પૂરતો સ્ટોક હોવાના દાવા સાથે સંગ્રહખોરી ડામવા દોડતું તંત્ર
રાજકોટ,તા.13 : મિડલ ઈસ્ટમાં તણાવને કારણે ભારતમાં ગેસ સપ્લાયની ચેઈન પર અસર પડી છે. કોમર્શિયલ ગેસ સિલિન્ડરની જબરદસ્ત અછત વચ્ચે હવે ઘરેલું ગેસ સિલિન્ડરના પણ ફાંફા પડી રહ્યા છે. ગેસના બાટલાની અછત સર્જાતા ગુજરાતમાં જાણે ગેસ ઈમરજન્સીની સ્થિતિ સર્જાઈ છે. અનેક રેસ્ટોરન્ટ બંધ થઈ ગઈ છે અને અનેક બંધ થવાની કતારમાં છે. સરકારે કોઇ ચિંતા ન કરવાની બાંહેધરી આપી જ છે છતાં પરિસ્થિતિ વકરવાની ભીતિ અને કાળાબજારને કારણે ઘરેલુ રાંધણ ગેસ સિલિન્ડરના બુકીંગમાં પ0 ટકા જેવો મોટો વધારો થઇ ગયો છે. આ બધા વચ્ચે સ્થાનિક તંત્ર પણ દરોડા પાડીને કાળાબજાર અટકાવવા પ્રયાસ કરી રહ્યું છે અને સાથે ઘરેલું જરૂરિયાત માટેનો પૂરતો સ્ટોક હોવાનો દાવો કરી રહ્યું છે.
રાંધણ ગેસ એજન્સીઓનું કહેવું છે કે, ઘરેલું એલપીજીની સપ્લાયમાં કોઇ સમસ્યા નથી અને પુરવઠો નિયમિત રીતે મળી રહ્યો છે. ડિલિવરીના પણ પ્રશ્નો નથી છતાં ભવિષ્યમાં કટોકટી વકરે કે સરકાર દ્વારા સમયગાળો વધુ વધારવામાં આવે તેવી આશંકાના કારણે લોકો જરૂર ન હોય તો પણ સ્ટોક કરવા માટે બુકીંગ કરાવવા લાગ્યા છે અને આ કારણોસર થોડી ઘણી અસર વર્તાવા લાગી છે. સામાન્ય સંજોગો કરતા અત્યારે બુકીંગમાં પ0 ટકાનો વધારો થયાનો અંદાજ છે.
જામનગર જિલ્લામાં ઘરેલું જરૂરિયાત માટે રાંધણગેસનો પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ છે અને પુરવઠો દરેક સ્થળે સરળતાથી મળી રહે તે માટે તંત્ર દ્વારા પૂરતી તકેદારી વહીવટી તંત્ર દ્વારા રાખવામાં આવી રહી છે. જિલ્લાના રહેવાસીઓને ખોટા સમાચારો કે અફવાઓથી ભ્રમિત થઈને રાંધણગેસનો બિનજરૂરી સંગ્રહ ન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે. બીજી તરફ જિલ્લા પુરવઠા વિભાગની ટીમોએ શહેરના વિવિધ વિસ્તારમાં હોટેલ, ફાસ્ટફૂડ પાર્લરમાં ઘરેલુ ગેસ સિલિન્ડરના વપરાશ બાબતે ચાકિંગ હાથ ધર્યું હતું, પરંતુ વાંધાજનક કશું મળ્યું ન હતું.
