• શનિવાર, 14 માર્ચ, 2026

દેશમાં ઈંધણની કોઈ કમી ન હોવાનું દોહરાવતી સરકાર: ઉત્પાદનમાં 30 ટકાનો વધારો

 

નવી દિલ્હી, તા.13: ઈરાન-અમેરિકાનાં યુદ્ધનાં કારણે દુનિયામાં સર્જાયેલી ક્રૂડ ઓઈલની કટોકટીને પગલે ભારતમાં પણ ગભરાટ ફેલાયો છે અને ગેસનું સંકટ સર્જાઈ ગયું છે. સરકાર તરફથી ધરપત આપવામાં આવી છે કે, આપણે ત્યાં ગેસ કે ઓઈલની કોઈ અછત નથી તેમ છતાં સ્થિતિમાં કોઈ સુધારો હજી જોવા મળતો નથી. પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયે આપેલી સત્તાવાર જાણકારી અનુસાર સામાન્ય દિવસોમાં પ્રતિદિન પ0થી પપ લાખ જેટલા ગેસ સિલિન્ડરનાં બૂકિંગ થતાં હોય છે પણ આ સરેરાશ અત્યારે વધીને રોજ 7પ-76 લાખ સિલિન્ડર થઈ ગઈ છે.  પેટ્રોલિયમ મંત્રાલયનાં સંયુક્ત સચિવ સુજાતા શર્માએ આજે જણાવ્યું હતું કે, રોજ પ0 લાખ ઘરેલું રાંધણગેસ બાટલાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. સ્થિતિ નિયંત્રણમાં છે અને ગભરાટમાં બૂકિંગ કરાવી રાખવાની કોઈ આવશ્યકતા નથી. દેશમાં એલપીજી ડીલરો પાસે ગેસની કોઈ જ કમી નથી.

તેમણે આગળ જણાવ્યું હતું કે, ભારત પાસે 2પ8 મિલિયન મેટ્રિક ટન ક્રૂડ ઓઈલની રિફાઈનિંગ ક્ષમતા છે. પેટ્રોલ-ડીઝલનાં ઉત્પાદનમાં આપણે આત્મનિર્ભર છીએ માટે હાલનાં તબક્કે ચિંતાનું કોઈ કારણ નથી. તેમણે આગળ કહ્યું હતું કે, તમામ રિફાઈનરીઓ હાલ 100 ટકા કે તેનાથી વધુ ક્ષમતાએ કામ કરે છે. તા. પ માર્ચની તુલનામાં આપણી રિફાઈનરીઓ 30 ટકા વધુ એલપીજીનું ઉત્પાદન કરી રહી છે.

તેમણે આગળ કહ્યું હતું કે, રાજ્યોને અનુરોધ કરવામાં આવે છે કે, પ્રાથમિકતાનાં માપદંડ નિર્ધારિત કરીને સુનિશ્ચિત કરવામાં આવે કે કોમર્શિયલ સિલિન્ડર રીતે પ્રાથમિકતા ધરાવતાં વપરાશકારો સુધી પહોંચે. તેમણે આગળ કહ્યું હતું કે, પેટ્રોલ-ડીઝલની અછત નથી પણ ગેસ હજી પણ ચિંતાનો વિષય બનેલો છે.

ઇ-પેપરના નવા શુલ્ક