ત્રણ જવાબ ખોટા લખવાથી સાચા જવાબમાંથી એક માર્ક કપાશે, પાસ થતાં ઉમેદવારો મેઇન્સ એક્ઝામ આપશે
રાજકોટ, તા. 4 : રાજ્યમાં આજે જીપીએસસી દ્વારા સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટરની ભરતી માટેની પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં રાજકોટ જિલ્લામાં 25 પરીક્ષા કેન્દ્ર પરથી 5,222 ઉમેદવાર નોંધાયા હતા. જે પૈકી 4430 ઉમેદવારોએ આ પરીક્ષા આપી હતી, જ્યારે 792 ઉમેદવાર ગેરહાજર રહ્યાં હતા.
કોઈ પ્રકારની ગેરરીતી ન થાય તે માટે ફ્રીસ્કીંગ એટલે કે મેટલ ડિટેક્ટરથી ચાકિંગ કરવામાં આવ્યું હતુ. જો કે, પરીક્ષા શરૂ થયાના બે કલાક પહેલા પ્રવેશ ફરજીયાત હોવાથી ઉમેદવારો અકળાઈ ગયા હતા. સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર બનવા માટેની પરીક્ષા આપતા ઉમેદવારોએ કહ્યું હતુ કે, ફોર્મ કેટલા ભરાયા અને કેટલા ઉમેદવારોએ પરીક્ષા આપી એ મહત્વનું નથી, પરંતુ 1થી 50માં આવવું એ મહત્ત્વનું છે. એમસીક્યુ આધારિત પેપર હતું, 200 માર્કના આ પેપરમાં નેગેટીવ માર્કિંગ સિસ્ટમ રાખવામાં આવી છે. 0.33 માઇનસ સિસ્ટમ છે, એટલે કે ત્રણ જવાબ ખોટા લખવામાં આવે તો સાચા જવાબમાંથી એક માર્ક કપાશે. આ પરીક્ષામાં પાસ થતા ઉમેદવારો મેઇન્સ એક્ઝામ આપશે.
રાજકોટ સહિત રાજ્યના મુખ્ય જિલ્લા મથકેથી આ સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં પરીક્ષાનો સમય બપોરે 11થી 1 વાગ્યાનો રાખવામાં આવ્યો હતો. આ પરીક્ષામાં કોઈ પ્રકારની ગેરરીતી ન થાય તે માટે પોલીસ કર્મચારીઓનો બંદોબસ્ત ગોઠવાયો હતો.