• શુક્રવાર, 12 ડિસેમ્બર, 2025

ગુજરાતમાં નશાના વધતા દૂષણ, બેકારી મુદ્દે કેજરીવાલના પ્રહારો

રાજકોટમાં આમ આદમી પાર્ટીના અધ્યક્ષ આવી પહોંચ્યા

રાજકોટ, તા. 7: આમ આદમી પાર્ટી (અઅઙ)ના રાષ્ટ્રીય કન્વીનર અરાવિંદ કેજરીવાલ રાજકોટ આવી પહોંચ્યા હતા. તેમણે ગુજરાતમાં નશાના વધતા દૂષણ, બેકારી અને નકલી દારૂના મુદ્દે આકરા શાબ્દિક પ્રહારો કર્યા હતા. અરવિંદ કેજરીવાલના આગમન વખતે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર મોટી સંખ્યામાં અઅઙ કાર્યકર્તાઓ એકત્ર થયા હતા અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો.

રાજકોટ આવેલા આપના અધ્યક્ષ અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે ખેડૂતો પોતાના હક્ક માટે લડી રહ્યા છે, પરંતુ તેમના દીકરાઓને જેલમાં નાખવામાં આવ્યા છે. અમે તેમની સાથે છીએ. કેટલાક ખેડૂતો જેલમાંથી છૂટી ગયા છે, જ્યારે કેટલાક હજુ જેલમાં છે. અમે તેમના પરિવારજનોને મળીશું.

તેમણે ઉમેર્યું હતું કે, ‘અહીં નકલી શરાબ મળી રહી છે, જેને લીધે યુવાનોના મૃત્યુ થઈ રહ્યા છે. નશો ખૂબ વધી ગયો છે, પરંતુ સરકાર કશું કરતી નથી. મુન્દ્રા પોર્ટ ડ્રગ્સનું સેન્ટર બની ગયું છે. ત્યાંથી મોટી માત્રામાં ડ્રગ્સ ગુજરાત અને દેશભરમાં પહોંચે છે. યુવાનો બેરોજગાર છે અને તેઓને નોકરી મળતી નથી.

આપના અધ્યક્ષે ભાજપ અને કોંગ્રેસ પર પણ આક્ષેપ કર્યા હતા તેમજ તેમણે જામનગરમાં આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા પર જોડું ફેંકવાના બનાવ સંદર્ભે ટિપ્પણી કરી હતી. ત્રણ દિવસીય પ્રવાસ દરમિયાન તેઓ ખેડૂતોના પરિવારજનોને મળશે અને રાજકોટ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં સભાઓ સંબોધશે. આ પ્રવાસને આમ આદમી પાર્ટીને આગામી ચૂંટણીઓની તૈયારી તરીકે પણ જોવામાં આવી રહ્યો છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક