રાજકોટમાં 36 ઓટો રિક્ષાની અર્પણવિધિ, મેડિકલ સ્માર્ટ કાર્ડ વિતરણ સહિતના સેવાનાં પરમ પ્રકલ્પોનું લોકાર્પણ થયું
દેવેન્દ્ર દવે
રાજકોટ, તા.19 : સંતો તો સમાજ માટે નવા સેવાકીય પ્રકલ્પોની પ્રેરણા જગાડે છે. જે સમાજ સમૃદ્ધ હોય છે, તેનો ધર્મ પણ સમૃદ્ધ બની રહે છે. આર્થિક સંપન્નતા હોય તો ધર્મ આરાધના સાથે સેવાકાર્યોની ક્ષમતા વધે છે. આપણા પુણ્ય ચાલે તો હાથ પગ ચાલે છે. પુણ્ય નહીં ચાલે તો હાથ પગ પણ નહીં ચાલે. આવા સમયે કોઈ એક સહારો મળે ત્યારે પરિધાનતા સ્વાધીનતામાં પરિવર્તિત થાય છે, તેમ ગુરુદેવ નમ્રમુનિ મહારાજે રાજકોટમાં માનવતાલક્ષી સેવાનાં વિવિધ પરમ પ્રકલ્પોને અર્પણ કરતા આશીર્વચન પાઠવતા જણાવ્યું હતું. આ તકે જૈન સમાજ, જૈનતર સમાજના અગ્રણીઓ વગેરેની ઉપસ્થિતિ હતી.
નમ્રમુનિ મહારાજે વધુમાં કહ્યું હતું કે, રાજકોટ તો ધર્મનગરી, પ્રેરણાનગરી છે. જ્યાં અર્હમથી આત્મનિર્ભર થવાના કાર્યક્રમો યોજાય છે. જે માત્ર સાધર્મિક જ નહીં, અન્ય લોકોને ઉપયોગી થઈ રહ્યા છે. આ પ્રસંગે ચાલુ કાર્યક્રમ દરમિયાન બે કરોડનું અનુદાન એકત્ર થયું હતુ.
આ તકે 36 ઓટો રિક્ષાની અર્પણ વિધિ ગુરુદેવની નિશ્રામાં સમાજ શ્રેષ્ઠીઓ, દાતાઓ વગેરેની ઉપસ્થિતિમાં થઈ હતી. માત્ર સધાર્મિક જ નહીં અન્ય જ્ઞાતિના લોકોને પણ સ્વનિર્ભર બનાવતા ઓટો રિક્ષા સહાય અપાઈ હતી. ઉપરાંત મેડિકલ સ્માર્ટ કાર્ડ અર્હમના સેવાકર્મીઓ, પરિવારજનોને, તેજસ્વી છાત્રોને સ્કોલરશિપ, અભ્યાસ માટે નાણાકીય મદદ, રોટરીના સ્વાશ્રયના સથવારે બહેનોને સ્વરોજગારી વગેરે સેવા પ્રકલ્પો અર્પણ કરાયાં હતાં.
આ તકે ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહ, જૈન સમાજના હરેશભાઈ વોરા, સી.એમ.શેઠ, દેવાંગ માંકડ, એડવોકેટ અનિલભાઈ દેસાઈ, મયુર શાહ, જૈન સાહિત્યકાર મનોજભાઈ ડેલીવાળા, સેતુરભાઈ દેસાઈ તથા વિવિધ સંઘોના પ્રતિનિધિઓ વગેરેની ઉપસ્થિતિ હતી.
ઓટોરિક્ષા ચાલકોને મેડિકલ સ્માર્ટ કાર્ડ, સંતાનોને વિનામૂલ્યે શિક્ષણ અપાશે
પંચનાથ હોસ્પિટલના ટ્રસ્ટી સેવાકર્મી દેવાંગભાઈ માંકડે આ તકે જણાવ્યું હતું કે, ઓટોરિક્ષા ચાલકોને મેડિકલ સ્માર્ટ કાર્ડ તથા તેમના 1થી 8 વર્ષનાં બાળકોને ટ્રસ્ટની શાળામાં વિનામૂલ્યે શિક્ષણ અપાશે. જેને ગુરુદેવે સંમતિ આપતા રાજીપો વ્યક્ત કર્યો હતો.