• શનિવાર, 27 જુલાઈ, 2024

પાપુઆ ન્યૂ ગિનીમાં ભૂસ્ખલનથી તબાહી : 670 લોકો દબાયા

6-7 મીટરથી વધુની ઉંડાઈએ લોકો જીવિત હોવાની આશા રેસ્કયુ ટીમે છોડી

 

પોર્ટ મોરેસ્બી, તા. 26 : પાપુઆ ન્યૂ ગિનીમાં ભયંકર ભૂસ્ખલન થયું છે. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જારી કરવામાં આવેલા નિવેદન અનુસાર ભૂસ્ખલનના કારણે 670થી વધારે લોકો માટીમાં દબાયા છે. પાપુઆ ન્યૂ ગિનીની રાજધાની પોર્ટ મોરેસ્બીથી લગભગ 600 કિમી ઉત્તર પશ્ચિમમાં સ્થિત એંગા પ્રાંતના કાઓકલામ ગામમાં સવારે ત્રણ વાગ્યા આસપાસ ભૂસ્ખલનની ઘટના બની હતી.

આંતરરાષ્ટ્રીય પ્રવાસન સંગઠને પાપુઆ ન્યૂ ગિનીમાં થયેલા ભૂસ્ખલનમાં 670 લોકો દબાયા હોવાની આશંકા વ્યક્ત કરી છે. યુએન માઈગ્રેશન એજન્સીના પ્રમુખ સેરહાન એક્ટોપ્રાકના કહેવા પ્રમાણે મૃત્યુનો આંકડો યમબલી ગામ અને એંગા પ્રાંતના અધિકારીઓની ગણતરીના આધારે હતો. જેમાં કહેવામાં આવ્યું હતું કે શુક્રવારે અંદાજીત 150 લોકો દબાયા હતા. એક્ટોપ્રાકે કહ્યું હતું કે તેઓનું અનુમાન છે કે અંદાજીત 670 લોકો માટીમાં દબાયેલા છે.વધુમાં કહેવામાં આવ્યું હતું કે ક્રુએ 6થી 8 મીટરની ઉંડાઈએ જમીન અને કાટમાળ નીચે જીવિત બચેલા લોકોને શોધવાની આશા છોડી દીધી છે.  એક્ટોપ્રાકના કહેવા પ્રમાણે કાટમાળ ઉપર રેસ્કયુ કરવું ખુબ જ ખતરનાક છે કારણ કે જમીન હજી પણ ખસકી રહી છે. આ દરમિયાન આદિવાસી લડાકુઓ રેસ્કયુ ટીમોને નિશાન બનાવી રહ્યા છે. હકીકતમાં શનિવારે તબાહ થયેલા ગામમા ભોજન, પાણી અને અન્ય આવશ્યક વસ્તુઓ પહોંચાડવા જઈ રહેલા કાફલા ઉપર તંબિતાનિસ ગામમાં આદિવાસીઓએ હુમલો કરી દીધો હતો. હવે પાપુઆ ન્યૂ ગિનીના સૈનિકો કાફલાને સુરક્ષા આપી રહ્યા છે.

 

માઉન્ટ એવરેસ્ટ ઉપર માનવ જામ

 

એક જ દિવસમાં 200 લોકો પહોંચતાં બરફનો એક ભાગ તૂટી પડયો : બે પર્વતારોહી ‘ડેથઝોન’માં ખાબક્યા

નવી દિલ્હી, તા. 26 : વિશ્વના સૌથી ઊંચા શિખર માઉન્ટ એવરેસ્ટ પર ટ્રાફિકજામ થઈ ગયો છે. એકસાથે 200  જેટલા પર્વતારોહક 8,790 મીટરની ઊંચાઈએ સાઉથ સમિટ અને હિલેરી સ્ટેપ પર પહોંચ્યા છે. 8,848 મીટર ઊંચો માઉન્ટ એવરેસ્ટ અહીંથી 200 ફૂટ દૂર છે. ભીડ ભેગી થવાને કારણે અહીં બરફનો એક ભાગ તૂટી ગયો હતો. બે પર્વતારોહી ‘ડેથઝોન’માં ખાબક્યા હતા જેને બચાવવા શોધ અભિયાન જારી છે.

ભીડ ભેગી થવાથી 6 પર્વતારોહક ફસાઈ ગયા હતા. જો કે, આમાંથી 4 લોકો દોરડાની મદદથી ઉપર આવવામાં સફળ રહ્યા હતા. એક બ્રિટિશ અને એક નેપાળી પર્વતારોહક હજારો ફૂટ નીચે પડ્યા અને બરફમાં દટાઈ ગયા હતા. આ ઘટના 21 મેના બની હતી, જેનો વીડિયો હવે સામે આવ્યો છે. 4 દિવસ સુધી બરફમાં ફસાયા બાદ બંને પર્વતારોહકોનાં મોતની આશંકા છે. નેપાળના પ્રવાસન અધિકારીઓએ જણાવ્યું હતું કે બંને લોકો એવરેસ્ટ પર ચઢી રહેલા 15 પર્વતારોહકોના જૂથમાં સામેલ હતા, જ્યારે બરફનો એક ભાગ તૂટી ગયો, ત્યારે તેઓ દક્ષિણ સમિટ તરફ પડ્યા. આને  ‘ડેથ ઝોન’ કહેવામાં આવે છે, જ્યાં ઓક્સિજનનું સ્તર ખૂબ જ ઓછું હોય છે.

એડવેન્ચર કંપની એઈટ કે એક્સપિડિશન્સે જણાવ્યું હતું કે બચાવકર્મીઓ બે પર્વતારોહકને શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે. જો કે, હવે તેમના બચવાની શક્યતાઓ ઘણી ઓછી છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

જીવાપરગામ પાસેથી દારૂ ભરેલી કાર સાથે જૂનાગઢના બે બુટલેગર ઝડપાયા ગુંદાગામ પાસેથી અકસ્માતગ્રસ્ત કારમાંથી દારૂ મળ્યો : ચાલક ફરાર July 27, Sat, 2024