ગઢડા(સ્વામીના)-સિહોર-ઉમરાળા 2.5, મેંદરડા-કોટડાપીઠા-2, વિસાવદર- 1.5, માણાવદર-પાલિતાણા-રાજકોટ-1, જેસર-વિંછીયા-0.5 ઇંચ વરસાદ
રાજકોટ,
તા.6: ચોમાસાની શરૂઆતથી સૌરાષ્ટ્ર ઉપર મેઘરાજાની મહેર અવિરત જોવા મળી રહી છે. છેલ્લા
કેટલાક દિવસથી તો સૂર્ય નારાયણના દર્શન પણ થતા નથી. સતત વરસાદી વાતાવરણ વચ્ચે ઝરમર
અને ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહયો છે. આજે બાબરા અને વલભીપુરમાં 4 ઇંચ વરસાદ વરસતા
નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. બાબરા પંથકની મોટાભાગની નદીઓમાં પૂર આવ્યા હતા.
ઉપરાંત ભાવનગર 3, ગઢડા(સ્વામીના)-સિહોર-ઉમરાળા 2.5,મેંદરડા-કોટડાપીઠા 2, વિસાવદર 1.5,
માણાવદર-પાલિતાણા-રાજકોટ 1, જેસર-વિંછીયા 0.5 ઇંચ વરસાદ વરસ્યો હતો. સતત ધીમીધારે વરસાદ
વરસતા ખેતરોમાં પાણી ભરાયા છે. વરાપ ન નીકળતા હવે મોલાત મુરઝાવવાની ભીતિ સેવાઇ રહી
છે. આજે સવારે 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધીમાં 170 તાલુકામાં વરસાદ નોંધાયો છે.
ભાવનગર:
જિલ્લામાં આજે રવિવારે સાંજ સુધીમાં જ અડધાથી
ચાર ઇંચ વરસાદ પડ્યો છે. વલભીપુરમાં ચાર, ભાવનગર શહેરમાં ત્રણ, શિહોરમાં અઢી, પાલીતાણામાં
એક અને જેસરમાં અડધો ઇંચ વરસાદ પડ્યો છે. જિલ્લાના વલભીપુરમાં અને ભાવનગર શહેરમાં બપોરે
ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો અને રસ્તા ઉપર પાણી ભરાઈ ગયા હતા. આજે વરસાદ દરમિયાન ભાવનગર
શહેરમાં આતાભાઇ ચોકમાં અને ગઢેચી વડા ડીઆરએમ કચેરી પાસે વૃક્ષ ધરાશાયી થયું હતું.
જૂનાગઢ:
સોરઠમાં છેલ્લા દસેક દિવસથી મેઘરાજા હેત વરસાવતા જનજીવન અકળાયું છે. કમુળી મૌલાત મુરઝાવવા
લાગી છે. ખેતરો પાણીથી લથબથ છે. વરાપના અભાવે નિંદામણનો ઉપદ્રવ વધ્યો છે અને કિસાનો
મેઘરાજા ખમૈયા કરે તેવી પ્રાર્થના કરવા લાગ્યા છે. જિલ્લામાં ગઇકાલે બપોર બાદ વરાપ
નીકળી હતી. અને ઝાપટા વચ્ચે આજે વહેલી સવારે મેંદરડામાં ધોધમાર બે, વિસાવદર દોઢ, માણાવદર
એક ઇંચ વરસાદ પડતા ખેતરોમાં પાણી વહેવા લાગ્યા હતા. શેરી-ગલ્લીઓમાં કાદવ-કીચડ પથરાયા
છે અને જનજીવન અકળાયું છે.
ઉમરાળા:
આજે સવારના દસ વાગ્યાથી ધીમીધારે શરૂ થયેલો વરસાદ સાંજ સુધીમાં 50 મીમી નોંધાયો હતો.
સીઝનનો કુલ વરસાદ 606 મીમી થયો છે.
