ દર ઉપર દબાણ કરી શકે છે. તેવામાં આરબીઆઈ સામે સૌથી
મોટો પડકાર મોંઘવારીને નિયંત્રણમાં રાખીને વિકાસ દરને સંતુલિત રાખવાનો છે.
અમેરિકા-ઈરાન
વચ્ચે યુદ્ધ વિરામની ઘોષણાથી આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કિંમત 15 ટકા જેટલી ઘટી
હતી. જેનાથી મોંઘવારી ઉપરનું દબાણ ઘટવાની સંભાવના છે. સાથે હોર્મુઝ ફરીથી ખૂલતા ઊર્જા
આપૂર્તિમાં પણ રાહત મળી શકે છે. તેમ છતાં આરબીઆઇએ ચેતવણી આપી છે કે પશ્ચિમ એશિયામાં
ચાલતા તણાવથી ઊર્જા અને ખાતરની ઊંચી કિંમતો આગામી સમયમાં મોંઘવારી વધારી શકે છે. કેન્દ્રીય
બેન્ક અનુસાર નાણાકીય વર્ષ 2026-27માં સીપીઆઇ આધારીત મોંઘવારી દર 4.6 ટકાએ રહેવાનું
અનુમાન છે.