રાજકોટ, તા. 4 (ફૂલછાબ ન્યૂઝ): સપ્તસંગીતિની ત્રીજી રાત્રી એ આફતાબ-એ-સિતાર કહેવાતા ઉ. શુજાદ ખાનના સિતારના સુરોએ શ્રોતાઓને અલૌકિક દુનિયાની સફર કરાવી હતી.
ભારતીય શાસ્ત્રીય સંગીતના આકાશમાં આફતાબ-એ-સિતારના ખિતાબથી વિભૂષિત ઉસ્તાદ શુજાત ખાનની સિતાર આલાપના પ્રથમ સ્પર્શથી જ સિતારના તારથી વહેતા મીંડ, કરુણ ગમક અને સૂક્ષ્મ અલંકારો મનને મંત્રમુગ્ધ કરી દેતા હતા. દરેક સ્વર જાણે સૂર્યકિરણ સમાન ઉજાસ ફેલાવતો અને દરેક તાન સંગીતપ્રેમીઓના હૃદયમાં નવી ઊર્જા જગાવતી હતી.
ઉસ્તાદ શુજાત ખાને પ્રથમ રાગ ઝિંઝોટી પ્રસ્તુત કર્યો હતો. ભારતીય શાસ્ત્રીય સંગીતનો સુંદર અને લોકપ્રિય રાગ, જે સામાન્ય રીતે શાંતિ, પ્રેમ અને ભક્તિનો ભાવ દર્શાવે છે. રાગવિસ્તાર દરમિયાન ઉસ્તાદ શુજાત ખાનની કલાત્મક સંયમતા અને અભિવ્યક્તિપૂર્ણ સ્વચ્છંદતા સ્પષ્ટ રીતે અનુભવાતી હતી. તેમન તબલાવાદક સપન અંજારીયા અને શારીક મુસ્તફાની તબલાની બોલબાંધણી, લયકારી અને તાલની સૂક્ષ્મ સમજણ સિતાર સાથે સુમેળભર્યો સંવાદ રચતી હતી. આ કાર્યક્રમ માત્ર એક સંગીત પ્રસ્તુતિ નહીં, પરંતુ ભારતીય શાસ્ત્રીય સંગીતની જીવંત પરંપરા, સાધના અને સર્જનાત્મકતાનું ઉજ્જવળ ઉત્સવ સાબિત થયો હતો. શ્રોતાઓ લાંબા સમય સુધી આ સંગીતરસના મીઠા સ્વરોને હૃદયમાં સંભાળીને રાખે તેવો સ્મરણીય સંગીતાનુભવ બની રહ્યો હતો.
સેશન 1
રાજકોટની આશાસ્પદ યુવા ગાયિકા ઈશિતા ઉમરાણીયા દ્વારા રજૂ કરાયેલી શાસ્ત્રીય ગાયનની પ્રસ્તુતિ શ્રોતાઓ માટે એક યાદગાર સંગીતીય અનુભવ બની રહી હતી. ઈશિતાજીએ રાગના આલાપથી માંડીને બંદિશ સુધી સુવ્યવસ્થિત અને ભાવસભર ગાયન રજૂ કર્યું હતું. ઈશિતા ઉમરાણીયાએ રાગ મારુ બિહાગની રસિયા મોરા બંદીશ વિલંબિત ઝુમરામાં રજૂ કરી હતી. સ્વરની શુદ્ધતા, લયની સમજ અને ભાવ અભિવ્યક્તિમાં તેમના રિયાઝની પરિપક્વતા શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી ગઈ હતી. તેમની સાથે યશ પંડયાએ તબલામાં સંગત આપી હતી. હાર્મોનિયમ પર સંદીપ વ્યાસની સંગત મીઠાશ અને સંતુલનથી ભરપૂર રહી. ગાયન સાથે સંવાદ સાધતી તેમની વાદનશૈલી સમગ્ર પ્રસ્તુતિને સંયોજિત અને સૌમ્ય રૂપ આપતી હતી.
આજના કલાકારો
સોમવારે બનારસ ઘરાનાના દિગ્ગજ પદ્મભૂષણ પિતા સ્વ.પંડિત રાજન મિશ્રા અને કાકા પંડિત સાજન મિશ્રાના માર્ગદર્શન હેઠળ ગાયકીની તાલીમ મેળવનાર પંડિત રીતેશ અને પંડિત રજનીશ રાજન મિશ્રા પ્રસ્તુતિ કરશે. તેઓ ગ્રેમી એવોર્ડ માટે પણ નોમીનેટ થયા છે. મહાન સંગીતકારોની છઠ્ઠી પેઢીમાંથી આવતા અને જોડીમાં કલા પ્રસ્તુત કરનાર આ બંને કલાકારો ભારતીય રાગનું સમૃદ્ધ જ્ઞાન ધરાવે છે. જ્યારે રાજકોટના કલાકાર નીરજ ધોળકીયા તબલા અને પલાશ ધોળકીયા હાર્મોનિયમના સુર તાલની પ્રસ્તુતિ પણ કરશે.