દિલધડક
ઓપરેશન બાદ ડ્રગ કાર્ટલ પ્રમુખ ઝડપાયો : એલ
ચાપો ઇસિડ્રોની ધરપકડ બાદ જનજીવન અસ્તવ્યસ્ત
નવી
દિલ્હી, તા. 22 : મેક્સિકોમાં એક દિલધડક ઓપરેશનમાં કુખ્યાત ડ્રગ માફિયા એલ ચાપો ઇસિડ્રોને
પકડી લેવાયો હતો. આ ધરપકડ બાદ સ્થિતિ બગડી હતી અને એલ ચાપોના ગુંડાઓએ મેક્સિકોના સિનાલોઆ
રાજ્યમાં સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું હતું. ટ્રક, વાહનોને રસ્તા ઉપર આગ
લગાડી દેવામાં આવી હતી. સ્થિતિ એટલી હદે વણસી હતી કે સૈન્ય હેલિકોપ્ટરમાંથી ગોળીબાર
કરીને ગેંગના સભ્યોને ઠાર કરવામાં આવ્યા હતા.
મેક્સિકોએ
અમેરિકી સહાયની મદદથી કુખ્યાત ડ્રગ તસ્કર ફોસ્ટ્રો ઇસિડ્રો મેજા ફલોરેસને પકડવા માટે
ઓપરેશન શરૂ કર્યું હતું. ભારે મહેનત બાદ એલ ચાપો ઈસિડ્રોને પકડી લેવાયો હતો. આ દરમિયાન
પણ બન્ને પક્ષ વચ્ચે જોરદાર ગોળીબાર થયો હતો. 44 વર્ષીય ઇસિડ્રો અને તેના સાથીદારોએ
સુરક્ષા એજન્સી ઉપર ભયંકર હુમલા કર્યા હતા. મેક્સિકોના રક્ષા મંત્રાલય અનુસાર ઇસિડ્રોની
ધરપકડ અમેરિકી ગુપ્તચર વિભાગના રિપેર્ટના આધારે કરવામાં આવી હતી. જો કે તેની ધરપકડ
સરળ રહી નહોતી. કાર્યવાહી બાદ ઇસિડ્રોના સાથીદારોએ શહેરને નિશાન બનાવવાની શરૂઆત કરી
હતી. જેમાં રાજમાર્ગો બંધ કરી દેવાયા હતા અને લોકો ઉપર ગોળીબાર કર્યો હતો. આ ઉપરાંત
વાહનોને પણ આગ લગાડવામાં આવી હતી.
ચાપો
ઇસિડ્રો મેક્સિકોના સૌથી મોટા ડ્રગ કાર્ટેલમાંથી એક ગુઆસાવે કાર્ટલનો પ્રમુખ છે. જે
પૂરા સિનાઓલામાં કામ કરે છે. ચાપો પહેલા બેલ્ટ્રાન લેયવા ઓર્ગેનાઇઝેશન સાથે જોડાયેલો
હતો. જો કે બાદમાં મતભેદનાં કારણે 2013 આસપાસ પોતાનું નેટવર્ક ઉભું કર્યું હતું. એફબીઆઇએ
ચાપોને 2025મા 10 મોસ્ટ વોન્ટેડની યાદીમાં સામેલ કર્યો છે.