• બુધવાર, 21 મે, 2025

પોલીસના ટ્રેઈની ડોગની મદદથી પેડલરના ઘરમાં દરોડો : 2.341 કિલો ગાંજો ઝડપાયો

હત્યાના ગુનામાં જેલમાંથી બહાર નિકળી નશાનો કારોબાર શરૂ કર્યો : આરોપીની ધરપકડ

રાજકોટ, તા.4: શહેરમાં યુવાધનને નશાના રવાડે ચડતા અટકાવવા માટે પોલીસના એસઓજી ગ્રુપ દ્વારા સેઈ નો ટુ ડ્રગ્સ અંતર્ગત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.150 ફૂટ રીંગ રોડ ઉપર સાગર ચોકમાં આવેલા આરએમસી યોજના ક્વાર્ટરમાં રહેતા પેડલરે પોતાના ઘરમાં ગાંજાનો જથ્થો છુપાવ્યો હોવાની બાતમીના આધારે એસઓજીએ ટ્રેઈની ડોગ શેરાને સાથે રાખી દરોડો પાડતા શેરાએ ઘરમાંથી કોઠીમાં છૂપાવેલો 2.341 કિ.ગ્રા. ગાંજાનો જથ્થો શોધી કાઢતા પોલીસે ગાંજો કબ્જે કરી આરોપીની ધરપકડ કરી હતી.

જાણવા મળતી વિગત મુજબ 150 ફૂટ રીંગ રોડ ઉપર સાગર ચોક પાસે આવેલા આરએમસી યોજનાના ક્વાટરમાં રહેતા ઈમરાન બેલીમે પોતાના ઘરમાં ગાંજાનો જથ્થો છુપાવ્યો છે અને તે પડીકીઓ બનાવી વેચાણ કરે છે તેવી બાતમીના આધારે એસઓજી પીઆઈ એસ.એમ. જાડેજા, પીઆઈ એન.વી.હરિયાણીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એસ.બી.ધાસુરા, એએસઆઈ ફિરોજ શેખ, કિશોરભાઈ ઘુઘલ, અમિતભાઈ ટુંડિયા સહિતના સ્ટાફે આરએમસી ક્વાટરમાં દરોડો પાડ્યો હતો. તે સમયે પોલીસને વધારે શોધખોળ કરવી ન પડે તે માટે પોલીસના ખાસ ડોગ શેરાને બોલાવાયો હતો. તેણે ઘરમાં ચક્કર લગાવી એક ઘઉની કોઠી પર નિશાન તાંક્યુ હતું. તેમાં તલાશી લેવાતા અંદરથી 2.341 કિ.ગ્રા. ગાંજો મળી આવ્યો હતો. આથી ઈમરાન ઈકબાલભાઈ બેલીમ નામના શખ્સની ધરપકડ કરી 34,120નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. 

ઝડપાયેલો ઈમરાન બેલીમ અગાઉ હત્યાના ગુનામાં સંડોવાઈ ચુક્યો છે. તે ગુનામાં જેલમાં હોય થોડા સમય પૂર્વે જેલમાંથી છુટી નશા કારક પદાર્થ વેચવાનું શરૂ કર્યુ હતું. હાલ તેના કબ્જામાંથી ઝડપાયેલો ગાંજો સુરતથી લાવ્યો હોવાની કબુલાત આપી હતી. પોલીસે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી ગાંજો કોની પાસેથી લાવ્યો તે સહિતની વિગતો મેળવવા આરોપીના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક