ક્રાઇમ બ્રાંચે અગાઉ પેંડા ગેંગના 17 અને મુરઘા ગેંગના -21 શખસ વિરૂધ્ધ કાર્યવાહી કરી હતી
રાજકોટ, તા.4: શહેરના એક મહિના પહેલા મંગળા રોડ પર અંધાધુંધ ફાયરીંગ કરી પોલીસના કાયદાની ઐસીતૈસી કરનારા પુનિતનગરની પેંડા ગેંગ અને જંગલેશ્વરની મુરઘા ગેંગ વચ્ચે અંધાધુંધ ફાયરીંગ પ્રકરણમાં પોલીસે ખુદ ફરિયાદી બની બંને ગેંગના 37 શખસની ધરપકડ કર્યા બાદ પોલીસે આ બંને ગેંગને નાબુદ કરવા માટે ગુજસીટોકનું શત્ર ઉગામી 38 શખસ સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી ત્યારે શહેરમાં ખૂન, ખૂનની કૌશિશ, ધમકી, અપહરણ, ઘરફોડ ચોરી, ફરજમાં રૂકાવટ તેમજ એનડીપીએસ જેવા ગુના આચરતી બાટલી ગેંગના 14 સાગરીતો વિરૂધ્ધ ક્રાઇમ બ્રાંચે ગુજસીટોકની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.
મળતી વિગત મુજબ શહેરમાં તરખાટ મચાવતી પેંડા ગેંગ અને મુરઘા ગેંગના સાગરીતો સામે ક્રાઇમ બ્રાંચે ગુજસીટોકનું શત્ર ઉગામી 37 શખસોને જેલ ભેગા કરી દેવામાં આવ્યા હતા ત્યારે શહેરના પ્રદ્યુમનનગર વિસ્તારમાં પણ બાટલી ગેંગ સક્રિય હોવાની મળી હતી. આ ગેંગ શહેરના અલગ-અલગ વિસ્તારોમાં ખૂન, ખૂનની કોશિષ, ધમકી, અપહરણ, ઘરફોડ ચોરી, સરકારી અધિકારી કે કર્મચારીઓની ફરજમાં રૂકાવટ, લૂંટ તથા એન.ડી. પી.એસ. સહિતનાં 30 જેટલા ગુનાઓ આચર્યા હોવાની માહિતી મળતા પોલીસ કમિશનરની સૂચનાથી ક્રાઇમ બ્રાંચના ડીસીપીના માર્ગદર્શન હેઠળ પીઆઇ સહિત અલગ-અલગ ટીમો બનાવી આરોપીઓને શોધી કાઢયા હતા. જેમાં રૂખડીયાપરા નકલંગપરાના સરફરાજ ઉર્ફે ઇડો આરીફભાઇ કાદરી, જામનગર રોડ, વાલ્મીકીવાડીના કમલેશ ઉર્ફે લાલુ કાળુભાઇ પરમાર, રૂખડીયાપરાના સમીર ઉર્ફે ધમો બસીરભાઇ શેખ, જામનગર રોડ, હુડકો કવાર્ટરના ઇશોભા રીઝવાનભાઇ દલ, મીરખાન રહીશભાઇ દલ, રૂખડીયા પરાના અસ્લમ ઉર્ફે સર્કિટ બસીરભાઇ શેખ, જંગલેશ્વરના સુલેમાન નિઝામભાઇ દલ, રૂખડીયાપરાના ઇરફાન ખમીશાભાઇ ભણુ અને વાલ્મીકી વાડીમાં રહેતો સાહિલ ઉર્ફે ભુરો મુકેશભાઇ પાટડીયાને પકડી લઇ ખુદ ક્રાઇમ બ્રાંચ પીઆઇ મનોજભાઇ લાલસીંહભાઇ ડામોરે પ્રદ્યુમનનગર પોલીસ મથકમાં કુલ 14 આરોપીઓ વિરૂધ્ધ ગુજસીટોકની કલમ હેઠળ ફરિયાદ નોંધાવી હતી.
આ કેસમાં 14 આરોપીઓમાં સાવન ઉર્ફે લાલી સંજયભાઇ વાઘેલા હાલ પાસા હેઠળ જેલમાં હોવાથી જેનો કબજો લઇ ધરપકડ કરવામાં આવશે. જ્યારે નવા થોરાળાનો સુજલ દિપકભાઇપરમાર, પોપટપરાનો કરણ મોહનભાઇ અઠવલે, વાલ્મીકિવાડીનો સન્ની ભરતભાઇ ખવલીયા, રૂખડીયાપરાનો જાહીર મહેમદભાઇ ઉર્ફે રાજુભાઇ સંધવાણી અને ઇરફાન ખમીશાભાઇ ભાણુની શોધખોળ હાથ ધરી છે.