• બુધવાર, 23 સપ્ટેમ્બર, 2026

પારેવડી ચોકે બેકાબૂ ડીજે ટેમ્પાએ પાંચ વાહનોને અડફેટે લીધા, એકનું મૃત્યુ

ટેમ્પો ચાલકની પોલીસે અટકાયત કરી પૂછપરછ કરતા બ્રેક ફેઈલ થઇ હોવાનું રટણ

 

રાજકોટ, તા.20:શહેરના પારેવડી ચોક વિસ્તારમાં ભગવતીપરા પુલ પરથી પૂરપાટ ઝડપે નીચે ઉતરી રહેલા એક ડીજેના સામાન ભરેલા આઈસર

ટેમ્પાચાલકે વાહન પરથી કાબુ ગુમાવતા સર્જાયેલા ગંભીર અકસ્માતમાં એક 60 વર્ષીય વૃદ્ધનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું છે, જ્યારે અન્ય બે વ્યક્તિઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેમને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ ભયાનક અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં ટેમ્પાએ એક પછી એક એમ કુલ પાંચ વાહનોને ટક્કર મારી હોવાનું સ્પષ્ટપણે જોવા મળે છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, ભગવતીપરા પુલ પરથી ધસી રહેલા આઈસર ટેમ્પાએ આગળ જતી એક રિક્ષા અને બાઈકચાલકને અડફેટે લીધા બાદ આગળ અન્ય બે રિક્ષા અને એક કારને પણ જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બાઈકચાલક અરૂણભાઈ ભગવાનજીભાઈ શાહ પરથી ટેમ્પાનું ટાયર ફરી વળતા તેમનું સ્થળ પર જ મૃત્યુ થયું હતું. અકસ્માત બાદ આસપાસના લોકો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા અને 108 એમ્બ્યુલન્સ મારફતે ઈજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડયા હતા. અકસ્માતનો ભોગ બનનાર પરેશ વાણિયાએ જણાવ્યું હતું કે ટેમ્પાની કદાચ બ્રેક ફેલ થઈ ગઈ હોય તેમ લાગતું હતું કારણ કે ડ્રાઇવર નયનભાઈ બાલાભાઈ પરમારે વાહન પરથી સંપૂર્ણ નિયંત્રણ ગુમાવી દીધું હતું.

ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો ત્વરિત ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને આઈસર ચાલકની અટકાયત કરી લીધી છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ચાલક દ્વારા બ્રેક ફેલ થઈ હોવાનો બચાવ કરવામાં આવી રહ્યો છે, જેથી પોલીસે તે દિશામાં પણ ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. આ ગોઝારી ઘટનામાં મૃત્યુ પામનાર 60 વર્ષીય અરૂણભાઈની વિગતો મેળવીને પોલીસે પરિવારજનોને જાણ કરવાની તજવીજ હાથ ધરી છે, જ્યારે આ દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા 38 વર્ષીય ઇરફાન અલીભાઈ તમીમી અને 40 વર્ષીય પરેશ કેશવલાલ કુંડલ હાલ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક