માતાને પાંચ ફ્રેક્ચર : યુનિવર્સિટી પોલીસ મથકમાં મહિલા કારચાલક વિરૂદ્ધ ફરિયાદ
રાજકોટ, તા.9: શહેરના યુનિવર્સિટી રોડ આકાશવાણી ચોક નજીક બે દિવસ પહેલા હોન્ડા સીટી કારની મહિલા ચાલકે એક્ટીવા સવાર માતા-પુત્રીને અડફેટે લેતા બંનેને ગંભીર ઈજા થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. ત્યાં 15 વર્ષની પુત્રીનું મૃત્યુ નીપજ્યું હતું.
મળતી વિગત મુજબ પ્રહલાદ પ્લોટ શેરી નં.30માં રહેતા દર્શનાબેન દેવાંગભાઈ કોટેચા (ઉ.વ.45)એ યુનિવર્સિટી પોલીસ મથકમાં હોન્ડા સીટી કારની મહિલા ચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. દર્શનાબેને ફરિયાદમાં જણાવ્યું છે કે, મારી દીકરી ધ્રુવી (ઉ.વ.15) ધોરણ-8માં આકાશવાણી ચોક એસ.એન.કણસાગરા સ્કૂલમાં અભ્યાસ કરે છે. તેનો સ્કૂલનો સમય સવારે પોણા આઠ થી બપોરે પોણા બે વાગ્યા સુધીનો છે. દીકરી સ્કૂલ વાનમાં નિત્યક્રમ મુજબ આવતી જતી હોય છે. ગત તા.7ના રોજ આમ્રપાલી ફાટક પાસે મારા સગા ફઈબા નયનાબેન ન હોય ત્યાં ભાઈબીજ અર્થે પરિવારને જમણવાર કર્યું હતું. જે જમણવારમાં મારે જવાનું હોય તેથી બપોરે હું મારા સસરાનું એક્ટીવા લઈ દીકરી ધ્રુવીને લેવા માટે સ્કૂલે ગઈ હતી. દીકરીને લઈ બંને એક્ટીવામાં રૈયા રોડ પર જવા માટે રવાના થયા હતા. ત્યારે એચ.પી.ના પેટ્રોલ પંપ પાસે ટ્રાફીક સીગ્નલ બંધ હોય, તે દરમિયાન મારી પાછળથી એક કાર પૂરઝડપે આવી એક્ટીવાને પાછળથી અડફેટે લેતા બંને ફંગોળાઈ રોડ પર પટકાતા બંનેને ઈજા થઈ હતી. અકસ્માત સર્જાતા કાર આગળ ઉભી રહી હતી. તે કાર એક મહિલા ચલાવતી હતી. બનાવના પગલે આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા.
બાદ એમ્બ્યુલન્સ મારફતે બંનેને સિનર્જી હોસ્પિટલમાં ખસેડાયા હતા. ત્યાં પુત્રી ધ્રુવીનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું અને ફરિયાદી મહિલાને હાથમાં બંને પાંસળી તેમજ ખભાના ભાગે ફ્રેક્ચરની ગંભીર ઈજા થઈ હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે યુનિવર્સિટી પોલીસે કારચાલક મહિલા વિરૂદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.