પોરબંદર જિલ્લાના ઈનચાર્જ જિલ્લા પુરવઠા અધિકારી નેહા સોજીત્રાએ જણાવ્યું હતું કે, જિલ્લામાં ઘરેલું વપરાશ માટેના ગેસ સિલિન્ડરનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે. ઓનલાઈન બાકિંગ સિસ્ટમમાં સર્વર ઓવરલોડને કારણે જે ટેકનિકલ સમસ્યા સર્જાઈ હતી, તેને કારણે બાકિંગમાં થોડો વિલંબ થયો હતો, પરંતુ હવે આ સિસ્ટમ પુન: કાર્યરત થઈ ગઈ છે. ઘરેલું ગેસ સિલિન્ડરનો કોમર્શિયલ હેતુ માટે ગેરકાયદેસર વપરાશ રોકવા માટે તમામ તાલુકામાં મામલતદારને સઘન ચાકિંગ કરવા સૂચના આપી દેવામાં આવી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોમર્શિયલ વપરાશના સિલિન્ડર છ દિવસથી ન આવતા હોટલ ઉદ્યોગ કટોકટીમાં આવી ગયો છે. તમામ કંપનીઓના સર્વર ડાઉન થઈ જતા ઓનલાઈન બુકીંગ થતું જ નથી. એજન્સીઓમાં રોજ ગ્રાહકો ઉમટતા ઘર્ષણની સ્થિતિ જોવા મળે છે. કાળાબજાર ન થાય તે માટે તંત્ર દ્વારા ડી.એસ.સી. નંબર માન્ય મોબાઈલમાં આવે તો જ ડિલિવરીની વ્યવસ્થા ગોઠવાઈ છે. આ સાથે ઈન્ચાર્જ જિલ્લા પુરવઠા અધિકારીએ ખોટા સમાચારો અને અફવાઓથી ભ્રમિત થઈને રાંધણગેસનો બિનજરૂરી સંગ્રહ ન કરવા અનુરોધ કર્યો છે અને એલપીજીનો પુરતો જથ્થો હોવાનો દાવો કર્યો છે.
મોરબી જિલ્લા કલેક્ટર ઝવેરીના અધ્યક્ષસ્થાને તથા પોલીસ અધિક્ષક મુકેશ પટેલની ઉપસ્થિતિમાં ગેસ એજન્સી નોડલ ઓફિસર તથા ડિસ્ટ્રિબ્યુટરની બેઠક યોજાઈ હતી. જેમાં કલેકટરે ગેસ એજન્સીના વિતરકોને ડોમેસ્ટિક ગેસ સિલિન્ડરના હેતુફેર કે કાળા બજાર ન કરવા માટે તાકીદ કરી હતી. આ સાથે જિલ્લામાં ઘરેલું જરૂરિયાત માટેનો પૂરતો એલ.પી.જી. જથ્થો ઉપલબ્ધ હોવાનો દાવો કર્યો હતો. ગેસ વિતરણ કરતી એજન્સી અને વિતરકોને સાથે પણ બિનજરૂરી સંઘર્ષ ન કરવા અને તેઓને સહયોગ આપવા અપીલ કરી છે.
સાવરકુંડલા શહેરની એરોગેસ ઇન્ડિયન સિલિન્ડર બાકિંગ ઓફિસ ખાતે વહેલી સવારથી જ ગ્રાહકોની લાંબી લાઈનો જોવા મળી રહી છે. એક ગેસ સિલિન્ડર મેળવવા માટે ગૃહિણીઓ અને વડીલો સવારથી જ લાઇનમાં ઉભા રહેવા મજબૂર બન્યા છે. એજન્સી તરફથી જણાવવામાં આવી રહ્યું છે કે જેમ પુરવઠો આવશે તેમ વિતરણ કરવામાં આવશે. ઉનાળાની કાળજાળ ગરમી હોવા છતાં ઓફિસ બહાર છાંયો કે ઠંડા પાણી જેવી કોઈ વ્યવસ્થા કરવામાં આવી ન હોવાના કારણે વૃદ્ધ અને અશક્ત લોકોના આરોગ્ય પર પણ જોખમ ઊભું થયું છે.
વડિયામાં છેલ્લા બે ત્રણ દિવસથી સવારથી જ ગેસ એજન્સીમાં લાઈનો લગાડતાં લોકોના ટોળાં જોવા મળી રહ્યા છે. અલખદીપ ગેસ એજન્સી દ્વારા હોમ ડીલેવરી બંધ કરી દેવામાં આવી છે. ગેસ એજન્સીના ગોડાઉનથી વડિયા ગામમાં સિલિન્ડર લાવવામાં ભાડું આપવા મજબૂર બની રહ્યા છે.
