મુંબઈ,
તા.3 : ભારતીય ટી-20 ટીમનો વિકેટકીપર અને ઓપનિંગ બેટર સંજુ સેમસન હાથની આંગળીના ફ્રેક્ચરને
લીધે એક મહિનાથી વધુ સમય માટે મેદાનથી દૂર રહેશે. આથી તે કેરળ તરફથી રણજી ટ્રોફીનો
ક્વાર્ટર ફાઇનલ મેચ રમી શકશે નહીં. જે 8 ફેબ્રુઆરીથી જમ્મુ-કાશ્મીર સામે રમાવાનો છે.
સંજુ સેમસનને પાંચમા ટી-20 મેચ દરમિયાન ઇંગ્લેન્ડના ઝડપી બોલર જોફ્રા આર્ચરનો દડો આંગળી
પર લાગ્યો હતો. તે હવે એનસીએમાં રીહેબ પ્રક્રિયા પૂરી કરી વાપસી કરશે. સંજુ સેમસન પાસે
પાંચ મેચની ટી-20 શ્રેણી નિરાશાજનક રહી હતી અને કુલ પ1 રન જ કરી શક્યો હતો. તે ઇંગ્લેન્ડના
ફાસ્ટ બોલરોની શોર્ટ પીચ બોલિંગ સામે સંઘર્ષમાં રહ્યો હતો અને દરેક વખતે પાવર પ્લેમાં
જ કેચ આપી આઉટ થતો રહ્યો હતો. ચેમ્પિયન્સ ટ્રોફી પછી ભારત જુલાઈના અંત સુધી લિમિટેડ
ઓવર્સની કોઈ સિરીઝ રમવાનું નથી. આથી સેમસને ઓગસ્ટમાં બાંગલાદેશ સામેની શ્રેણી સુધી
ઇંતઝાર કરવાનો રહેશે. જો કે તે માર્ચમાં આઇપીએલમાં રાજસ્થાન રોયલ્સની કપ્તાની કરતો
જોવા મળશે.