• સોમવાર, 17 ઑગસ્ટ, 2026

અટલ સરોવર હવે બનશે વધુ ધમધમતું, 3 વર્ષ માટે લીઝ પર અપાશે 42 દુકાન

મુલાકાતીઓની વધતી સંખ્યાને પગલે ફરી ઈ-ઓક્શન યોજાશે


રાજકોટ,તા.16 : શહેરના અટલ સરોવરમાં હવે માત્ર મનોરંજન નહીં, પરંતુ ખરીદી અને ખાણી-પીણીની સુવિધાઓનો પણ વિસ્તાર થવાનો છે. સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ લિમિટેડ દ્વારા સરોવર પરિસરમાં તૈયાર કરાયેલી 42 દુકાનોને લીઝ પર આપવાની પ્રક્રિયા ફરી શરૂ કરવામાં આવી છે. અગાઉ પૂરતો પ્રતિસાદ મળતાં પ્રક્રિયા અટકી હતી, પરંતુ હવે મુલાકાતીઓની વધતી સંખ્યાને પગલે ફરી ઈ-ઓક્શન યોજાશે.

અટલ સરોવરનું લોકાર્પણ થયા બાદ શરૂઆતના સમયમાં સામાન્ય દિવસોમાં મુલાકાતીઓની સંખ્યા ઓછી રહેતી હતી. જોકે સાતમ-આઠમના મેળા, વિવિધ કાર્યક્રમો અને ભવ્ય એર શો બાદ અહીં લોકોની અવરજવર સતત વધી છે. રજાના દિવસો ઉપરાંત હવે સામાન્ય દિવસોમાં પણ સરોવર પરિસર ધમધમતું જોવા મળે છે. આસપાસ રહેણાંક અને કોમર્શિયલ વિકાસ ઝડપથી વધી રહ્યો હોવાથી આગામી સમયમાં વેપાર માટેની તકો પણ વધવાની શક્યતા છે. વેપારીઓ અને અન્ય ધંધાર્થીઓને દુકાનો ફાળવવા માટે ઓનલાઈન ઈ-ઓક્શનની પ્રક્રિયા હાથ ધરાશે. અરજી પ્રક્રિયા 14 ઓગસ્ટથી 21 સપ્ટેમ્બર સુધી ચાલશે. ત્યારબાદ બે દિવસમાં તમામ દુકાનોની હરાજી થશે.

સૌથી વધુ બોલી લગાવનારને નિયમ મુજબ બોર્ડની મંજૂરી બાદ દુકાન લીઝ પર આપવામાં આવશે. દુકાનો કાર્યરત થયા બાદ અટલ સરોવર આવતા નાગરિકોને સ્થળ પર ખાણી-પીણી તથા વિવિધ ચીજવસ્તુઓની સુવિધા મળી રહેશે. સાથે સરોવર પરિસરમાં વેપારી પ્રવૃત્તિ વધવાથી સમગ્ર વિસ્તારને વધુ વાણિજ્યિક ગતિ મળશે.

વિગતો      માહિતી

કુલ દુકાનો  42

લીઝનો સમયગાળો      3 વર્ષ

1 વર્ષનું અપસેટ ભાડું   રૂ.1,49,578

3 વર્ષનું અપસેટ ભાડું   રૂ.4,48,734

ઓક્શન ફી રૂ.750

સુરક્ષા ડીપોઝીટ   રૂ.4,48,734

ફોર્મ ભરવાની અવધિ    14 ઓગસ્ટથી 21 સપ્ટેમ્બર

ઈ-ઓક્શન  29 અને 30 સપ્ટેમ્બર

ઇ-પેપરના નવા શુલ્ક