તમારા ઘરમાં નડતર છે એટલે તમારા પૌત્રના લગ્ન થતાં નથી કહી લાલચ આપી
રાજકોટ,તા.20: શહેરના કોસ્મો પ્લસ એપાર્ટમેન્ટમાં નિવૃત્ત જીવન ગાળતા 76 વર્ષીય વૃદ્ધ સાથે તેમના પૌત્રના લગ્ન કરાવી આપવાની લાલચ આપીને એક ઠગ પૂજારી દ્વારા લાખો રૂપિયાની કિંમતના સોનાના દાગીના હડપ કરી લેવાનો ગંભીર કિસ્સો સામે આવ્યો છે. ઘરમાં નડતર હોવાનું જણાવીને વશીકરણ કરવાની વિધિના નામે સોનાના દાગીના પોટલીમાં બંધાવીને માળિયા પર મુકાવી દેનાર આ ઠગ પૂજારીની કરતૂતો સામે આવતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી છે.
ઘટનાની વિગતવાર માહિતી મુજબ, અમૃતલાલ છગનલાલ ધુલીયા પોતાના 22 વર્ષીય પૌત્ર સુજલના લગ્ન માટે યોગ્ય કન્યાની શોધ કરી રહ્યા હતા. તે દરમિયાન તેમના ગુરૂ અમુભારથી મારફતે મોરબીના શકત શનાળા ખાતે આવેલા મહાકાળી માતાજીના મંદિરના પૂજારી નિલેષગર મોતીગર બાવાજી સાથે તેમનો સંપર્ક થયો હતો. પૂજારી નિલેષગરે અસ્મિતા નામની યુવતીનો ફોટો બતાવીને લગ્નની વાત આગળ વધારી હતી અને પરિવારનો વિશ્વાસ જીતવા માટે રૂબરૂ મુલાકાત પણ લીધી હતી. ત્યારબાદ કન્યાના માતાની બીમારી અને અવસાનનું બહાનું ધરીને લગ્નમાં વિલંબ કરવામાં આવ્યો હતો. આ સમય દરમિયાન, કન્યાના મામા માનતા નથી અને ઘરમાં મોટું નડતર છે તેમ કહીને પૂજારીએ સોનાના દાગીનાનું વશીકરણ કરવાની વિધિ કરવાનું નાટક રચ્યું હતું.
અમૃતલાલ અને તેમના પત્ની મંજુલાબેન આ ઠગની વાતમાં આવી ગયા હતા. પૂજારીએ અંકુશ મુજબ તબક્કાવાર ત્રણ અલગ-અલગ દિવસે ઘરે આવીને પુત્રવધૂ તથા પત્નીના સોનાના દાગીના લાલ, કાળા અને ગુલાબી કાપડમાં મંગાવીને સિવડાવી લીધા હતા. ત્યારબાદ તાંબાના પાણી ભરેલા લોટા પર ઘઉંના લોટનું થેપલું ચોંટાડી, તેની ઉપર દાગીનાવાળી પોટલી મૂકી કાળા કપડાથી બાંધીને ઘરના માળિયા પર મુકાવી દીધી હતી. આમ, ચતુર પૂજારીએ સોનાની હાંસડી, બુટિયા, ચાર બંગડી, મંગળસૂત્ર, રૂદ્રાક્ષની માળા, ચેઈન અને તુલસીની માળા સહિત કુલ 146.430 ગ્રામ સોનાના દાગીના, જેની કિંમત અંદાજે રૂ. 5,56,713 થાય છે, તે હડપ કરી લીધા હતા.
નિલેષગરે જુલાઈ મહિનાના અંત સુધીમાં દાગીના અને કન્યાને લઈને પાછા આવવાની ખાતરી આપી હતી. પરંતુ, જુલાઈના અંતમાં શંકા જતા અમૃતલાલ દ્વારા માળિયા પરથી ત્રણેય લોટા નીચે ઉતારીને કાપડ ખોલીને તપાસ કરવામાં આવતા અંદરથી તમામ સોનાના દાગીના ગાયબ માલુમ પડયા હતા. પોતાની સાથે છેતરાપિંડી થઈ હોવાનું ધ્યાને આવતા તેમણે તાત્કાલિક નિલેષગરનો ફોન પર સંપર્ક કર્યો હતો, પરંતુ તે માત્ર બહાનાઓ જ આપતો હતો. આખરે વારંવારના બહાનાઓથી કંટાળીને ભોગ બનનાર અમૃતલાલ ધુલીયાએ રાજકોટ તાલુકા પોલીસ મથકમાં નિલેષગર મોતીગર બાવાજી વિરુદ્ધ સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. આ મામલે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ. કે.પી. સાગર દ્વારા કાયદેસરની સઘન તપાસ હાથ ધરવામાં આવી છે.