સોલિડ વેસ્ટ, આજી રિવરફ્રન્ટ, સિટી બસને લગતા પ્રશ્નો બોર્ડમાં ચર્ચાશે : પ્રશ્નોત્તરીમાં પ્રથમક્રમે વોર્ડ નં.5ના કોર્પોરેટર સંજયભાઈ ચાવડા
રાજકોટ તા.16 : રાજકોટ મનપાની આાગામી બોર્ડ બેઠક તા.20ને ગુરુવારના રોજ મળવા જઈ રહી છે. મેયર ડો.નેહલ શુક્લના અધ્યક્ષસ્થાને યોજાનારી આ બોર્ડ બેઠકમાં ભાજપના 11 કોર્પોરેટરોએ કુલ 24 અને કોંગ્રેસના 7 નગરસેવકોએ 18 મળી 42 પ્રશ્નો પુછયાં છે.
પ્રથમ પ્રશ્ન વોર્ડ નં.પાંચના કોર્પોરેટર સંજયભાઈ ચાવડાનો છે. સંજયભાઈ સિટી બસ સેવા સહિતના 3 પ્રશ્નો પુછયાં છે. બીજા ક્રમે કોંગ્રેસના કોર્પોરેટર મકબુલ દાઉદાણીના પ્રશ્નો છે તેઓએ સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ અને ટીપી શાખા અને આરોગ્ય વિભાગની કામગીરી સંબંધિત પ્રશ્નો કર્યા છે. દાઉદાણીએ આજી નદીમાં ગાંડી વેલ કાઢવા બાબતે શું કામગીરી કરવામાં આવી છે. રિવરફ્રન્ટ જાહેર કર્યા પછી આજદિન સુધીમાં મ્યુનિ.તંત્ર દ્વારા કેટલા રૂપિયા ખર્ચવામાં આવ્યાં વગેરેને લગતી માહિતી માંગી છે.
ઉલ્લેખનીય છે કે, વર્તમાન શાસકો દ્વારા નગરસેવકો દ્વારા પુછાયેલા પ્રશ્નોની વિગતો જાહેર કરવાનું બંધ કરી દીધું છે જ્યારે કોંગ્રેસે તેમના પક્ષના સાત નગરસેવકોએ કરેલા પ્રશ્નો જાહેર કરી દીધા છે. વોર્ડ નં.5ના કોર્પોરેટર રસિલાબેન સાકરીયાએ ત્રણેય ઝોનના સિટી ઈજનેરો સંબંધિત કામગીરીની વિગતો માંગી છે. વોર્ડ નં.15ના કોંગ્રેસના કોર્પોરેટર સુધાબા વાઘેલાએ રાજકોટમાં છેલ્લા બે મહિનામાં પાણીજન્ય રોગના કેટલા કેસ નોંધાયા છે. છેલ્લા બે મહિનામાં વરસાદી સિઝનના કારણે કેટલા રસ્તાઓનું ધોવાણ થયું છે ? વગેરેને લગતી વિગતો પુછી છે.
કોંગ્રેસના કોર્પોરેટર મનિષાબેન રોજાસરાએ મહાનગરપાલિકામાં ઝેરોક્ષ માટે કોન્ટ્રાકટ એજન્સીને કેટલા વર્ષોથી કોન્ટ્રાક્ટ અપાયો તેને લગતી વિગતો પુછી છે. આ સિવાય વોર્ડ નં.16ના કૉંગ્રેસના અર્જુનભાઈ સોરાએ ટીપી શાખા, વોર્ડ મેનેજમેન્ટ યુનિટ સંબંધિત પ્રશ્ન કર્યો છે.
વોર્ડ નં.8ના કોર્પોરેટર પ્રવિણભાઈ સેંગલિયાએ વોટર મેનેજમેન્ટ યુનિટ સંબંધિત ત્રણેય ઝોનની વિગતો માંગી છે. વોર્ડ નં.16ના દિપ્તીબેન સોલંકીએ પણ આ વિષયને લગતો જ પ્રશ્ન કર્યો છે.