ફરસાણની 80 ટકા દુકાનમાં તાવડા બંધ થયા, કોમર્શિયલ ગેસની વૈકલ્પિક વ્યવસ્થા કરી આપો
રાજકોટ ફરસાણ વેપારી એસોસિયેશને પુરવઠા અધિકારીને આવેદન આપ્યું
કોમર્શિયલ ગેસનો પુરવઠો બંધ થતાની સાથે જ ઉદ્યોગો, રેસ્ટોરન્ટો, ખાણીપીણીના આઉટલેક અને ફરસાણાના વેપારીઓની હાલત ખરાબ થઈ ગઈ છે. કોમર્શિયલ ગેસના સિલિન્ડર મળતા બંધ થતા જ રાજકોટમાં ફરસાણની 80 ટકા દુકાનોમાં તાવડા બંધ થઈ ગયા છે. આ મામલે આજે રાજકોટ ફરસાણ એસોસિયેશનના હોદ્દેદારો અને વેપારીઓએ કલેક્ટર કચેરી ખાતે દોડી જઈ કોમર્શિયલ ગેસની વૈકલ્પીક વ્યવસ્થા કરી આપવાની માગ સાથે જિલ્લા પુરવઠા અધિકારી ઝાપડાને આવેદન આપ્યું હતું. દરમિયાન આજે પુરવઠા નિરીક્ષકોની ટીમ દ્વારા શહેરના જે.કે. ચોક અને યુનિવર્સિટી રોડ પર આવેલી હોટલો અને રેસ્ટોરન્ટ, ટી-સ્ટોલ અને ફરસાણ સ્ટોર, નાસ્તા હાઉસ અને ફાસ્ટ ફૂડ સેન્ટર ઉપર દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં કૈલાશ ફરસાણ સ્ટોરમાંથી ઇન્ડેન કંપનીના ત્રણ ઘરેલુ ગેસ સિલિન્ડર મળી આવ્યા હતા. જ્યારે શ્રી હરિ ફાસ્ટ ફૂડ સ્ટોરમાંથી ઇન્ડેન કંપનીનો એક ઘરેલુ ગેસ સિલિન્ડર મળી આવ્યો હતો.
કાચા માલ માટે સ્થિર ભાવ વ્યવસ્થા જાળવવા સરકારને દક્ષિણ ગુજરાત ચેમ્બરની અપીલ
સુરત, તા.13 : ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સહિતનાને કાચામાલ માટે સ્થિર ભાવ વ્યવસ્થા જાળવવા રજૂઆત કરવામાં આવી છે. ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ નિખિલ મદ્રાસીએ જણાવ્યું છે કે, ભારતના ઔદ્યોગિક ક્ષેત્રનો મોટો હિસ્સો ગલ્ફ પ્રદેશમાંથી આયાત થતા કાચા માલ, પેટ્રોકેમિકલ ડેરિવેટિવ્સ, લિકિવફાઇડ નેચરલ ગેસ, ક્રૂડ ઓઇલ તથા અન્ય આવશ્યક ઔદ્યોગિક એકમો પર નિર્ભર છે. હાલની ભૂરાજકીય પરિસ્થિતિ અને શાપિંગ માર્ગોમાં ઊભા થયેલા વિક્ષેપને કારણે આ મહત્ત્વપૂર્ણ સંસાધનોની ઉપલબ્ધતા તેમજ તેમની કિંમતો પર ગંભીર અસર પડી રહી છે, જેના કારણે ઉદ્યોગોને અનેક પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. સુરત સહિત દક્ષિણ ગુજરાતના ઉદ્યોગોને ફ્રેઇટ અને લોજિસ્ટિકસ ખર્ચમાં વધારા જેવી ગંભીર સમસ્યાઓ ઉભી થઈ રહી છે. ઔદ્યોગિક એકમોમાં ઉત્પાદનમાં ઘટાડો તથા સંચાલન ખર્ચમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. ઉદ્યોગોને નેચરલ ગેસ અને એલએનજીનો પૂરતો અને અવિરત પુરવઠો મળી રહે તે માટે વૈકલ્પિક સોર્સિંગ વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવે. કાચા માલ અને ઈંધણની અછતનો સામનો કરતા ઉદ્યોગો માટે રાહત પગલા માટે નીતિ બનાવવામાં આવે.
