• રવિવાર, 06 જુલાઈ, 2025

અમરનાથ યાત્રા માર્ગે પાંચ બસ આપસમાં ટકરાઈ

36 યાત્રાળુઓને ઈજા: ચાર બસને નુકસાન

જમ્મુ, તા.5 :  હાલમાં જ શરૂ થયેલી અમરનાથ યાત્રામાં આજે રામબન જિલ્લામાં પાંચ બસ એકબીજાથી ટકરાતાં સર્જાયેલા અકસ્માતમાં 36 શ્રદ્ધાળુ ઘાયલ થયા હતા. આ બસો જમ્મુ ભગવતી નગરથી દક્ષિણ કાશ્મીરના પહેલગામ બેઝ શિબિર તરફ જઈ રહેલા કાફલાનો ભાગ હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે આ અકસ્માત જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય રાજમાર્ગ પર ચંદ્રકૂટ પાસે આજે સવારે આઠ વાગ્યે થયો હતો. પોલીસે જણાવ્યું હતું કે પહેલગામ કાફલાની અંતિમ બસે નિયંત્રણ ગુમાવ્યું હતું અને તે ચંદ્રકોટ લંગર સ્થળે ફસાયેલા વાહનોથી ધડાકાભેર અથડાઈ હતી આ ટક્કરથી ચાર વાહનને નુકસાન થયું હતું અને બસમાં બેઠેલા 36 અમરનાથ યાત્રીઓને હળવી ઈજાઓ થઈ હતી. પોલીસે કહ્યું કે ઘટનાસ્થળે પહેલેથી હાજર સરકારી અધિકારીઓએ ઘાયલોને રામબન જિલ્લા હોસ્પિટલ પહોંચાડયા હતા.

અનેક વરિષ્ઠ પોલીસ અધિકારીઓએ ઈજાગ્રસ્તોના ઉપચારના નિરીક્ષણ માટે હોસ્પિટલની મુલાકાત લીધી હતી. પ્રવાસીઓને બાદમાં અન્ય વાહનોમાં આગળની યાત્રા માટે રવાના કરવામાં આવ્યા હતા.

ઇ-પેપરના નવા શુલ્ક