પ્રથમ ટેસ્ટના બીજા દિવસે 6 વિકેટે 351 રન કરી 153 રને આગળ
ડાર્વિન
તા.14: બાંગલાદેશ ટીમે ઓસ્ટ્રેલિયા વિરૂધ્ધ ટેસ્ટ વિજયનો ઐતિહાસિક મોકો બનાવ્યો છે.
પ્રથમ ટેસ્ટના સતત બીજા દિવસે ઓસ્ટ્રેલિયા વિરૂધ્ધ બાંગલાદેશે સંપૂર્ણ વર્ચસ્વ સાથે
આગેકૂચ કરી છે. ઓસ્ટ્રેલિયાને પહેલા દિવસે 198 રનમાં ઓલઆઉટ કર્યાં બાદ આજે બીજા દિવસની
રમતના અંતે બાંગલાદેશ ટીમે બેટથી પણ બળુકો દેખાવ કરીને 6 વિકેટે 3પ1 રન કર્યાં છે.
આથી તેની સરસાઇ 1પ3 રને પહોંચી ચૂકી છે. બાંગલાદેશ તરફથી ઓપનર તંજિદ હસને શાનદાર સદી
ફટકારી હતી. જયારે કપ્તાન નઝમૂલ હસન શાંતોએ 84 રનની ઇનિંગ રમી હતી.
તંજિદ હસન ઓસ્ટ્રેલિયાની ધરતી પર બાંગલાદેશ તરફથી સદી કરનારો પહેલો ખેલાડી બન્યો હતો. તેણે 197 દડામાં 8 ચોક્કા-1 છક્કાથી 101 રનની યાદગાર ઈનિંગ રમી હતી. તેણે બીજી વિકેટમાં મોમુનિલ હક (49) સાથે 102 રનની ભાગીદારી કરી કાંગારૂ બોલરોને હંફાવ્યા હતા. કપ્તાન નઝમૂલ શાંતોએ 126 દડામાં 7 ચોક્કા-1 છક્કાથી 84 રનની ઇનિંગ રમી હતી. આ સિવાય મુશફીકુર રહીમે ઉપયોગી 36 રનનું અને મહેંદી હસન મિર્ઝાએ અણનમ 32 રનનું યોગદાન આપ્યું હતું. તેની સાથે હસન મહમૂદ 16 રને નોટઆઉટ રહ્યો હતો. આ બન્નેએ ઓસ્ટ્રેલિયાની નિસ્તેજ બોલિંગનો ફાયદો ઉઠાવીને 147 દડામાં 43 રનની અતૂટ ભાગીદારી કરી લીધી છે. આથી બીજા દિવસના અંતે બાંગલાદેશના 110 ઓવરમાં 6 વિકેટે 3પ1 રન થયા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી સ્ટાર્ક અને હેઝલવૂડે 2-2 વિકેટ લીધી હતી