એડિલેડ,
તા.9: ભારતીય ઝડપી બોલર મોહમ્મદ સિરાજ અને
ઓસ્ટ્રેલિયન બેટર ટ્રેવિસ હેડ વચ્ચેનો વિવાદ વકરી રહ્યો છે. બન્ને ખેલાડી એક-બીજા પર
આક્ષેપ-પ્રતિ આક્ષેપ કરી રહ્યા છે. જયારે બન્ને ટીમના કપ્તાન રોહિત શર્મા અને પેટ કમિન્સ
તેના ખેલાડીનો બચાવ કરી રહ્યા છે. આ દરમિયાન સિરાજ અને હેડ આઇસીસી આચારસંહિતા અનુસાર
દોષિ પુરવાર થયા છે અને બન્નેને સજા મળી છે. આઇસીસી મેચ રેફરીએ સિરાઝ પર મેચ ફીનો
20 ટકાનો દંડ કર્યોં છે અને એક ડિમેરિટ પોઇન્ટ આપ્યો છે. જયારે હેડ મેચની ફીના દંડમાંથી
બચી ગયો છે. તેને ફકત એક ડિમેરિટ પોઇન્ટ મળ્યો છે. પાછલા 24 મહિનામાં બન્ને ખેલાડીનો
આ પહેલો ડિમેરિટ પોઇન્ટ છે. આથી સજા ઓછી મળી છે તેમ આઇસીસી રેફરી રંજન મદગુલ્લેએ કહયું
હતું. સિરાજ અને હેડે તેમની ભુલ સ્વીકારી લીધી છે.
અત્રે
એ ઉલ્લેખનિય રહેશે કે ટ્રેવિસ હેડે આક્રમક 140 રન સાથે ક્રિઝ પર હતો ત્યારે સિરાજે
તેની કલીન બોલ્ડ કર્યોં હતો. આ પછી બન્ને ખેલાડી વચ્ચે સ્લેજિંગ જોવા મળ્યું હતું.
હેડ કહે છે કે મેં તેના બોલની પ્રશંસા કરી હતી. જયારે સિરાઝ કહે છે કે તેના શબ્દો ઉશ્કેરણીજનક
હતા. બન્ને ખેલાડીના ટકરાવ બાદ દર્શકોએ સિરાજનું હૂટિંગ કર્યું હતું. ટ્રેવિસ હેડ એડિલેડનો
લોકલ ખેલાડી છે.