કોટડાપીઠા:
બાબરા તાલુકાના કોટડાપીઠા તેમજ આજુબાજુના ગ્રામ્ય પંથકમાં છેલ્લા ઘણા સમથી ઝરમર વરસાદ
વરસે છે. પરંતુ આજે બપોરે વરસાદ મનમૂકી વરસતા બે ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો. વરસાદથી
ખેતરો પાણીમાં તરબોળ થયા હતો.
બાબરા:
શહેર અને તાલુકામાં બપોર બાદ દોઢ કલાકમાં સચરાચર 3થી 4 ઈચ વરસાદથી બાબરા મધ્યમાંથી
પસાર થતી કાળુભાર નદી સહિત તાલુકાની તમામ નદીઓમાં પૂર પ્રકોપ સાથે નદીઓ બે કાંઠે વહેવા
લાગી હતી. જયારે કરીયાણા ગામે આવેલો કાળુભાર ડેમમાં સાંજના સમયે જળ સપાટી 16 ફૂટે પહોચી
છે. જયારે રાજાશાહી વખતના જુના તળાવ, રામપરા તળાવ સહિત કોટડાપીઠા ધોબીઆરા તળાવમાં પણ
બે થી ત્રણ ફુટ જેટલી નવી જળ રાશી જમા થયાનું ગ્રામ્ય વર્તુળમાંથી જાણવા મળે છે. ચાલુ
વર્ષે ચોમાસાની સીઝનના પ્રથમ ચરણમાં મેઘરાજા રીઝયા હોઈ તેમ છેલ્લા 20 દિવસમાં સીઝનનો
60% ઉપરાંત વરસાદ તાલુકામાં પડ્યો છે. આજ બપોરે એક વાગ્યાથી ધીમીધારે શરૂ થયેલા વરસાદે
એકદમ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લેતા ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા હતા. અને સ્થાનિક ભાજપ
શાસિત નગર પાલિકાની પ્રિમોન્સુન કામગીરી ઠગારી નીવડી હતી. કાળુભાર નદીમાં ઘોડાપૂર આવતા
પાણી શિવાજી ચોક ભગુભાઈ કોલોની નજીક ઘૂસ્યું
હતું જેથી ગોઠણબુડ પાણી ભરાયા હતા.
વિંછીયા:
દિવસ દરમિયાન ઝાપટારુપે અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો. તાલુકાના ગામડાઓમાં પણ ઝાપટા વરસ્યા
હતા.
ગઢડા(સ્વામીના):
શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ચાલુ વર્ષે 16 જૂનથી ચોમાસાની વિધિવત્ સમયસર શરૂઆત થવા
પામી છે. આ ચોમાસાના પ્રથમ વરસાદે મોટાભાગના નદી, નાળા છલકાઈ જતા ધરતીપુત્રો સારા વર્ષની
આશાથી ખુશખુશાલ થઈ ગયા છે. તેમજ છેલ્લા ઘણા દિવસોથી સતત વરસાદી વાતાવરણ અને વરસાદના
ઝાપટા લોકોને ભીંજવી રહ્યા છે. ત્યારે સતત વરસાદી માહોલ વચ્ચે બપોરે એક કલાક મૂશળધાર
વરસાદ શરૂ થતા રસ્તાઓ પાણી પાણી બની ગયા હતા તેમજ સરકારી નોંધ પ્રમાણે દિવસ દરમિયાન
61 મી.મી. અને સિઝનનો કુલ 560 મી.મી. વરસાદ નોંધાયો છે. સતત પડી રહેલા વરસાદના પગલે
હવે અતિવૃષ્ટિના ભય વચ્ચે ખેડૂતોમાં ચિંતાની લહેર ઉઠવા પામી છે.
મોડાસા:
અરવલ્લી જિલ્લાના દરેક તાલુકામાં વરસાદ વરસ્યો હતો. ખેતરોમાં પાણી ભરાઇ ગયા છે. છેલ્લા
કેટલાક દિવસથી સતત વરસાદી વાતારણ જોવા મળી રહયું છે.
