બીજી ઈનિંગમાં કેપ્ટન ગિલે 161 રન ફટકાર્યા, કેએલ રાહુલ, પંત અને જાડેજાની અર્ધસદી : લક્ષ્યનો પીછો કરતા ઈંગ્લેન્ડને શરૂઆતી ઝટકા
નવી દિલ્હી, તા. 5 : ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટેસ્ટ શ્રેણીનો બીજો મેચ બર્મિંઘમમાં રમાઈ રહ્યો છે. બીજા ટેસ્ટ મેચના ચોથા દિવસે ભારતીય ટીમે પોતાની બીજી ઈનિંગ 6 વિકેટે 427 રન બનાવીને ઘોષિત કરી હતી અને ઈંગ્લેન્ડને મેચ જીતવા માટે ભારતે 608 રનનું લક્ષ્ય આપ્યું છે. બીજી ઈનિંગમાં ફરી એક વખત શુભમન ગિલે પોતાની શાનદાર બેટિંગનું પ્રદર્શન કરીને સદી ફટકારી હતી. તેણે 162 બોલમાં તાડબતોડ 161 રન કર્યા હતા. ઈનિંગ દરમિયાન ગિલે 13 ચોગ્ગા અને 8 છગ્ગા ફટકાર્યા હતા. ગિલનો સાથ પંત અને રવીન્દ્ર જાડેજાએ અર્ધસદી કરીને આપ્યો હતો. શુભમન ગિલ અને પંત તેમજ રવીન્દ્ર જાડેજા અને ગિલ વચ્ચે સદીની ભાગીદારી થઈ હતી. જેનાથી ભારતની પકડ મજબુત બની હતી.લક્ષ્યનો પીછો કરતા ઈંગ્લેન્ડની શરૂઆત ખરાબ રહી હતી અને માત્ર 30ના કુલ સ્કોરે બે વિકેટ ગુમાવી દીધી હતી.
ભારતે પહેલી ઈનિંગમાં શુભમન ગિલની બેવડી સદીની મદદથી 587 રનનો વિશાળ સ્કોર કર્યો હતો. જેના જવાબમાં ઈંગ્લેન્ડે હેરી બ્રુક અને જેમી સ્મિથની સદીની મદદથી 407 રન કર્યા હતા. આમ ભારતને 180 રનની બઢત મળી હતી. બીજા મેચના ચોથા દિવસે કરુણ નાયર 26 રન કરીને આઉટ થયો હતો. લોકેશ રાહુલ 84 બોલમાં 55 રન કરી શક્યો હતો. જ્યારે ઋષભ પંતે 65 રનની ઈનિંગ રમી હતી. શુભમન ગ્લિ 162 બોલમાં 161 રન કરીને આઉટ થયો હતો. જ્યારે નીતીશ કુમાર એક જ રન કરી શક્યો હતો. રવીન્દ્ર જાડેજા 118 બોલમાં 69 રન કરીને નોટઆઉટ રહ્યો હતો. મેચમાં જાડેજા અને ગિલ વચ્ચે અતિમહત્વની સદીની ભાગીદારી થઈ હતી. આ ઉપરાંત પંતે પણ મહત્વનું યોગોદાન આપ્યું હતું. ગિલ અને પંત વચ્ચે ચોથી વિકેટ માટે 110 રનની પાર્ટનરશિપ થઈ હતી. ઈંલેન્ડ તરફથી બીજી ઈનિંગમાં જોશ ટંગ અને શોએબ બસીરે બે બે વિકેટ લીધી હતી.
608 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમની બીજી ઈનિંગની શરૂઆત સારી રહી નહોતી. ટીમે જેક ક્રાઉલીના રૂપમાં પહેલી વિકેટ ગુમાવી હતી. સિરાજે જેકને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. બાદમાં ઓપનિંગ બેટ્સમેન બેન ડકેટ 25 રન કરીને વિકેટ ગુમાવી બેઠો હતો. ડકેટનો શિકાર આકાશદીપે ક્લીનબોલ્ડ કરીને કર્યો હતો.
કેપ્ટન તરીકે ડેબ્યુ શ્રેણીમાં સૌથી વધારે રન કરનારો ભારતીય ખેલાડી ગિલ
શુભમન ગિલની આગેવાનીમાં ભારતીય ટેસ્ટ ટીમ ઈંગ્લેન્ડના પ્રવાસે છે. બન્ને ટીમ પાંચ મેચની શ્રેણીમાં આમને સામને છે. આ ગિલની ટેસ્ટ કેપ્ટન તરીકે પહેલી શ્રેણી છે અને ડેબ્યુ શ્રેણીમાં સૌથી વધારે રન કરનારો ભારતીય કેપ્ટન બની ગયો છે. ગિલે અત્યારસુધીમાં બે મેચમાં જ 585 રન કરી લીધા છે. જેમાં એક બેવડી સદી અને બે સદી સામેલ છે. આ અગાઉ 2014-15માં ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ કેપ્ટન તરીકે કોહલીએ ડેબ્યુ કર્યું હતું અને ત્યારે ચાર ઈનિંગમાં 449 રરન કર્યા હતા. ગિલે કોહલીનો રેકોર્ડ તોડી નાખ્યો છે.