• સોમવાર, 23 નવેમ્બર, 2026

આબુ બન્યો હિમાલય ! : તાપમાન શૂન્ય

નવી દિલ્હી, તા. 22 : દિલ્હી અને રાજસ્થાન સહિત દેશના અનેક રાજ્યોમાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે. રાજસ્થાનમાં શનિવારે રાત્રે છ શહેરમાં લઘુતમ તાપમાન 10ઓઈથી નીચે જતું રહ્યું હતું. માઉન્ટ આબુમાં તાપમાન શૂન્ય સુધી પહોંચતાં વાહનો પર હિમ જામ્યું હતું. બીજી તરફ ચક્રવાત અકવાનના કારણે મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને બિહારમાં વરસાદ પડયો હતો, તો યુપીના 24 જિલ્લામાં ધુમ્મસભર્યો માહોલ છવાયો હતો.

એક મીડિયા હેવાલ મુજબ, ચક્રવાત અકવાનની અસરના કારણે મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને બિહારમાં હવામાન બદલાયું હતું, જેના પરિણામે આ વિસ્તારોમાં વરસાદ અને પહાડી વિસ્તારોમાં હિમવર્ષા થઈ હતી. મધ્યપ્રદેશના જબલપુર, રીવા અને શહડોલ વિભાગોમાં વરસાદ પડી પડયો હતો.

બિહારમાં રવિવારે સવારે નાલંદા અને ભાગલપુરમાં વરસાદ નોંધાયો હતો; છેલ્લા 24 કલાક દરમિયાન પટના સહિત નવ જિલ્લામાં વરસાદ નોંધાયો હતે. બીજી તરફ, ઉત્તર પ્રદેશના 24 જિલ્લામાં રવિવારે સવારે ગાઢ ધુમ્મસ જોવા મળ્યું હતું.

જેમ જેમ શિયાળો વધુ તીવ્ર બની રહ્યો છે, તેમ તેમ પ્રદૂષણનું સ્તર પણ વધી રહ્યું છે. રાજસ્થાનના બીકાનેરમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 311 અને ભિવાડીમાં 301 નોંધાયો હતો. શનિવારે દિલ્હીની હવાની ગુણવત્તા 265ના એક્યુઆઈ સાથે ‘ખરાબ’ શ્રેણીમાં રહી હતી.

શિયાળા દરમિયાન હવા વધુ ઠંડી અને ઘટ્ટ બને છે અને તેની ગતિ પણ ઘટી જાય છે. આના કારણે પ્રદૂષક કણો જમીનની નજીક એકઠા થાય છે. આ જ કારણ છે કે પંજાબ, હરિયાણા અને ઉત્તર રાજસ્થાનમાં પાકના અવશેષો સળગાવવાથી ઉદ્ભવતો ધુમાડો પશ્ચિમ રાજસ્થાન સુધી પહોંચી રહ્યો છે.

રણ પ્રદેશોમાં રાત્રિના સમયે તાપમાન ઝડપથી ઘટી જાય છે, જેના કારણે ‘થર્મલ ઇન્વર્ઝન’ તરીકે ઓળખાતી સ્થિતિ સર્જાઈ શકે છે. આ પ્રક્રિયા દરમિયાન, પ્રદૂષક કણો અને ધુમાડો ઉપરની તરફ ફેલાવાને બદલે વાતાવરણના નીચલા સ્તરોમાં જ ફસાઈ રહે છે. હવાનું ઉપરનું સ્તર વધુ ગરમ હોવાથી તે પ્રદૂષકોને ફેલાતા અટકાવે છે.

ઇ-પેપરના નવા શુલ્ક