શહેરના મવડી ચોકડી નજીક બાપા સીતારામ ચોકમાં જાહેરસભામાં વિસાવદરના ધારાસભ્ય ઈટાલીયાના ભાજપ પર પ્રહાર
બોટાદની ઘટના મામલે કહ્યું : ટોળામાં સામેલ થયેલા બુટલેગરોએ પથ્થરમારો કર્યો, પોલીસે ખેડૂતો પર લાઠીચાર્જ કર્યો
રાજકોટ,તા.12 : બોટાદમાં આપની મહાપંચાયતમાં થયેલા ઘર્ષણ વચ્ચે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા રાજકોટમાં જનસભા સંબોધવા પહોંચ્યા હતા. મવડી ચોકડી નજીક આવેલા બાપા સીતારામ ચોકમાં ઈટાલિયાને સાંભળવા મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા. રાજકોટ પહોંચેલા ઈટાલિયાનું માલધારી સમાજની બહેનો દ્વારા સ્વાગત કરાયું હતું. ઈટાલિયાએ ટીપીની જમીન મુદ્દે ગોટાળા થતા હોવાનો આક્ષેપ કર્યો હતો.
ગોપાલ ઈટાલીયાએ ભાજપ પર આકરા પ્રહારો કરતા કહ્યું હતુ કે, રાજકોટ મનપાએ 300 કરોડની જમીન વેચીને વિકાસ કર્યો છે. નાના મૌવા, રૈયા સહિતના વિસ્તારમાં આવેલા પાંચ પ્લોટ એચપીસીએલ તેમજ મવડી અને કોઠારીયામાં આવેલા ત્રણ પ્લોટ જેટકોને વેચી નાંખ્યા છે. બે પ્લોટ ડી-માર્ટને આપ્યા તો 4 પ્લોટ હરાજીથી વેચી નાખ્યા છે. ટીપી સ્કીમ જનતા માટે નહીં પણ 40 ટકા જમીન વેચીને મલાઈ ખાવાની સ્કીમ છે.
ઈટાલીયાએ વધુમાં કહ્યું હતુ કે, રાજકોટની જનતા તમામ પ્રકારના વેરા ભરે છે. આમ છતાં કોર્પોરેશનમાં આર્થિક પ્રશ્નો ઉભા થાય તે વિચારવા જેવી બાબત છે. મનપા ખાડામાં ઉતરે પછી 10 વર્ષમાં 22 કરોડની જમીન વેચી રોકડી કરી લેવાઈ છે. અહીં હાજર લોકોના ચહેરા જોઈને લાગે છે કે તેઓ પરિવર્તનના મૂડમાં છે. આગામી કોર્પોરેશનની ચૂંટણીમાં રાજકોટમાં વિસાવદર વાળી થવાનું નક્કી છે. બોટાદમાં આમ આદમી પાર્ટીની મહાપંચાયત દરમિયાન પોલીસ અને ખેડૂતો વચ્ચે થયેલા ઘર્ષણ મામલે ઈટાલિયાએ કહ્યું કે, જે પથ્થરમારો થયો છે તે બુટલેગરોએ કર્યો છે. બુટલેગરો ટોળામાં સામેલ થયા હતા તેણના દ્વારા આ કૃત્ય કરાયું છે.