• મંગળવાર, 15 જુલાઈ, 2025

લોર્ડસ ટેસ્ટમાં ભારતે જીતની ‘સુંદર’ તક

ત્રીજો ટેસ્ટ જીતવા માટે ભારત સમક્ષ 193 રનનું વિજય લક્ષ્ય : જયસ્વાલ આઉટ

ટ્રમ્પકાર્ડ વોશિંગ્ટન સુંદરે 4 વિકેટ ઝડપી : સિરાજ-બુમરાહની 2-2 વિકેટ : ઇંગ્લેન્ડ 192 રનમાં ડૂલ

લંડન તા.13: ટીમ ઇન્ડિયાના પેસ એન્ડ સ્પિન એટેક સામે ઇંગ્લેન્ડ ટીમ નતમસ્તક થઇ હતી અને બીજા દાવમાં 62.1 ઓવરમાં 192 રનના મામૂલી સ્કોર પર ઓલઆઉટ થઇ હતી. આથી લોર્ડસ ટેસ્ટ જીતવા માટે ભારતને 193 રનનો વિજય લક્ષ્યાંક મળ્યો હતો.  જો કે  ભારતની શરૂઆત પણ નબળી રહી હતી. યશસ્વી જયસ્વાલ ઝીરોમાં આર્ચરના દડામાં આઉટ થયો હતો. આ નુકસાન પછી કેએલ રાહુલ અને કરૂણ નાયરે ભારતની ઇનિંગ સંભાળી હતી. ચોથા દિવસની આખરી તબકકાની રમત વખતે ભારતના 1 વિકેટે 38 રન થયા હતા.

સ્પિનર વોશિંગ્ટન સુંદર છૂપો રૂસ્તમ સાબિત થયો હતો અને ટીમ ઇન્ડિયા માટે ટ્રમ્પકાર્ડ બન્યો હતો. તેણે ઇંગ્લેન્ડના સ્ટાર બેટર જો રૂટ, કપ્તાન બેન સ્ટોકસ અને ડેન્જર બેટર જેમી સ્મિથ ત્રણેયને કલીન બોલ્ડ કર્યાં હતા. વોશિંગ્ટન સુંદરે 22 રનમાં 4 વિકેટ ઝડપી મેચના પાસા પલટાવ્યા હતા. સિરાજ અને બુમરાહને 2-2 વિકેટ મળી હતી. ઇંગ્લેન્ડે આખરી 6 વિકેટ 38 રનમાં ગુમાવી હતી.

ઇંગ્લેન્ડ તરફથી જો રૂટે સર્વાધિક 40 રનની ઇનિંગ રમી હતી. આ દરમિયાન તેણે 96 દડાનો સામનો કરી માત્ર 1 ચોક્કો માર્યોં હતો. તેના અને કપ્તાન બેન સ્ટોકસ વચ્ચે પાંચમી વિકેટમાં 128 દડામાં 67 રનની ભાગીદારી થઇ હતી. રૂટ અને સ્ટોકસ વધુ ખતરનાક બને તે પહેલા સ્પિનર વોશિંગ્ટન સુંદરે આ બન્ને ઇંગ્લીશ બેટરને પેવેલિયન ભેગા કરી દીધા હતા. બન્નેને બોલ્ડ કર્યાં હતા. સ્ટોકસે 96 દડામાં 3 ચોક્કાથી 33 રન કર્યાં હતા. ટી ટાઇમ પછી ઇંગ્લેન્ડ ટીમ ભારતની સ્પિન એન્ડ પેસ બોલિંગ સામે ઘૂંટણિયે પડી ગઇ હતી અને ક્રિસ વોકસ (10) અને બ્રાયડન કાર્સ (1)ને બુમરાહે બોલ્ડ કર્યાં હતા. અંતમાં બશીર સુંદરના દડામાં બોલ્ડ થયો હતો. આથી ઇંગ્લેન્ડ ટીમ 192 રને ડૂલ થઇ હતી.

આ પહેલા આજે ત્રીજા ટેસ્ટના ચોથા દિવસે ઇંગ્લેન્ડે તેનો બીજો દાવ વિના વિકેટે બે રનથી આગળ વધાર્યોં હતો. મોહમ્મદ સિરાજ પ્રારંભે જ ત્રાટકયો હતો. તેણે બેન ડકેટ (12) અને ઓલિ પોપ (4)ના શિકાર કરીને ઇંગ્લેન્ડ પર ભીંસ વધારી હતી. જેનો ફાયદો ઓલરાઉન્ડર નીતિશકુમાર રેડ્ડીને મળ્યો હતો. તેણે ઓપનર જેક ક્રાઉલીએ સ્લીપમાં યશસ્વી જયસ્વાલના હાથે આબાદ કેચ આઉટ કરાવ્યો હતો. ક્રાઉલી 22 રને પેવેલિયનમાં પરત ફર્યોં હતો. ઇંગ્લેન્ડે  પ0 રનમાં 3 વિકેટ ગુમાવ્યા પછી ભારતે મેચમાં સારી પકડ જમાવી હતી.

ઇંગ્લેન્ડ માટે તેના બે સ્ટાર બેટર જો રૂટ અને હેરી બ્રુક ધીમે ધીમે જમાવટ કરી રહ્યા હતા. ત્યારે લંચની ઠીક પહેલા આકાશદીપે બ્રુકને બોલ્ડ કરી પહેલું સેશન ભારતના નામે કરી દીધું હતું. લંચ સમયે ઈંગ્લેન્ડે 98 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી હતી. બ્રુકે 23 રનની ઈનિંગ

રમી હતી.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક