• રવિવાર, 06 જુલાઈ, 2025

મહિલા ટી20 : ઈંગ્લેન્ડ સામે ઈતિહાસ રચવાથી ચૂક્યું ભારત

હરમનપ્રીત છેલ્લા બોલે સિક્સ ન મારી શકી : ભારતની ત્રીજા મેચમાં પાંચ રને હાર

નવી દિલ્હી, તા. 5 : ઈંગ્લેન્ડ અને ટીમ ઈન્ડિયા વચ્ચે ટી20 શ્રેણીનો ત્રીજો મુકાબલો શુક્રવારે રાત્રે લંડનના કેનિંગ્ટન ઓવલમાં રમાયો હતો.આમેચમાં હરમનપ્રીત કૌરની આગેવાનીની ટીમ ઈન્ડિયા પાસે મુકાબલો નામે કરીને ઈતિહાસ રચવાની તક હતી. જો કે અંતિમ ક્ષણોમાં બેટિંગ યુનિટ લથડી જતા ટીમ ચૂકી હતી અને ભારતને આ મેચમાં પાંચ રને હારનો સામનો કરવો પડયો હતો. જો કે શ્રેણીના પહેલા બે મેચ જીતીને ટીમ હજી પણ 2-1થી આગળ ચાલી રહી છે.  ઈંગ્લેન્ડની નબળી બેટિંગ અને ખરાબ ફિલ્ડિંગ છતાં ભારતને મેચમાં હાર મળી હતી. ઈંગ્લેન્ડે ટોસ જીતીને પહેલા બેટિંગનો નિર્ણય કર્યો હતો. સોફિયા ડંકલે અને ડેની વ્યાટ હોજે પહેલી વિકેટ માટે 137 રનની ભાગીદારી કરી હતી. જો કે ઈંગ્લેન્ડે બાદમાં 25 બોલમાં 31 રનની અંદર નવ વિકેટ ગુમાવી દીધી હતી અને ટીમ 20 ઓવરમાં નવ વિકેટે 171 રન જ કરી શકી હતી.

જવાબમાં ભારતીય ટીમ સારી સ્થિતિમાં રહી હતી. સ્મૃતિ મંધાના અને શેફાલી વર્માએ ઘણા જીવનદાનનો ફાયદો ઉઠાવીને પહેલી વિકેટ માટે નવ ઓવરમાં 85 રન કર્યા હતા. બાદમાં ભારતીય બેટિંગ લાઈન લથડી હતી. લોરેન ફાઈલરે 16મી ઓવરમાં મંધાનાને આઉટ કરીને ઈંગ્લેન્ડની જીતનો પાયો નાખ્યો હતો. બાદમાં ઈંગ્લેન્ડે ભારતને 20 ઓવરમાં પાંચ વિકેટે 166 રને રોકી લીધું હતું.ભારતને છેલ્લા બોલે છ રનની જરૂર હતી. જો કે કેપ્ટન હરમનપ્રીત કૌર મોટો શોટ રમવાના પ્રયાસમાં આઉટ થઈ હતી.

 

ઇ-પેપરના નવા શુલ્ક