અમદાવાદમાં સ્વામીનારાયણ ભોજનાલય બંધ
અમદાવાદ, તા.13 : મણિનગરમાં આવેલું સ્વામીનારાયણ ભોજનાલય એલપીજી ગેસ રિફાલિંગના અભાવે આજથી અનિશ્ચિતકાળ માટે બંધ કરવામાં આવ્યું છે. પૂરતા પ્રમાણમાં ગેસ સિલિન્ડર ઉપલબ્ધ ન હોવાને કારણ મોટા પાયે રસોઈ બનાવવી અશક્ય બની ગઈ છે. જમવાની ગુણવત્તા સાથે સમજૂતી કરવાને બદલે સંચાલકોએ સ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી ભોજન અને ટિફિન પાર્સલની સેવાઓ બંધ રાખવાનો નિર્ણય લીધો છે. આ ભોજનાલય મણિનગર ગાદી સેવા સંસ્થા દ્વારા કોન્ટ્રાક્ટ પર ચલાવવામાં આવે છે. અહીં દરરોજ બે ટંકનું ભોજન કિફાયતી દરે પીરસવામાં આવે છે. અહીં જમતા હરિભક્તો, વિદ્યાર્થીઓ અને નોકરિયાત વર્ગમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. ગેસનો સપ્લાય જ્યાં સુધી પૂર્વવત નહીં થાય ત્યા સુધી આ ભોજનાલયની સેવાઓ સ્થગિત રહેશે. આ સાથે શહેરની મેડીકલ કોલેજોમાં પીએનજી સિવાયના મેસ જે એલપીજી પર ચાલે છે ત્યાં મેસ બંધ કરી છે. જેના કારણે હજારો મેડિકલ વિદ્યાર્થીઓને હવે બહાર ભોજન શોધવાની ફરજ પડશે.
વિધાનસભા પરિસરમાં વિપક્ષનો હલ્લાબોલ, પોલીસ-ધારાસભ્યો વચ્ચે ઘર્ષણ
અમદાવાદ, તા.13 : દેશમાં સર્જાયેલી ગેસની ભયંકર અછત અને સપ્લાય ચેઈન ખોરવાતા આજે ગુજરાત વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન કોંગ્રેસે જોરદાર વિરોધ પ્રદર્શન કરી સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. કોંગ્રેસના ધારાસભ્યો ગેસના ખાલી બાટલા, લાકડાના ભારી અને છાણા લઈને વિધાનસભા પહોંચ્યા હતા, જેના કારણે પરિસરમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ અને કોંગ્રેસના ધારાસભ્યો વચ્ચે ઉગ્ર ઝપાઝપી થઈ હતી. ધારાસભ્યોને અંદર જતા રોકવા માટે પોલીસે બળપ્રયોગ કરતા ધારાસભ્ય અમૃતજી ઠાકોર વિધાનસભાના પગથિયા પર પડી ગયા હતા, જેને પગલે માહોલ વધુ ગરમાયો હતો. અમિત ચાવડાએ આક્ષેપ કર્યો હતો કે, ગૃહિણીઓ ગેસના બાટલા માટે લાંબી લાઈનોમાં ઊભી છે અને રેસ્ટોરન્ટ્સ બંધ થઈ રહી છે, મોંઘવારી વચ્ચે ગેસની અછતથી સામાન્ય જનજીવન અને ઉદ્યોગો બન્ને પર અસર પડી રહી છે, છતાં સરકાર સ્થિતિ સામાન્ય હોવાનો દાવો કરી રહી છે. સરકાર જનતાનો અવાજ દબાવવા માટે પોલીસનો સહારો લઈ રહી છે. સરકારને તાત્કાલિક ગેસ અને પેટ્રોલિયમ ઉત્પાદનોની પૂરતી ઉપલબ્ધતા નક્કી કરવા માટે પગલા લેવા માગ કરી હતી.