ડ્રોન
ફેડરેશન દ્વારા આવેદન : ઘૂસણખોરીના ખતરાની ચેતવણી
નવીદિલ્હી,
તા.22 : સેનામાં ચીનની ઘૂસણખોરી રોકવા માટે ઉદ્યોગ સંગઠન તરફથી ચેતવણી આપવામાં આવી
છે. ઉદ્યોગ સંગઠન ડ્રોન ફેડરેશન ઇન્ડિયા(ડીએફઆઇ)એ સરકારને ચીનના પૂર્જાવાળા ડ્રોન નહીં
ખરીદવા કહ્યું છે અને આનાથી ચીની ઘૂસણખોરી રોકવામાં મદદ મળશે તેવું કહ્યું હતું.ડીએફઆઇએ
વરિષ્ઠ રક્ષા અધિકારીઓને કહ્યું હતું કે, છેલ્લાં લગભગ છ વર્ષોમાં ભારતીય સેના અને
સરકાર એકમો તરફથી ગવર્મેન્ટ ઇ માર્કેટપ્લેસ ઉપર જારી કરવામાં આવેલા 689 ટેન્ડરોમાં
ચીની ડ્રોન અને તેના પૂર્જાની માગ કરવામાં આવી હતી.
ડીએફઆઇ
દ્વારા રક્ષા સચિવ અને સીડીએસ જનરલ એન.એસ.સુબ્રમણિને એક સત્તાવાર આવેદન પાઠવ્યું છે
અને તેમાં કહેવામાં આવ્યું છે કે, સેના, સુરક્ષાદળ અને સરકારી એજન્સીઓ તરફથી જારી કરવામાં
આવેલા ટેન્ડરોમાં ચીનની બનાવટનાં ડ્રોન કે તેના પૂર્જાનો ઉલ્લેખ હતો. ઉલ્લેખનીય છે
કે, ડીએફઆઈમાં 1000 જેટલા સદસ્યો છે અને ભારતનાં ડ્રોન અને કાઉન્ટર ડ્રોન ઇકોસિસ્ટમનું
પ્રતિનિધિત્વ પણ કરે છે. તેના તરફથી ચીનનાં આ સાધનો સામે ચિંતા દર્શાવીને ચેતવણી આપવામાં
આવી છે. તેના કહેવા અનુસાર જેમ ટેન્ડરોની સમીક્ષા કરવામાં આવતાં ભારતીય સેનાનાં
580 ટેન્ડરમાં ચીની ડ્રોન અને તેનાં પૂર્જા માગવામાં આવ્યા હતાં. જેની સામેનાં ભયસ્થાનો
આવેદનમાં દર્શાવવામાં આવ્યાં હતાં.