મહિલાઓને રોજગારી, નદી-પર્યાવરણ અને મંદિર આસપાસની જગ્યાની સ્વચ્છતા અને વેસ્ટમાંથી બેસ્ટની ત્રિવેણી વહાવવા ઇન્ટેકનો અનોખો પ્રયાસ
જયદીપ પંડયા
રાજકોટ, તા. 31 (ફૂલછાબ ન્યૂઝ) : ભગવદ્ ગીતામાં ભગવાન કહે છે પત્રં, પુષ્પં, ફલં તોયં યો મે ભક્તયા પ્રયચ્છતિ... એટલે કે જે વ્યક્તિ ભક્તિપૂર્વક મને પત્ર, પુષ્પ, ફળ કે પાણી અર્પણ કરે છે તે હું ભાવપૂર્વક સ્વીકારું છું. ફૂલ એ હૃદયની શુદ્ધ ભાવનાનું, પવિત્રતાનું અને શુદ્ધતાનું પ્રતીક છે. ફૂલ સુગંધ પ્રસરાવે છે, સકારાત્મકતા ફેલાવે છે. આ કારણે ભગવાનને અર્પણ કરવા માટે ફૂલ એ સૌથી સુંદર ભેટ છે. રાજકોટ શહેરના લોકો ધાર્મિક-આધ્યાત્મિક પ્રકૃત્તિ ધરાવે છે. માટે શહેરના અસંખ્ય મંદિરોમાં દરરોજ અગણિત માત્રામાં ભગવાનને ફૂલ ચડાવાય છે.
જોકે ભગવાનને અર્પણ થઈ ગયા પછી આ ફૂલોની અવદશા થાય છે. બે-ચાર દિવસ પડયા રહ્યા બાદ મોટાભાગે તે કચરો બની જાય છે. સુગંધની જગ્યાએ દુર્ગંધ ફેલાવા લાગે છે. તેનો નિકાલ પણ વૈજ્ઞાનિક ઢબે થતો નથી. ઘણી વખત નદીમાં વહાવવામાં આવે છે. આ તમામ કારણે પર્યાવરણ બગડે છે, સ્વચ્છતા જળવાતી નથી.
આ પરિસ્થિતિનું ઇન્ટેક સંસ્થાના રાજકોટ ચેપ્ટરે ભગવાનના શણગારમાંથી ઉતારાયા બાદ ફૂલોને શહેરનાં મંદિરોમાંથી એકત્ર કરી, સૂકવી, તેમાંથી અગરબત્તી બનાવવાનો પ્રકલ્પ વિચાર્યો છે અને તેની શરૂઆત પણ કરી દીધી છે. આ અગરબત્તી બનાવવાનું કામ સ્વ સહાય જૂથની મહિલાઓને આપી તેમાંથી તેમના માટે રોજગારી ઉભી કરવી, પર્યાવરણ-સફાઈની જાળવણી અને વેસ્ટમાંથી બેસ્ટ કરવાની યોજના અમલમાં મુકાઈ છે.
ઇન્ટેક રાજકોટ ચેપ્ટરના હેડ આર્કિટેક્ટ રિદ્ધિ શાહે જણાવ્યું હતું કે, સામાજિક જવાબદારીના ભાગ રૂપે ઇન્ટેક (આઇએનટીએસીએચ) રાજકોટ અને મહાપાલિકા દ્વારા સેક્રેટ વેસ્ટ અવેરનેસ રીયુઝ એન્ડ હેન્ડ ક્રાફ્ટિંગ (સ્વરાહ) પ્રોજેક્ટનો પ્રારંભ થયો છે. જેના અંતર્ગત અમે શહેરના 10 જેટલાં મુખ્ય મંદિરોમાંથી પવિત્ર ફૂલ એકત્ર કરીએ છીએ. તેમાંથી અગરબત્તી બનાવી મહિલાઓને રોજગારી આપવાનો અમારો અભિગમ છે.
અમારી દિલ્હી સ્થિત મુખ્ય શાખા દ્વારા દેશના કેટલાક શહેરમાં આ અભિગમ શરૂ કરાવાયો છે. આ ફૂલો એકત્ર કરવા માટે રાજકોટ મનપા દ્વારા એક ખાસ કલેક્શન ગાડી ફાળવવામાં આવી છે. આ ફૂલોમાંથી અગરબત્તી બનાવવાની તાલીમ આપવા દિલ્હીથી માર્ગદર્શકો આવ્યા હતા. જેમણે રાજકોટમાં સ્વ સહાય જૂથની મહિલાઓને તેની તાલીમ આપી હતી.
જોકે અત્યાર સંધી સંસ્થા પાસે આ કામ કરવાની જગ્યા ન હતી. માટે પ્રોજેક્ટ આગળ વધી શક્યો ન હતો. હવે ભક્તિનગર સર્કલ પાસે પૂતળીબાઈ ઉદ્યોગ દ્વારા આ કામ માટે જગ્યા ફાળવવાની તૈયારી દાખવવામાં આવી છે અને તાલીમ લીધેલી 20થી વધુ પૈકી 12 જેટલી બહેનોએ પવિત્ર ફૂલોમાંથી અગરબત્તી બનાવી રોજગારી મેળવવા હામી ભણી છે.
માટે નજીકનાં ભવિષ્યમાં આ પ્રોજેક્ટ અમે ત્રણ મહિનાના પ્રાયોગિક ધોરણે શરૂ કરવા જઈ રહ્યા છીએ.