• સોમવાર, 23 નવેમ્બર, 2026

ગિરનારની ગોદમાં આસ્થાનું ઘોડાપૂર : પરિક્રમા અંતિમ ચરણમાં

સાત લાખથી વધુ ભાવિકોએ વટાવી નળપાણીની ઘોડી, ચાર લાખ શ્રદ્ધાળુઓએ પૂર્ણ કરી પાવન પરિક્રમા; માળવેલા-બોરદેવીમાં બે લાખથી વધુનો પડાવ

 

જૂનાગઢ,તા.22 : ગિરનારની પાવન લીલી પરિક્રમામાં ભાવિકોનો પ્રવાહ સતત આગળ વધી રહ્યો છે. પરિક્રમાના બીજા દિવસે સાત લાખથી વધુ ભાવિકોએ નળપાણીની ઘોડી વટાવી બોરદેવી તરફ પ્રયાણ કર્યું હતું. તેમાંથી ચાર લાખથી વધુ ભાવિકો પરિક્રમા પૂર્ણ કરી પુણ્યનું ભાથું બાંધી પોતાના વતન તરફ રવાના થયા છે. જ્યારે માળવેલા અને બોરદેવી ખાતે બે લાખથી વધુ ભાવિકોએ રાત્રિ રોકાણ માટે પડાવ કર્યો છે.

લીલી પરિક્રમાનો વિધિવત પ્રારંભ તા.20ની મધરાતથી થયો હતો. જોકે, ભવનાથમાં ભાવિકોની ભીડ વધતાં નિર્ધારિત સમયના 15 કલાક પહેલાં જ પ્રવેશદ્વાર ખોલી દેવામાં આવ્યો હતો. પરિણામે દોઢથી બે લાખ ભાવિકોએ વહેલી પરિક્રમા શરૂ કરી હતી. 36 કિલોમીટરની આ પરિક્રમામાં પરંપરાગત રીતે ઝીણાબાવાની મઢી, માળવેલા અને બોરદેવી ખાતે ત્રણ રાત્રિ રોકાણ કરવામાં આવે છે.

આ વર્ષે અપૂરતા વરસાદને કારણે પીવાના પાણીની અછત અને એકસાથે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટતાં પરિક્રમા માર્ગ પર ભારે ભીડ જોવા મળી હતી. રોકાણ માટે જગ્યા મેળવવામાં પણ મુશ્કેલી પડી હતી. પરિણામે અનેક ભાવિકોએ ત્રણ રાત્રિના બદલે એક કે બે રાત્રિ રોકાણ કરીને પરિક્રમા પૂર્ણ કરવાનું પસંદ કર્યું હતું.

પરિક્રમાના બીજા દિવસે માળવેલા ખાતે રોકાણનો સમય હોવા છતાં મોટી સંખ્યામાં ભાવિકો બોરદેવી અને ભવનાથ તરફ આગળ વધ્યા હતા. ભવનાથ તળેટીથી જૂનાગઢ શહેર સુધી પરિક્રમા પૂર્ણ કરીને પરત ફરતા ભાવિકોની ભારે અવરજવર જોવા મળી હતી.

રાત્રિ દરમિયાન પણ મળતાં વાહનોમાં ભાવિકો વતન તરફ રવાના થતા રહ્યા હતા.

માળવેલા અને બોરદેવી ખાતે રોકાયેલા ભાવિકો આવતીકાલે જંગલની બહાર નીકળે તેવી શક્યતા છે. જોકે, વનતંત્રના મતે પરંપરા મુજબ ત્રણ રાત્રિ રોકાણ કરનારા ભાવિકોને ધ્યાનમાં લેતાં તા. 24 સુધીમાં જ ગિરનારનું જંગલ સંપૂર્ણ ખાલી થશે. ભાવિકોએ પાણીની વ્યવસ્થા અપૂરતી હોવાનું જણાવી ભીડ વચ્ચે પીવાના પાણી અને રોકાણની મુશ્કેલીઓનો સામનો કરવો પડયો હોવાનું જણાવ્યું હતું.

મહારાષ્ટ્રના બે ભાવિકોના હાર્ટ એટેકથી મૃત્યુ

ગિરનાર પરિક્રમામાં ગઈકાલે ત્રણ ભાવિકોના હૃદય બેસી જવાથી મૃત્યુ થયા હતા. તેમાં આજે મહારાષ્ટ્રના પુણેના અબ્બા વિનુભા ગોરે (ઉ.વ.68)ને ભવનાથના મીનરાજ શૈક્ષણિક સંકુલના રૂમમાં એટેક આવતા મૃત્યુ થયું હતું. માળવેલામાં શિરોહીના બાબુરામ મહાદેવ માળી (ઉ.વ.74)ને એટેક આવતા મૃત્યુ થયું હતું. જ્યારે ગઈકાલે ધંધુકાના જાદવ જયંતિ રાણાભાઇ (ઉ.વ.50), રાજકોટના દડવી ગામના સરવૈયા લતાબેન સુરેશભાઈ (ઉં.વ.48) અને જૂનાગઢના મધુરમમાં રહેતા મંજુલાબેન ચોટલીયા (ઉ.વ.65)નું હૃદય બેસી જતા મૃત્યુ થયું હતું.

ઇ-પેપરના નવા શુલ્ક