6 દિવસ
ભારે વરસાદની આગાહી
અમદાવાદ,
તા. 6: હવામાન વિભાગે આગામી 6 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. આગામી 10
તારીખ સુધી પાટણ, મહેસાણા, સાબરકાંઠા,ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, બરોડા,
પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગસ નવસારી, વલસાડ, તાપી,
દાદરાનગર હવેલી, દમણ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી ભાવનગર,
મોરબી, દેવભૂમિ દ્વાકા, ગીર સોમનાથ બોટાદ, કચ્છ, દીવમાં યલો એલર્ટ જારી કરવામાં આવી
છે. હવામાન વિભાગ ઉપરાંત હવામાન નિષ્ણાંતો
પણ માની રહ્યા છે કે, આ મહિને પણ વરસાદ વિરામ લે તેવી શક્યતાઓ ઓછી છે. હવામાન નિષ્ણાત
પરેશ ગોસ્વામીએ કહ્યું કે, આ વર્ષે જૂન મહિનામાં સામાન્ય કરતાં 30 ટકા વધુ વરસાદ પડ્યો
છે. જ્યાર 10 જુલાઈ સુધીમાં વધુ એક વરસાદનો રાઉન્ડ આવે તેવી શક્યતાઓ છે. બંગાળની ખાડીમાંથી એક સિસ્ટમ આવતાં તેનો લાભ ગુજરાતને
મળશે. આગાહી પ્રમાણે આ સિસ્ટમ કદાચ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પરથી પસાર થાય અથવા
ઉત્તર ગુજરાત પરથી પસાર થઈ શકે છે.
આજે
અમદાવાદના અનેક વિસ્તારોમાં આજે વરસાદ વરસ્યો છે. જેમાં સેટેલાઇટ, જોધપુર, એલિસબ્રિજ,
લાલ દરવાજા, પાલડી, જમાલપુર, વાડજ, વસ્ત્રાપુર, કાલુપુર, શાહપુર, નરોડા, ઈનકમ ટેક્ષ
ચાર રસ્તા, શિલજ, બોપલ, આંબલી, ઈસકોન, પકવાન, ગોતા, બોડકદેવ, રિવરફ્રન્ટ, નારણપુર,
મકરબા સહિતના વિસ્તારમાં હળવાથી ભારે વરસાદ ખાબક્યો છે.
ગુજરાતના
20 ડેમ સંપૂર્ણ ભરાયા, 29 ડેમ હાઈ ઍલર્ટ પર
સૌરાષ્ટ્રના
23 ડેમમાં નવા નીરની આવક ચાલુ
અમદાવાદ,
તા.6 : ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં આજે રવિવારે ભારેથી અતિભારે વરસાદ ખાબક્યો છે.
છેલ્લા 24 કલાકમાં 204 તાલુકામાં વરસાદ નોંધાયો છે. આ સાથે રાજ્યના 206 ડેમમાંથી
20 ડેમ 100 ટકા ભરાયા છે, જ્યારે 43 ડેમ 70-100 ટકા, 49 ડેમ 50-70 ટકા, 46 ડેમ 25-50
ટકા અને 48 ડેમ 25 ટકાથી નીચેના સ્તરે ભરાયેલા છે. જેમાં 29 ડેમને હાઈ એલર્ટ, 17 ડેમને
એલર્ટ અને 17 ડેમને લઈને વોર્નિંગ આપવામાં આવી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં પણ સારા વરસાદને
પગલે જળાશયોમાં નવા નીરની આવક થઈ રહી છે. આજે રાજકોટ સિંચાઈ વર્તુળ હસ્તકના 23 ડેમમાં
નવા નીર આવ્યા છે. જેમાં સૌથી વધુ દ્વારકા જિલ્લાના કુલ 12 પૈકી 10 ડેમમાં 0.46થી
8.53 ફુટ સુધી નવા નીર આવ્યા છે. આ ઉપરાંત રાજકોટના આજી-3, ન્યારી-2, છાપરવાડી-2 અને
ઘેલો સોમનાથ ડેમમાં 0.33થી 0.89 ફુટ નવું પાણી આવ્યું છે. મોરબી જિલ્લાના મચ્છુ-1,2
તથા ડેમી-1 ડેમ તો જામનગર જિલ્લાના ફુલઝર-2, ડાઈ મીણસર અને ફોફળ-2 તેમજ સુરેન્દ્રનગર
જિલ્લાના વઢવાણ ભોગાવો-1 અને લીંબડી ભોગાવો-2 અને પોરબંદર જિલ્લાના સોરઠી ડેમમાં નવા
નીર આવ્યા છે.
