• સોમવાર, 07 જુલાઈ, 2025

વિમ્બલ્ડનમાં જોકોવિચ જીતની સદી સાથે ચોથા રાઉન્ડમાં

માર્ટિના અને ફેડરરની બરાબરી કરી : નંબર વન સિનરની આગેકૂચ

લંડન તા.6: સર્બિયન સ્ટાર નોવાક જોકોવિચ વિમ્બલ્ડન ટેનિસ ટૂર્નામેન્ટમાં 100 જીત મેળવનારો દુનિયાનો ત્રીજો ખેલાડી બન્યો છે. તેણે ત્રીજા રાઉન્ડમાં હમવતન ખેલાડી મિઓમિર કેકમાનોવિચ વિરૂધ્ધ 6-3, 6-0 અને 6-4થી સંગીન વિજય મેળવ્યો હતો. વિમ્બલ્ડનમાં 100 જીત આ પહેલા માર્ટિના નવરાતિલોવા (120 જીત) અને રોઝર ફેડરર (10પ જીત) હાંસલ કરી ચૂકયા છે. જોકોવિચે તેના 24 ગ્રાંડસ્લેમ ટાઇટલમાંથી સાત ઓલ ઇંગ્લેન્ડ કલબમાં જીત્યા છે. પોતાની 20મી વિમ્બલ્ડન ગ્રાંડસ્લેમ ટૂર્નામેન્ટ રમી રહેલ 38 વર્ષીય જોકોવિચ ચોથા રાઉન્ડમાં 11મા નંબરના ઓસ્ટ્રેલિયાના ખેલાડી એલેકસ ડિ મિનોરનો સામનો કરશે.

મેન્સ સિંગલ્સના અન્ય એક મેચમાં નંબર વન ઇટાલીના યાનિક સિનરે સ્પેનના પેડ્રો માર્ટિનેજને 6-1, 6-3 અને 6-1થી સજજ્ડ હાર આપી ચોથા રાઉન્ડમાં જગ્યા બનાવી હતી. સિનરે ટૂર્નામેન્ટમાં હજુ સુધી એક પણ સેટ ગુમાવ્યો નથી. જયારે 2014ના યૂએસ ઓપન વિજેતા ક્રોએશિયાના મારિન સિલિચનો ત્રીજા રાઉન્ડમાં સ્પેનના જોમ મુનાર સામે 6-3, 3-6, 6-2 અને 6-4થી વિજય થયો હતો.

મહિલા વર્ગમા આઠમા નંબરની પોલેન્ડની ખેલાડી ઇગા સ્વિયાતેકનો અમેરિકાની ડેનિયલ કોલિન્સ વિરૂધ્ધ 6-2 અને 6-3થી વિજય થયો હતો. ઝેક ખેલાડી બારબોરા ક્રેઝિકોવાને અમેરિકી ખેલાડી એમ્મા નવારોએ 2-6, 6-3 અને 6-4થી હાર આપી હતી. તેણી હવે ચોથા રાઉન્ડમાં રૂસી ખેલાડી મીરા એન્ડ્રીવાનો સામનો કરશે.

 

ઇ-પેપરના નવા શુલ્ક