ટાકડા નહિ ફોડવા, મામેરાની મર્યાદિત રક્મ, સોનાના દાગીના, કન્યાદાનમાં મર્યાદિત વ્યવહાર વગેરે સર્વસંમતિથી નિર્ણય લેવાયા
રાજકોટ, તા.9: રાજકોટના 150 ફુટ રીંગ રોડ પર આવેલા અયોધ્યા ચોક ખાતે શનિવારે હાલાર પંથકના આહિર સમાજનું સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરાયું હતું. સ્નેહ મિલનમાં રાજકોટ ખાતે વસતા હાલર પંથકના આહિર પરિવારોના 1500થી વધુ સભ્યો હાજર હતા.
સ્નેહમિલન દરમિયાન, સમાજના અગ્રણીઓની ઉપસ્થિતિમાં તમામ પરિવારોની સંમતિથી લગ્નના વધતા જતા ખર્ચાઓ પર નિયંત્રણ લાવવા માટે એક મહત્વનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો.
આ ઠરાવમાં લેવાયેલા મુખ્ય નિર્ણયોમાં લાડવા જમણવાર, લાડવા પ્રથામાં મોટો જમણવાર નહીં, પણ માત્ર બેન-દીકરી પૂરતો જ મર્યાદિત રાખવો. કંકુ પગલાં પ્રથા બંધ કરવી, પ્રિ-વેડિંગ બંધ કરવું.
કોઇપણ પ્રસંગમાં ફટાકડા ફોડવા નહી, મામેરામાં રોકડ, મામેરામાં રૂ.11,000/- (અગિયાર હજાર)થી વધારે રકમ આપવી નહી. સોનાના દાગીના, લગ્ન પ્રસંગે વર પક્ષે 8 તોલાથી વધારે સોનાના દાગીના મુકવા નહી. દીકરીના માતા-પિતાએ કન્યાદાનમાં વર પક્ષને 2 તોલાથી વધુ સોનાના દાગીના આપવા નહી. માઠા પ્રસંગ જમણવાર ઘર બહેન-દીકરી પૂરતો જ કરવો. કંકોત્રી રસમ, વાના રસમમાં ડેકોરેશન કરવું નહીં, કુટુંબ પરિવાર પૂરતું જ રાખવું, ફુલેકુ, દાંડિયા રાસ, લગ્ન પ્રસંગે કોઇપણ રસમમાં પૈસા ઉડાડવા નહીં. શ્રાદ્ધ, પાયસમ, શ્રાદ્ધ, પાયસમના જમણવાર ઘર પૂરતું રાખવું. શ્રીમંત અને દીકરી વદામણામાં ડેકોરેશન કરવું નહી, પેંડા વહેચણી પ્રથા બંધ કરવી. કોઇપણ પ્રસંગમાં બહેનોએ પૈસા પાછા વાળવાની પ્રથા સંપૂર્ણ બંધ કરવી. વર કે કન્યાએ સસરા પક્ષમાં દાંડિયા રાસ રમવા જવું નહીં વગેરે જેવા ઐતિહાસિક નિર્ણયો સર્વ સંમતિથી લેવાયા હતા.