• સોમવાર, 17 ઑગસ્ટ, 2026

ઓસ્ટ્રેલિયા વિરૂધ્ધ બાંગલાદેશનો ઐતિહાસિક વિજય

પ્રથમ ટેસ્ટમાં 9 વિકેટે હાર આપી ઈતિહાસ સર્જ્યો : ઓસ્ટ્રેલિયાની ધરતી પર સૌથી ઝડપી ટેસ્ટ વિજયનો એશિયન રેકોર્ડ બનાવ્યો : 2 મેચની શ્રેણીમાં 1-0થી બાંગલાદેશ આગળ

ડાર્વિન તા.16: બાંગલાદેશ ક્રિકેટ ટીમે ઈતિહાસ રચ્યો છે. 23 વર્ષ બાદ ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ શ્રેણી રમવા પહોંચેલી બાંગલાદેશ ટીમનો ઓસ્ટ્રેલિયા વિરૂધ્ધ 9 વિકેટે ઐતિહાસિક વિજય થયો છે. ઓસ્ટ્રેલિયાની ધરતી પર સૌથી ઝડપી વિજય હાંસલ કરનારી એશિયાની ટીમ પણ બની છે. મેચના આજે ચોથા દિવસે બાંગલાદેશને ફકત પ7 રનનો વિજય લક્ષ્યાંક મળ્યો હતો. જે તેમણે 1 વિકેટ ગુમાવી હાંસલ કરી લીધો હતો. બાંગલાદેશ સામેની ટેસ્ટ હાર ઓસ્ટ્રેલિયન ક્રિકેટને સૌથી મોટી લપડાક છે. પહેલા દાવમાં 6 અને બીજા દાવમાં 3 વિકેટ લેનાર ઝડપી બોલર હસન મહમૂદ પ્લેયર ઓફ ધ મેચ જાહેર થયો હતો. બે મેચની શ્રેણીમાં બાંગલાદેશ 1-0થી આગળ થયું છે.

ઓસ્ટ્રેલિયાની ધરતી પર પહેલી જીત હાંસલ કરવા માટે બાંગલાદેશને ફકત ત્રણ મેચ જ રમવા પડયા છે. જે એશિયન ટીમનો નવો રેકોર્ડ છે. પાકિસ્તાનને ઓસ્ટ્રેલિયામાં પહેલી ટેસ્ટ જીત માટે 7 અને ભારતને 12 મેચ રમવા પડયા હતા. શ્રીલંકા ટીમ 1પ મેચ પછી પહેલી જીત મેળવી શકી હતી. બાંગલાદેશ ટીમ આગઉ ઓસ્ટ્રેલિયામાં બે ટેસ્ટ રમી હતી. જે બન્નેમાં ઈનિંગથી હાર મળી હતી. ઓવરઓલ ઓસ્ટ્રેલિયા સામે બાંગલાદેશનો આ બીજો ટેસ્ટ વિજય છે. આ પહેલા 2017માં મિરપુર ટેસ્ટમાં હાર આપી હતી.

ડાર્વિન ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાનો પ્રથમ દાવમાં 198 રનમાં ધબડકો થયો હતો. આ પછી બાંગલાદેશે તંજિદ હસનની સદીની મદદથી 426 રન કરી 228 રનની નિર્ણાયક સરસાઇ હાંસલ કરી હતી. બીજા દાવમાં ઓસ્ટ્રેલિયાના 284 રન થયા હતા. જેમાં કેમરૂન ગ્રીનની સદી મુખ્ય હતી. તેણે 201 દડામાં 104 રનની ઈનિંગ રમી હતી. આ સિવાય સ્મિથે 44 રન કર્યા હતા. બાંગલાદેશ તરફથી સ્પિનર મહેંદી હસન મિરાજે પ અને હસન મહમૂદે 3 વિકેટ લીધી હતી.

બાંગલાદેશને વિજય માટે પ7 રનનું મામૂલી વિજય લક્ષ્ય મળ્યું હતું. જે તેણે 1 વિકેટ ગુમાવી હાંસલ કરી 9 વિકેટે ઐતિહાસિક વિજય હાંસલ કર્યોં હતો.

 

ઇ-પેપરના નવા શુલ્ક