• શુક્રવાર, 12 ડિસેમ્બર, 2025

અવધના ઢાળ પાસે કવાર્ટરમાં મહિલાને છૂટાછેડા બાબતે પતિએ ધમકી આપી

જેલમાંથી પેરોલ રજા પર છૂટયા બાદ કારથી ટક્કર

મારી મહિલાને ઇજા કરી હતી : યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ


રાજકોટ, તા.7: યુનિવર્સિટી રોડ પર અવધના ઢાળ પાસે વીર સાવરકર આવાસ યોજના કવાર્ટરમાં રહેતી મહિલાને છૂટાછેડા આપવાની ના પાડી પતિએ જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની યુનિવર્સિટી પોલીસ મથકમાં નોંધાઇ છે.

વીર સાવરકર આવાસ યોજના કવાર્ટર નં. 503માં રહેતા ભૂમિકાબેન હિમાંશુભાઇ નીમાવત (ઉ.વ.38)એ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ચોટીલામાં રહેતો પતિ હિમાંશુ નવીનચંદ્ર નીમાવત વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે. મહિલાએ ફરિયાદમાં જણાવ્યું છે કે તેઓ પોતાની પુત્રી સાથે રહે છે. તેનો પતિ હિમાંશુ છેલ્લા 10 વર્ષથી હત્યાના ગુનામાં રાજકોટ જેલમાં સજા કાપે છે. હાલ તે પેરોલ રજા ઉપર છે. ગઇકાલે ફરિયાદી મહિલા પોતાની પુત્રીને ટયુશનમાં મુકવા માટે એક્ટિવા પર જતી હતી. ત્યારે કવાર્ટરના ગેઇટ પાસે પતિ ફોર વ્હીલમાં સામેથી આવી એક્ટિવાને ટક્કર મારી જતો રહ્યો હતો. બંનેને નાની મોટી ઇજા થતા સારવાર માટે 108 મારફતે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યાં પ્રાથમિક સારવાર લીધા બાદ બંને ઘરે જતા રહ્યા હતા બાદ પતિએ ફોન કરી કહ્યું કે ‘હું તને છૂટાછેડા નહી આપુ’ જો તે છૂટાછેડા લેવાનું નામ લીધું છે તો તને જાનથી મારી નાખીશ તેમ ધમકી આપી હતી. આ બનાવ અંગે મહિલાએ યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક