બે ગેસ ટેન્કરને હોર્મુઝમાંથી પસાર થવાની છૂટ આપતું ઈરાન: ભારતને મિત્ર દેશ ગણાવીને ઈરાનનાં રાજદૂતે આપ્યો વધુ રાહતનો સંકેત : કૂટનીતિક વાટાઘાટોમાં અંતે સફળતા
નવી દિલ્હી, તા.13: ઈરાન, અમેરિકા અને ઈઝરાયલનાં યુદ્ધનાં કારણે ફારસની ખાડીમાં વધેલા તનાવ અને ઘર્ષણ વચ્ચે હોર્મુઝ સામુદ્રધુની(સ્ટ્રેટ)ને ઈરાને બંધ કરી નાખતા ભારતમાં ગેસની કટોકટીની સ્થિતિ સર્જાયેલી છે. આમાંથી કોઈ માર્ગ કાઢવા માટે ઈરાન અને ભારત વચ્ચે થયેલી કૂટનીતિક વાટાઘાટનાં અંતે રાહતકારી સમાચાર મળ્યા છે. ઈરાને ભારતનાં બે ગેસ ટેન્કરને સલામત માર્ગ આપવાનું નક્કી કર્યુ છે. ઈરાનનાં આ નિર્ણય પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈરાનનાં રાષ્ટ્રપતિ સાથે અને વિદેશમંત્રી એસ.જયશંકરે પોતાનાં સમકક્ષ સાથે વાટાઘાટો કરી હતી. ત્યારબાદ ઈરાન તરફથી ભારતને આ રાહત આપવામાં આવી હતી.
આ નિર્ણય પહેલા જ ઈરાને આજે ભારતને એક મોટી રાહતનો સંકેત આપ્યો હતો. ભારતમાં ઈરાનનાં રાજદૂત મોહમ્મદ ફતહાલીએ કહ્યું હતું કે, ભારતને સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી સુરક્ષિત માર્ગ મળી શકે છે. તેમણે કહ્યું હતું કે, આ જળમાર્ગેથી ભારતનો પુરવઠો સુનિશ્ચિત કરતાં ઘટનાક્રમો અમુક કલાકમાં જ સાકાર થઈ શકે છે. જો કે આ માર્ગ હોર્મુઝમાં અટવાયેલા ભારતીય જહાજોને આપવામાં આવશે કે પછી તમામ ભારતીય જહાજોને એ હજી અસ્પષ્ટ છે. હાલનાં તબક્કે ગેસનાં જથ્થા સાથેનાં બે ટેન્કરને છૂટ આપી દેવામાં આવી છે. ભારતમાં ગેસની અછતની સ્થિતિ સર્જાયેલી છે ત્યારે આ ઘટનાક્રમ મોટી રાહત સમાન બની રહે છે.
ફતહાલીને પત્રકારો દ્વારા સવાલ કરવામાં આવ્યો હતો કે શું ભારતને સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી સલામત માર્ગ આપવામાં આવશે. ત્યારે તેમણે કહ્યું હતું કે, ભારત મિત્ર દેશ છે અને બે-ત્રણ કલાકમાં જ આનો નિર્ણય થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, ભારતનાં વિદેશ મંત્રી એસ.જયશંકરે ઈરાનમાં પોતાનાં સમકક્ષ સાથે ચર્ચા કર્યાનાં અમુક કલાકો બાદ આ રાહતનાં સંકેત આવી રહ્યાં છે. તેમણે ઈરાન માટે ભારતને જરૂરી ભાગીદાર દેશ ગણાવ્યો હતો અને કહ્યું હતું કે, આ પ્રદેશમાં બન્નેનાં સંયુક્ત હિતો પણ છે.
