• સોમવાર, 07 જુલાઈ, 2025

ટ્રમ્પ સામે મસ્કનું એલાન-એ-જંગ

રાજકીય દળનું નામ રાખ્યું ‘અમેરિકા પાર્ટી’ : રિપબ્લિકન અને ડેમોક્રેટ્સની વિફળતાઓને આપશે પડકાર

 

વોશિંગ્ટન, તા. 6 : અમેરિકાની રાજનીતિમાં ત્રીજા દળની સંભાવનાઓ મામલે ચાલી રહેલી અટકળોના દોર વચ્ચે ટેસ્લા અને સ્પેસએક્સના માલિક એલન મસ્કે ઔપચારિક રીતે એક નવા રાજકીય પક્ષ ‘અમેરિકા પાર્ટી’ના ગઠનનું એલાન કરી દીધું છે. આ ઘોષણા મસ્કે એક્સ ઉપર એક દિવસ પહેલા પક્ષ માટે કરાવવામાં આવેલા પોલ (મતદાન) બાદ કરી છે.

પોતાની પોસ્ટમાં એન મસ્કે લખ્યું હતું કે 2:1ના અંતરથી તમે નવો રાજકીય પક્ષની ઈચ્છા કરી છે અને તમને મળશે. આજે ‘અમેરિકા પાર્ટી’ બનાવવામાં આવી રહી છે જેથી લોકોને તેમની આઝાદી પરત કરાવી શકાય. આ એલાન એવા સમયે થયું છે જ્યારે એલન મસ્ક અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેના સંબંધમાં તણાવ ચરમસીમાએ છે. એક સમયે ડોનાલ્ડ ટ્રમ્પના નજીકના વ્યક્તિ ગણવામાં આવતા એલન મસ્કે થોડા સમય પહેલા ટ્રમ્પના મહત્ત્વાકાંક્ષી ‘વન બિગ  બ્યુટીફુલ બિલ’ની આકરી ટીકા કરી હતી.

એલન મસ્ક દ્વારા હજી પોતાની નવી પાર્ટીના વિસ્તૃત એજન્ડાનો ખુલાસો કર્યો નથી પણ એક વાત સાફ કરી છે કે પક્ષ રાજનીતિક સ્વતંત્રતા અને સિસ્ટમથી આઝાદીની વાત કરશે. બન્ને પ્રમુખ દળોની વિફળતાને પડકારશે. ટેક્સપેયરના પૈસાના ઉપયોગ, શાસનની કુશળતા અને ટેક્નોલોજી આધારીત ગવર્નેન્સ ઉપર ફોકસ કરવામાં આવશે.

એલન મસ્કે ગત ચૂંટણી પ્રચાર દરમિયાન ટ્રમ્પને કરોડો ડોલરની મદદ કરી હતી. તેમના કાર્યકાળમાં મસ્ક ડોજના પ્રમુખ પણ રહ્યા હતા. જો કે ટ્રમ્પ દ્વારા મોટાપાયે ટેક્સમાં કાપ અને ખર્ચાના બિલ ઉપર હસ્તાક્ષર કરવામાં આવતા બન્નેના સંબંધો પૂરી રીતે તુટી ગયા હતા. એલન મસ્કે બિલને અમેરિકા માટે જોખમી ગણાવ્યું હતું અને એલાન કરી દીધું હતું કે બિલને સમર્થન કરનારા સાંસદોનો ખુલીને વિરોધ કરવામાં આવશે.

જેના જવાબમાં ટ્રમ્પે ધમકી આપી હતી કે મસ્કની કંપનીઓને મળતી સબસિડી બંધ કરી દેવાશે અને મસ્કને અમેરિકામાંથી હાંકી કાઢવા વિચાર કરી શકે છે. આ દરમિયાન અમેરિકાના સ્વતંત્રતા દિવસે મસ્ક દ્વારા એક્સ ઉપર એક પોલ જારી કરવામાં આવ્યો હતો. જેમાં લોકોને પૂછવામાં આવ્યું હતું કે શું તમે અમેરિકાની બે દળની વ્યવસ્થાથી આઝાદી ઈચ્છો છો ? આ પોલમાં 12 લાખથી વધારે યુઝર્સે ભાગ લીધો હતો અને બહુમતથી સમર્થન આપ્યું હતું.

 

આજે 12 દેશ પર ફૂટશે ટ્રમ્પનો ટેરિફ બોમ્બ ?

વોશિંગ્ટન, તા.6 : દુનિયા પર ટ્રમ્પ ટેરિફની ગાજ વરસવા લાગી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આપેલી 90 દિવસની સમય મર્યાદા 9 જુલાઈએ પૂરી થઈ રહી છે.જે પહેલા અહેવાલ છે કે 1 ઓગસ્ટથી દુનિયાના 100 જેટલા દેશોથી આયાત કરવા પર ટ્રમ્પ ટેરિફ લાગુ થશે જે 10 ટકા જેટલી હશે. અમેરિકી ટ્રેઝરી સચિવ સ્કોટ બેસેન્ટે આ પગલાંની પુષ્ટિ કરી છે.

સ્કોટે કહ્યું કે બેઝલાઈન ટેરિફ વ્યાપક રુપે લાગુ થશે. એ દેશો પર પણ જે હાલ વોશિંગ્ટન સાથે વાટાઘાટ કરી રહ્યા છે. જો કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ વાતચીત કરી રહેલા કયા દેશ સાથે કેવું વલણ દાખવે છે ? તે જોવું રહ્યું. 100 જેટલા દેશો પર ઓછામાં ઓછી 10 ટકા પારસ્પરિક ટેરિફ લાગુ થશે અને અમે ત્યાંથી આગળ વધવાના છીએ.

દરમિયાન એવી પૂરી સંભાવના છે કે અમેરિકા 1ર જેટલા દેશો પર તા.7ને સોમવારે  ટેરિફ બોમ્બ ફોડશે જેની તૈયારી પુરી થઈ ચૂકી છે. ટ્રમ્પે ખુદે જાહેર કર્યુ છે કે 1ર જેટલા દેશોના ટેરિફ લેટર પર તેઓ સાઈન કરી ચૂક્યા છે. સ્વીકારો અથવા છોડી દો...ના અલ્ટીમેટમ સાથે ટેરિફ લેટર મોકલી દેવાશે. જો કે તેમણે 1ર દેશોની આ યાદીમાં કયા દેશ સામેલ છે ? તે નામ જાહેર કર્યા ન હતા. એરફોર્સ વનમાં યાત્રા દરમિયાન ટ્રમ્પે પત્રકારો સાથે વાતચીતમાં 1ર દેશ પર ટેરિફનો સંકેત આપ્યો હતો. જેમાં કથિત રુપે ભારત, જાપાન અને યુરોપીય યુનિયન સામેલ હોઈ શકે છે.

ઇ-પેપરના નવા શુલ્ક