BCCIનો સંકેત : અંગત સમસ્યાનો હવાલો આપ્યો
મુંબઇ
તા.11: ઓસ્ટ્રેલિયા વિરુદ્ધની બહુપ્રતિક્ષિત બોર્ડર-ગાવસ્કર ટેસ્ટ સિરીઝ અગાઉ ટીમ ઇન્ડિયાની
ચિંતામાં અચાનક વધારો થયો છે. કપ્તાન રોહિત શર્મા ઓસ્ટ્રેલિયા સામેનો પહેલો-બીજો ટેસ્ટ
ગુમાવી શકે છે. બીસીસીઆઇના સુમાહિતગાર સૂત્રોમાંથી જાણવા મળે છે કે કપ્તાન રોહિત શર્મા
અંગત કારણોસર શરૂઆતના બે ટેસ્ટ ગુમાવી શકે છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પ મેચની
ટેસ્ટ શ્રેણી 22 નવેમ્બરથી પર્થથી શરૂ થવાની છે. ઓસ્ટ્રેલિયામાં રમાયેલા પાછલી બે ટેસ્ટ
શ્રેણીમાં ભારતની જીત થઇ હતી ત્યારે કોહલી અને રહાણે કેપ્ટન હતા.
બીસીસીઆઇના
એક અધિકારીએ જણાવ્યું છે કે રોહિત શર્મા પ્રારંભિક ટેસ્ટ અથવા બીજો મેચ ગુમાવી શકે
છે. તે અંગત સમસ્યાને લીધે એક મેચ લગભગ ગુમાવશે. જો સમસ્યાનું સમાધાન નહીં નીકળે તો
તે પૂરી શ્રેણી ગુમાવી શકે છે. ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેનો બીજો ટેસ્ટ 6 ડિસેમ્બરથી રમવાનો
છે. જે એડિલેડમાં રમાવાનો છે.
ઓસ્ટ્રેલિયા
વિરુદ્ધની શ્રેણી અગાઉ ટીમ ઇન્ડિયા ઘરઆંગણે 16 ઓક્ટોબરથી ન્યુઝીલેન્ડ સામે 3 મેચની
ટેસ્ટ શ્રેણી રમવાની છે. આ શ્રેણીમાં કપ્તાન રોહિત શર્મા ઉપલબ્ધ હશે. જો તે ઓસ્ટ્રેલિયા
સામે એક-બે મેચ નહીં રમે તો તેના સ્થાને કપ્તાની માટે શુભમન ગિલ, ઋષભ પંત અને જસપ્રિત
બુમરાહ વિકલ્પ છે. કેએલ રાહુલ પણ રેસમાં હશે. રોહિતના સ્થાને યશસ્વી જયસ્વાલ સાથે ઘરેલુ
ક્રિકેટમાં શાનદાર દેખાવ કરનાર અભિમન્યુ ઇશ્વરનને તક મળી શકે છે.