આજે જામનગર આવશે : રિલાયન્સની રિફાઈનરીની મુલાકાત સાથે ઉદ્યોગ અગ્રણીઓ સાથે કરશે વાતચીત
નવી
દિલ્હી, તા.20: અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયો ત્રણ દિવસની સત્તાવાર ભારત મુલાકાતના
ભાગરૂપે આજે મુંબઈ પહોંચી ગયા હતાં અને ત્યાં હોટેલ તાજ મહેલ પેલેસમાં ભારતના વિદેશમંત્રી
ડૉ. એસ. જયશંકર અને અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયો વચ્ચે ઉચ્ચસ્તરીય દ્વિપક્ષીય
બેઠક પણ યોજાઈ હતી.
આ
મહત્વપૂર્ણ બેઠકમાં ભારતમાં અમેરિકાના રાજદૂત સર્જિયો ગોર અને ભારતના વિદેશ સચિવ વિક્રમ
મિસરી પણ હાજર રહ્યા હતા. દ્વિપક્ષીય બેઠક પહેલાં અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયોએ
મીડિયા સાથે વાતચીત દરમિયાન ભારત-અમેરિકા વેપાર કરાર, વેનેઝુએલાના ક્રૂડ અૉઇલ અને ભારતની
ઊર્જા સુરક્ષા વ્યૂહરચના અંગે અમેરિકી સરકારનું સત્તાવાર વલણ સ્પષ્ટ કર્યું હતું.
વેપાર
કરારની પ્રગતિ અંગે પૂછવામાં આવતાં માર્કો રૂબિયોએ જણાવ્યું હતું હતું કે વિદેશ મંત્રાલય
વેપાર સંબંધિત સીધી વાટાઘાટોમાં સામેલ ન હોવા છતાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અને વિદેશ
વિભાગ આ કરાર અંગે નજીકથી કામ કરી રહ્યા છે. હવે માત્ર થોડા અંતિમ મુદ્દાઓ પર ચર્ચા
પૂર્ણ થવાની બાકી છે. અમને આશા છે કે બહુ જલદી સારા સમાચાર મળશે અને ત્યારબાદ ઔપચારિક
રીતે હસ્તાક્ષર કરવામાં આવશે. અમને પૂરો વિશ્વાસ છે કે આ કરાર બહુ જલદી અમલમાં આવશે.
વૈશ્વિક
ઊર્જાની માગ પૂરી કરવામાં ભારતની ભૂમિકા અંગે વાત કરતાં માર્કો રૂબિયોએ ભારતની તેલ
શુદ્ધિકરણ કરવાની ક્ષમતાની ભારે પ્રશંસા કરી હતી. રૂબિયોએ કહ્યું, ભારત એક રિફાઇનિંગ
સુપરપાવર છે. તેની પાસે ભારે ક્રૂડ અૉઇલને શુદ્ધ કરવાની અદ્ભુત ક્ષમતા છે. વેનેઝુએલાનું
તેલ બજારમાં આવવા લાગશે તેમ ભારતની રિફાઇનરીઓ તેમાં મોટી ભૂમિકા ભજવી શકે છે.
જ્યારે
તેમને પૂછવામાં આવ્યું કે શું તેઓ વેનેઝુએલામાં તેલ ઉત્પાદન માટે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ
સાથે વાતચીત કરશે, ત્યારે રૂબિયોએ કહ્યું હતું કે રિલાયન્સની રિફાઇનિંગ ક્ષમતાઓ અસાધારણ
છે. તેઓ જામનગરની મુલાકાત દરમિયાન રિલાયન્સના નેતૃત્વ સાથે આ ક્ષેત્રમાં રહેલી તકો
અંગે ચર્ચા કરશે. રશિયન ક્રૂડ અૉઇલની ખરીદી અંગે પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં અમેરિકાના
વિદેશમંત્રીએ ભારતની વ્યૂહરચનાનું સમર્થન કર્યું હતું. આવતીકાલે બુધવારે અમેરિકાના
વિદેશમંત્રી ગુજરાતના જામનગર જશે. ત્યાં તેઓ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની રિફાઇનરીની મુલાકાત
લેશે અને ઉદ્યોગજગતના અગ્રણી લોકો સાથે મુલાકાત કરશે.