• રવિવાર, 06 જુલાઈ, 2025

ત્રણ તબીબ સહિત છની ફાર્મસી કાઉન્સીલ ઓફ ઈન્ડિયાના ભ્રષ્ટાચાર મામલે ધરપકડ

PCI પ્રમુખ સામે 4000 કરોડના કૌભાંડનો આક્ષેપ

(ફૂલછાબ ન્યૂઝ)

અમદાવાદ, તા.5: ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયામાં ભ્રષ્ટાચારના કેસમાં તપાસ ઝડપથી થઈ રહી છે. સીબીઆઇએ લાચ કેસમાં ત્રણ ડોક્ટર સહિત કુલ છ ની ધરપકડ કરી છે. ગઈકાલે ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ મોન્ટુ પટેલ વિરુદ્ધ તપાસ શરૂ થયાની માહિતી સામે આવી હતી. સીબીઆઇએ અમદાવાદ મોન્ટુ પટેલના નિવાસ્થાને દરોડા પાડયા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ કોલેજોને માન્યતા આપવાના બદલામાં લાંચ લેવામાં આવતી હોવાનું બહાર આવ્યું છે પરંતુ હવે તપાસ વચ્ચે ગુજરાત ફાર્માસિસ્ટ એસોસીએશનના પ્રમુખ રજનીકાંત ભારતીયે ગંભીર આક્ષેપો કર્યા છે.

તેમણે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે મોટા અધિકારીઓના સહયોગ વગર આ કૌભાંડ શક્ય નથી. જ્યારે મોન્ટુ પટેલ ગુજરાત ફાર્મસી કાઉન્સિલના અધ્યક્ષ હતા ત્યારે પણ અનેક ફરિયાદો સામે આવી હતી. અન્ય રાજ્યોમાંથી આવેલા ડિગ્રી ધારકોના રજીસ્ટ્રેશન માટે પૈસા વસૂલવામાં આવતા હતા. એટલી ફરિયાદો બાદ પણ રાજ્ય સરકારે કોઈ પગલાં લીધા નથી. ચૂંટણીમાં હાર છતાં મોન્ટુ પટેલનું વર્ચસ્વ જાળવી રાખવાનો પ્રયાસ થયો છે

ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા પી સી આઈના અધ્યક્ષ મોન્ટુ પટેલ સામે 4,000 કરોડથી પણ વધુના કૌભાંડના આક્ષેપો નોંધાયા છે. ફરિયાદની વાત કરીએ તો ગાંધીનગરના કલોલમાં આવેલી સ્વામિનારાયણ ઇન્સ્ટિટયૂટ ઓફ મેડિકલ સાયન્સના સ્વામી ભગત વત્સલદાસનું નામ 35માં નંબરે આરોપી તરીકે દર્શાવવામાં આવ્યું છે. સાથે જ છત્તીસગઢની શ્રી રાવતપુરા સરકાર ઇન્સ્ટિટયૂટ ઓફ મેડિકલ સાયન્સના હોદ્દેદારોના નામ પણ ફરિયાદમાં સમાવિષ્ટ છે.

તો બીજી તરફ ફાર્મસી હિત રક્ષક સમિતિના પ્રમુખ અને મુખ્ય ફરિયાદી રાજેશ પટેલે ગંભીર આક્ષેપો કર્યા છે. તેમના કહેવા મુજબ કેટલીક એવી ફાર્મસી કોલેજો જ્યાં કોઈ સગવડ ન હતી, ન લેબોરેટરી, ન લાઇબ્રેરી અને ન પ્રિન્સિપાલ હોય તેવી પણ સંસ્થાઓને મોન્ટુ પટેલે લાંચ લઈ પરવાનગીઓ આપી હતી. રાજેશે એવો પણ આક્ષેપ કર્યો છે કે 2025 માટે કોલેજોને માન્યતા આપવા જાણી જોઇને વિલંબ કર્યો હતો. જેથી વધુમાં વધુ રકમ વસૂલવામાં આવવી જોઇએ. આ રકમ મોન્ટુ પટેલના એજન્ટો દ્વારા વસૂલાતી હતી અને બાદમાં આંગડિયા સર્વિસ મારફતે મોન્ટુ પટેલ સુધી પહોંચાડવામાં આવતી હોવાનું તેમને જણાવ્યું હતું.

ઇ-પેપરના નવા શુલ્ક