દક્ષિણ
ગુજરાતમાં ભારે વરસાદ બારડોલી 5, પલસાણા 4 ઇંચ
સુરતમાં
વરસાદના કારણે મોટાભાગના વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાયા, ફરી ખાડી પૂરની ભીતિ
સુરત,
તા. 6: હવામાન વિભાગની આગાહી મુજબ આજે સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ
પડયો હતો. સુરતમાં પડેલા ભારે વરસાદને પગલે મોટાભાગના વિસ્તારમાં ઘૂંટણ અને કેડસમા
પાણી ભરાયા હતા.
દક્ષિણ
ગુજરાતના ડાંગ, સુરત, વલસાડ, નવસારી સહિતના જિલ્લાઓમાં છેલ્લા ત્રણ દિવસથી મેઘરાજા
ધમાકેદાર વરસી રહ્યા છે. અનેક તાલુકાઓના નીચાણ
વાળા વિસ્તારોમાં પાણી ભરાવાથી લોકો મુશ્કેલીમાં મુકાયા છે. ડાંગ જિલ્લાના સુબીરમાં
4.5 ઇંચ અને સુરતના બારડોલીમાં 05 ઇંચ વરસાદ ખાબક્યો છે. સુરતના ઉધના-નવસારી રોડ પર
કેમિકલ યુક્ત પાણી ભરાવાની ગંભીર સમસ્યા સામે આવી છે, જેના કારણે સ્થાનિક લોકોમાં ભારે
રોષ જોવા મળી રહ્યો છે અને સુરત મહાનગરપાલિકાની કામગીરી પર સવાલો ઉભા થયા છે. ત્યારે
વરસતા વરસાદમાં મેયર અને ધારાસભ્યએ સ્થળ મુલાકાત કરી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.
આજે
વહેલી સવારથી મોડી સાંજ સુધી નોંધાયેલા વરસાદી આંકડ મુજબ સુરત જિલ્લાના ઓલપાડમાં
21 મીમી, માંગ રોળમાં 31 મીમી, ઉમરપાડામાં 48મીમી, માંડવીમાં 41 મીમી, કામરેજમાં
41 મીમી, ચોર્યાસીમાં 36 મીમી, પલસાણા 113 મીમી, બારડોલીમાં 125 મીમી, મહુવામાં 56
મીમી અને સુરત સિટીમાં 69 મીમી વરસાદ નોંધાયો છે. તથા ડાંગ જિલ્લાના સુબિરમાં 113 મીમી,
આહવામાં 48 મીમી, વઘઈમાં 68 મીમી અને સાપુતારામાં 38 મીમી વરસાદ નોંધાયો છે. તેમજ નવસારી
જિલ્લાના ખેરગામમાં 33, ચીખલી માં 50 મીમી, જલાલપોરમાં 44 મીમી, વાંસદામાં 85 મીમી,
ગણદેવીમાં 58 મીમી અને નવસારી સિટીમાં 65 મીમી વરસાદ નોંધાયો છે. વલસાડ જિલ્લાના ધરમપુરમાં 36 મીમી, પારડીમાં 29
મીમી, કપરાડામાં 28 મીમી, ઉમરગામ 18 મીમી, વાપીમાં 07 મીમી અને વલસાડ સિટીમાં 22 મીમી
વરસાદ નોંધાયો છે.બતાપી જિલ્લાના નિઝરમાં 12 મીમી, ઉચ્છલમાં 30 મીમી, વાલોડમાં 64 મીમી,
સોનગઢમાં 80 મીમી, વ્યારામાં 88 મીમી, કુકરમુંડા 25 મીમી અને ડોલવણમાં 79 મીમી વરસાદ
નોંધાયો છે.