• રવિવાર, 04 મે, 2025

ગ્રીન રાજકોટના કન્સેપ્ટ સાથે સાઇકલોફન યોજાઈ

રાજકોટ, તા. 6: રોટરી રાજકોટ મીડ ટાઉન, રાજકોટ સાઇકલ ક્લબ દ્વારા સતત આઠમાં વર્ષે મનપા, શહેર પોલીસ અને સદભાવના વૃદ્ધાશ્રમ સહિત સામાજિક સંસ્થાના સંયુક્ત ઉપક્રમે ગ્રીન રાજકોટ બનાવવાના કન્સેપ્ટ સાથે આત્મીય કોલેજ ખાતેથી સાઇકલોફનનું આયોજન કરવામાં આવ્યું હતું.

આજની સાઇકલોફનમાં 40,000થી વધુ સાઇક્લિસ્ટોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. વહેલી સવારે 6 વાગ્યે તમામ સાઈક્લિસ્ટો આત્મીય યુનિવર્સિટીમાં ઉમટી પડયા હતા. 21 કિલોમીટરની આ સાઇકલોફન આત્મિય યુનિવર્સિટીથી શરૂ થઈ હતી. તમામ રૂટ પર રાજકોટ શહેર પોલીસનાં જવાનો તૈનાત રહ્યા હતા. તેમજ મેડિકલ ઇમરજન્સીની સુવિધાઓ પણ ઉપલબ્ધ રાખવામાં આવી હતી.

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, સાંસદ પુરુષોત્તમ રૂપાલા, સ્થાનિક ધારાસભ્ય દર્શીતા શાહ અને રમેશ ટીલાળા તેમજ મેયર નયનાબેન પેઢડિયા, સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકર સહિતનાં હાજર રહ્યા હતા.

આ તકે માંડવિયા, રૂપાલા સહિતનાએ સાઇકલ ચલાવીને યુવાઓનો ઉત્સાહ વધાર્યો હતો અને કહ્યું હતુ કે, સાયકલની ટોકરી એટલે સ્વાસ્થ્યની લોટરી છે. યુવાઓને દર રવિવારે 1 કલાક સાઇકલ ચલાવવા અપીલ કરી હતી. આ કાર્યક્રમમાં ભાગ લેનાર દરેકના નામનું એક વૃક્ષ સદ્ભાવના વૃદ્ધાશ્રમ દ્વારા વાવવામાં આવશે તેમજ સતત ચાર વર્ષ સુધી તે વૃક્ષનો કઈ રીતે ઉછેર થઈ રહ્યો છે, વૃક્ષની માવજત કઈ રીતે રાખવામાં આવી રહી છે3 તેના ફોટા મોકલવામાં આવશે.

સાંસદ પુરુષોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે, આજે રામનવમીનો પવિત્ર તહેવાર છે ત્યારે સૌને મારા રામ, રામ કહું છું. રોટરી ક્લબ રાજકોટ દ્વારા યોજાયેલા સાઇકલોફનનાં આ કાર્યક્રમથી ફિટ ઇન્ડિયાની મૂવમેન્ટને પ્રોત્સાહન મળશે. 

ઇ-પેપરના નવા શુલ્ક