ક્રાઈમ બ્રાન્ચે 2 ઇસમને 2.54 લાખના મુદ્દામાલ સાથે દબોચ્યા
રાજકોટ, તા.7: કોઠારિયા સોલ્વન્ટ વિસ્તારમાં એક મકાનમાં થયેલી ચોરીની ઘટનામાં રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે બે ઇસમને દબોચી લઇ મુદ્દામાલ કબજે લીધો છે.
પ્રાપ્ત માહિતી મુજબ, કોઠારિયા સોલ્વન્ટ નારાયણનગર શેરી નં.3માં આવેલા એક રહેણાંક મકાનમાંથી સોના-ચાંદીના દાગીનાની ચોરી થઇ હતી. આ ઘટના બાદ ડીસીબી પોલીસ સ્ટેશનના અધિકારીઓ રાજકોટના શહેરી વિસ્તારમાં પેટ્રાલિંગમાં હતા ત્યારે બાતમીના આધારે શાસ્ત્રી મેદાન ખાતેથી કોઠારિયા સોલ્વન્ટના નીલેશ વાઘેલા અને ભરત પરમારને ઝડપી લીધા હતા. પોલીસે બંને પાસેથી સોના-ચાંદીના દાગીના અને રોકડ સહિત કુલ રૂપિયા 2,54,800નો મુદ્દામાલ રીકવર કર્યો હતો. પકડાયેલા બંને આરોપીઓ ગુનાહિત ઈતિહાસ ધરાવતા હોવાનું સામે આવ્યું છે.