વેપારીની એ- ડિવિઝન પોલીસ મથકમાં વેપારી પિતા-પુત્રો સહિત ચાર સામે ફરિયાદ
રાજકોટ, તા.1: શહેરના ટાગોર રોડ પર પુનિત કાર એસેસરીઝના વેપારીને ધંધામાં સારા વળતરની લાલચ આપી અલગ- અલગ સ્કીમોમાં નાણાનું રોકાણ કરાવી ડીઝલ ઓટો કોર્પોરેશન પેઢીના સંચાલક સહિત ચાર શખસોએ વેપારી સાથે રૂ.28.50 લાખની છેતરપીંડી કર્યાની ફરિયાદ એ -ડિવિઝન પોલીસ મથકમાં નોંધાઇ છે.
મળતી વિગત મુજબ કાલાવડ રોડ પર સ્વામિનારાયણ મંદિરની સામે હરીહર સોસાયટીમાં રહેતા નિમેશભાઇ જગજીવનભાઇ રૂઘાણી (ઉ.વ.55) એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ડીઝલ ઓટો કોર્પોરેશનના સંચાલક મહેન્દ્ર મહેતા તેનો પુત્ર હિતેષ, નયન અને દુકાનમાં કામ કરતો ચંપક વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે. નિમેશભાઇએ ફરિયાદમાં જણાવ્યું છે કે તે ઢેબર રોડ પર જીઆઇડીસી પાસે પુનીત કાર એસેસરીઝ નામે ઓટો મોબાઇલ્સની દુકાન ધરાવે છે અને આરોપી મહેન્દ્ર મહેતા પણ નવા ગામ જકાત નાકાની સામે ડીઝલ ઓટો કોર્પોરેશન નામે ઓટો પાર્ટસનો વેપાર કરે છે.
ગત તા.10/3/2024ના રોજ આરોપીએ સ્કીમમાં રૂ.22,25 લાખ રોકાણ કરી અને 10 મહિનામાં પછી સારો નફો મળશે તેમ વાત કરી હતી. આરોપીઓએ બે અલગ અલગ સ્કીમો બતાવી વિશ્વાસમાં લઇ ફરિયાદી પાસે રૂ.32 લાખનું રોકાણ કરાવ્યું હતું. બાદ આરોપીઓએ રૂ.3.50 લાખ પરત કર્યા હતા. જ્યારે બાકીના રૂ.28.50 લાખ પરત ન આપી છેતરપીંડી કર્યાની ખબર પડતા વેપારીએ એ-ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.