ભારત-ઈરાન સહયોગ વિશે તેમણે ઉમેર્યું હતું કે, આ દુ:ખ અમારું છે એવી જ રીતે એમનું પણ છે. એટલા માટે જ ભારત સરકાર ઈરાનની મદદ કરે છે અને ઈરાને પણ ભારતની મદદ કરવી જોઈએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઈરાનનાં રાષ્ટ્રપતિ વચ્ચે વાતચીત અંગે તેમણે કહ્યું કે, બન્ને વચ્ચે સારી વાટાઘાટ થઈ હતી. મોદી અને પેઝેશ્કિયન માને છે કે, પૂરી કોશિશ થવી જોઈએ. બન્ને દેશ યુદ્ધ નથી ઈચ્છતા પણ જો જરૂર પડે તો અમે તેનાં માટે તૈયાર છે.
આત્મરક્ષાનો પૂરો હક : ઈરાની વિદેશ મંત્રીની જયશંકર સાથે ચર્ચા
નવી દિલ્હી, તા. 13 : ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે ક્ષેત્રીય અને આંતરરાષ્ટ્રીય ઘટનાક્રમોને લઈને ઈરાનના વિદેશ મંત્રી સૈયદ અબ્બાસ અરાઘચી સાથે ટેલિફોન ઉપર મહત્ત્વની વાતચીત કરી હતી. ઈરાનમાં યુદ્ધ શરૂ થયા બાદથી બન્ને નેતા વચ્ચે આ ચોથી વાતચીત છે. વાતચીતમાં અરાઘચીએ ઈરાન ઉપર થયેલા હુમલાની નિંદા કરવાની અપીલ કરી હતી. ઈરાન તરફથી જાહેર કરવામાં આવેલી જાણકારી અનુસાર અરાઘચીને ભારતીય સમકક્ષને વર્તમાન ઘટનાક્રમથી અવગત કરાવ્યા હતા અને કહ્યું હતું કે આક્રમકતા સહન કરવામાં આવશે નહી અને ઈરાનને આત્મરક્ષા કરવાનો પૂરો હક છે.
હોર્મુઝ સ્ટ્રેટ દુનિયાના સૌથી મહત્ત્વપૂર્ણ સમુદ્રી માર્ગોમાંથી એક છે. જ્યાંથી વૈશ્વિક તેલ અને ગેસનો મોટો હિસ્સો પસાર થાય છે. ઈરાને સંઘર્ષ દરમિયાન આ માર્ગે મિસાઈલ અને ડ્રોનથી હુમલા કર્યા છે. જેનાથી અમેરિકા, યુરોપ અને ઈઝરાયલ સંબંધિત જહાજોને પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. તેમજ વૈશ્વિક ઉર્જા કિંમતોમાં ભારે ઉછાળો આવ્યો છે. જેનાથી ભારત જેવા આયાત નિર્ભર દેશોની ચિંતા વધી છે. વાતચીત દરમિયાન ઈરાની વિદેશ મંત્રીએ એસ જયશંકરને અમેરિકા અને ઈઝરાયલ દ્વારા કરવામાં આવેલા અપરાધોની જાણકારી આપી હતી. અરાધચીએ સ્પષ્ટ કર્યું હતું કે ઈરાની સરકાર, જનતા અને સશત્ર દળો પોતાની રક્ષા માટે અધિકારનો પ્રયોગ કરવા માટે સંકલ્પ ધરાવે છે.
ઈરાની વિદેશ મંત્રીએ ભાર મૂકીને કહ્યું હતું કે આંતરરાષ્ટ્રીય અને ક્ષેત્રીય સંગઠનોએ ઈરાન સામેની સૈન્ય આક્રમકતાની નિંદા કરવી જોઈએ. સાથે જ બહુપક્ષીય સહયોગને વધારવા માટે બ્રિક્સને મહત્ત્વનું મંચ ગણાવ્યું હતું અને આગ્રહ કર્યો હતો કે આ સંવેદનશિલ સ્થિતિમાં બ્રિક્સે રચનાત્મક ભૂમિકા ભજવવી જોઈએ.