ઈંગ્લેન્ડની ટીમે છ કે તેથી વધુ બેટર શૂન્યમાં આઉટ થવા છતાં સ્કોર 400ને પાર પહોંચાડવાનો વિક્રમ બનાવ્યો
નવી દિલ્હી, તા. 5 : ઈંગ્લેન્ડની ટીમ ટેસ્ટ ક્રિકેટમાં ઈતિહાસ રચી દીધો હતો જ્યારે એજબેસ્ટ ટેસ્ટમાં ભારતના 587 રનના જવાબમાં પહેલી ઈનિંગમાં 407 રન કર્યા હતા. ઈંગ્લેન્ડના વિશાળ સ્કોરમાં માત્ર બે જ બેટ્સમેનનો રોલ મહત્ત્વનો રહ્યો હતો. હેરી બ્રુકે 158 રન કર્યા હતા અને જેમી સ્મિથે 184 રનની નોટઆઉટ ઈનિંગ રમી હતી. આ બન્ને બેટ્સમેન વચ્ચે 303 રનની ભાગીદારી થઈ હતી. જ્યારે બાકીના ખેલાડીઓ 105 રન જ જોડી શક્યા હતા. ઈંગ્લેન્ડની આ ઈનિંગમાં છ બેટ્સમેન ખાતુ પણ ખોલી શક્યા નહોતા અને શૂન્યમાં આઉટ થયા હતા.
ઈંગ્લેન્ડની ટીમ આ રીતે ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં છ કે તેથી વધારે બેટ્સમેન શૂન્યમાં આઉટ થવા છતા 400થી વધારે રન કરનારી દુનિયાની પહેલી ટીમ બની છે. અત્યારસુધીમાં કોઈપણ ટીમ આટલો સ્કોર કરી શકી નથી. આ પહેલા રેકોર્ડ બંગલાદેશના નામે હતો. જેણે છ બેટ્સમેન શૂન્યમાં આઉટ થવા છતાં પણ 365 રન કર્યા હતા. આ રેકોર્ડ 2022મા શ્રીલંકા સામે કર્યો હતો. જેમાં મુશ્ફિકુર રહીમે 175 રનની નોટઆઉટ ઈનિંગ રમી હતી અને લિટન દાસે 141 રન કરીને સાથ આપ્યો હતો. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં પણ આવો એક રેકોર્ડ છે. જેમાં છત્તીસગઢના નામે છ કે તેથી વધારે બેટ્સમેન શુન્યમાં આઉટ થયા બાદ કર્ણાટક સામે 311 રન કર્યા હતા.